Watch: વાદળ ફાટ્યા બાદ અમરનાથ ગુફા નજીક રેસ્ક્યૂ ઓપરેશનમાં લાગી ટીમ, સામે આવ્યો આ વીડિયો
દક્ષિણ કાશ્મીરમાં સ્થિત પવિત્ર અમરનાથ ગુફા પાસે શુક્રવારે સાંજે વાદળ ફાટ્યું હતું. આ દુર્ઘટનામાં 10 લોકોના મોતની પુષ્ટિ થઈ છે.
જમ્મુ કાશ્મીર: દક્ષિણ કાશ્મીરમાં સ્થિત પવિત્ર અમરનાથ ગુફા પાસે શુક્રવારે સાંજે વાદળ ફાટ્યું હતું. આ દુર્ઘટનામાં 10 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટનામાં 25 ટેન્ટ અને ત્રણ રસોઈઘર નષ્ટ થઈ ગયા. તેમણે કહ્યું કે ભારે વરસાદ વચ્ચે સાંજે 5.30 વાગ્યે વાદળ ફાટ્યું. તેમણે કહ્યું કે ગુફાની બહાર બેઝ કેમ્પમાં અચાનક પાણી આવવાને કારણે 25 તંબુ અને ત્રણ રસોડા નષ્ટ થઈ ગયા, જ્યાં શ્રદ્ધાળુઓને ભોજન પીરસવામાં આવે છે. આ ઘટનામાં ત્રણ મહિલા અને બે પુરૂષોના મોત થયા હતા. સેના, પોલીસ અને આઈટીબીપીના જવાનોએ બચાવ કામગીરી શરૂ કરી દીધી છે.
NDRF અને SDRFની ટીમ રાહત અને બચાવ કાર્યમાં લાગેલી છે. મળતી માહિતી મુજબ લગભગ 30-40 લોકો ફસાયેલા છે. રાત્રે પણ બચાવ કામગીરી ચાલુ રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીરમાં અમરનાથ ગુફા પાસે વાદળ ફાટવા પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે ટ્વિટ કર્યું, "જમ્મુ અને કાશ્મીરના એલજી મનોજ સિન્હા સાથે વાત કરી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો. બચાવ અને રાહત કામગીરી ચાલુ છે. અસરગ્રસ્તોને તમામ શક્ય મદદ પૂરી પાડવામાં આવી રહી છે."
જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ કહ્યું, "NDRF, SDRF, BDF, આર્મી, JKP અને શ્રાઈન બોર્ડ પ્રશાસન દ્વારા બચાવ કામગીરી ચાલુ છે. PM અને HM સાથે વાત કરી અને તેમને માહિતી આપી. તેઓએ શક્ય તમામ મદદની ખાતરી આપી છે. યાત્રાળુઓને સૂચનાઓ જારી કરવામાં આવી છે. પ્રભાવિતને તમામ જરૂરી સહાય પૂરી પાડવામાં આવી રહી છે.
એનડીઆરએફના ડીજી અતુલ કરવલે કહ્યું, "અમારી 1 ટીમ ગુફાની નજીક તૈનાત છે, તે ટીમ તરત જ બચાવ કાર્યમાં લાગી ગઈ છે. 2 ટીમ નજીકમાં છે, જેમાંથી 1 ત્યાં પહોંચી ગઈ છે અને કામ શરૂ કરી દીધું છે, 1 ટીમ જોડાવાની છે. ત્યાં હાજર અમારા લોકોના જણાવ્યા અનુસાર 10 લોકોના મોતના સમાચાર છે. ITBP, આર્મી, સ્થાનિક પોલીસ જેવી અન્ય ઘણી સંસ્થાઓની ટીમો છે.