EDને જેના ઘરેથી રૂપિયાનો ઢગલો મળ્યો તે Arpita Mukherjee કોણ છે? કેવી રીતે TMC નેતાની નજીકની વ્યક્તિ બની?
પશ્ચિમ બંગાળના પ્રખ્યાત શિક્ષણ ભરતી કૌભાંડની તપાસ હવે રાજ્ય સરકાર સુધી પહોંચી છે
પશ્ચિમ બંગાળના પ્રખ્યાત શિક્ષણ ભરતી કૌભાંડની તપાસ હવે રાજ્ય સરકાર સુધી પહોંચી છે. શિક્ષણ કૌભાંડની તપાસ હવે મંત્રીઓ સુધી પહોંચી છે. મમતા બેનર્જીના નેતૃત્વવાળી સરકારમાં મંત્રી પાર્થ ચેટર્જીના નજીકની ગણાતી અર્પિતા મુખર્જીના ઘરે EDએ દરોડા પાડ્યા ત્યારે લગભગ 20 કરોડની રોકડ જપ્ત કરવામાં આવી હતી. શુક્રવારથી પાર્થ ચેટર્જીના ઘરે પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે. આ દરમિયાન સવાલો ઉઠી રહ્યા છે કે અર્પિતા મુખર્જી કોણ છે અને પાર્થ ચેટર્જીની નિકટની વ્યક્તિ કેવી રીતે બની.
ED is carrying out search operations at various premises linked to recruitment scam in the West Bengal School Service Commission and West Bengal Primary Education Board. pic.twitter.com/oM4Bc0XTMB
— ANI (@ANI) July 22, 2022
EDના દરોડાથી ચર્ચામાં આવેલી અર્પિતા મુખર્જી વિશે વાત કરીએ તો, તેણે ખૂબ ઓછા સમય માટે બંગાળી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કર્યું છે. અર્પિતા મુખર્જીએ તેની ફિલ્મી કરિયરમાં મોટાભાગે સાઈડ રોલ કર્યા છે. બંગાળી ફિલ્મો ઉપરાંત તેણે ઓડિશા અને તમિલ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
અર્પિતા મુખર્જીએ બંગાળી ફિલ્મના સુપરસ્ટાર પ્રોસેનજીત અને જીતની મુખ્ય ભૂમિકાઓ સાથે કેટલીક ફિલ્મોમાં સાઈડ રોલ પણ કર્યો છે. આ સિવાય અર્પિતા મુખર્જીએ બંગાળી ફિલ્મ અમર અંતરનાડમાં પણ કામ કર્યું હતું. અર્પિતા મુખર્જી હવે EDના દરોડામાં 20 કરોડની રોકડ મળી આવતા ચર્ચામાં છે. કેન્દ્રીય એજન્સીઓ અનુસાર, શિક્ષણ ભરતી કૌભાંડની તપાસ દરમિયાન અર્પિતા મુખર્જીની સંડોવણી સામે આવી હતી.
અર્પિતા પાર્થ ચેટર્જીની નજીક વ્યક્તિ
અર્પિતા મુખર્જી વિશે કહેવામાં આવી રહ્યું છે કે તે પશ્ચિમ બંગાળ સરકારના મંત્રી પાર્થ ચેટર્જીની નજીક છે. પાર્થ ચેટર્જી મમતા બેનર્જીની સરકારમાં શિક્ષણ મંત્રી પણ રહી ચૂક્યા છે. હવે સવાલો પણ ઉઠી રહ્યા છે કે એક સમયે બંગાળી ફિલ્મોમાં સાઈડ રોલ કરનાર અર્પિતા મુખર્જી શાસક તૃણમૂલ કોંગ્રેસના મજબૂત નેતાઓમાં ગણાતા પાર્થ ચેટર્જીની નજીકની વ્યક્તિ કેવી રીતે બની ગઇ.
વાસ્તવમાં તૃણમૂલ કોંગ્રેસના મજબૂત નેતા અને બંગાળ સરકારમાં મંત્રી પાર્થ ચેટર્જી દક્ષિણ કોલકાતામાં લોકપ્રિય દુર્ગા પૂજા સમિતિ નકટલા ઉદયન ચલાવે છે. તે કોલકાતાની સૌથી મોટી દુર્ગા પૂજા સમિતિઓમાંની એક છે. અર્પિતા મુખર્જી 2019 અને 2020માં પાર્થ ચેટરજીની દુર્ગા પૂજાની ઉજવણીનો ચહેરો પણ રહી ચૂકી છે. દુર્ગા પૂજા દરમિયાન જાહેર કરાયેલા પોસ્ટરમાં સંઘના અધ્યક્ષ તરીકે પાર્થ ચેટર્જીનું નામ લખવામાં આવ્યું હતું.
શુભેન્દુ અધિકારીએ મોરચો ખોલ્યો
અર્પિતા મુખર્જીના ઘર પર દરોડા બાદ વિધાનસભામાં વિપક્ષના નેતા (ભાજપ) શુભેંદુ અધિકારીએ સોશિયલ મીડિયા પર ઘણી તસવીરો પોસ્ટ કરી છે, જેમાં બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી નકતલા ઉદયન સંઘની દુર્ગા પૂજાના ઉદ્ઘાટન સમયે જોવા મળી રહ્યાં છે. મમતાની બાજુમાં પાર્થ ચેટર્જી છે. ચેટર્જી સાથે ટીએમસીના પ્રદેશ અધ્યક્ષ સુબ્રત બક્ષી પણ હાજર છે. અર્પિતા બક્ષીની બાજુમાં બેઠી છે.
ટીએમસીએ સત્તાવાર નિવેદન જાહેર કરીને આ કૌભાંડથી પોતાને દૂર કરી દીધી છે. એવું કહેવામાં આવ્યું છે કે ટીએમસીને આ પૈસા સાથે કોઈ લેવાદેવા નથી. તપાસમાં જવાબ આપવાનું કામ તેમનું અને તેમના વકીલોનું છે. ટીએમસી હાલમાં સમગ્ર મામલાને નજીકથી જોઈ રહી છે. જ્યારે સમય આવશે ત્યારે પ્રતિક્રિયા આપશે.