દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 257, રાજ્યમાં કોવિડ-19ના નોંધાયા સાત એક્ટિવ કેસ
19 મે, 2025 સુધીમાં ભારતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 257 છે, જે દેશની મોટી વસ્તીને ધ્યાનમાં લેતા ખૂબ જ ઓછો આંકડો છે.

ફરી એકવાર ભારતમાં કોરોના વાયરસનો ખતરો મંડરાઇ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું હતું દેશમાં એક સપ્તાહમાં કોરોનાના નવા 58 કેસ નોંધાયા હતા. જોકે, આરોગ્ય મંત્રાલયે એક સત્તાવાર નિવેદન જાહેર કરીને કહ્યું છે કે ભારતમાં કોરોનાના કેસ નિયંત્રણમાં છે. ભારતમાં હાલની કોવિડ-19 પરિસ્થિતિ નિયંત્રણમાં છે. 19 મે, 2025 સુધીમાં ભારતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 257 છે, જે દેશની મોટી વસ્તીને ધ્યાનમાં લેતા ખૂબ જ ઓછો આંકડો છે. આમાંના લગભગ બધા જ કેસોમાં હળવા લક્ષણો છે, જેને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર હોતી નથી. કેરળ 95 એક્ટિવ કોરોનાના કેસ સાથે દેશમાં મોખરે છે.
ગુજરાતની વાત કરીએ તો રાજ્યમાં કોરોનાના સાત એક્ટિવ કેસ છે. સૌથી વધુ એક્ટિવ કેસ ધરાવતા રાજ્યમાં ગુજરાત છઠ્ઠા ક્રમે છે. નોંધનીય છે કે હોંગકોંગ, સિંગાપોર, થાઈલેન્ડમાં કોરોનાના કેસમાં ઝડપથી વધારો જોવા મળી રહ્યો છે. હોંગકોંગમાં કેસમાં 30 ગણો વધારો નોંધાયો હતો જ્યારે થાઈલેન્ડમાં 71 હજારથી વધુ એક્ટિવ કેસ જોવા મળી આવ્યા હતા.
મંત્રાલયે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક અઠવાડિયામાં સિંગાપોર અને હોંગકોંગમાં કોવિડ-19ના કેસોમાં વધારો થયો હોવાના અહેવાલો મળ્યા છે. પરંતુ મોટાભાગના કેસો હળવા હોય છે અને અસામાન્ય ગંભીરતા અથવા મૃત્યુદર સાથે સંકળાયેલા નથી. જોકે, ભારત સરકાર અને આરોગ્ય મંત્રાલય આ બાબતો અંગે સતર્ક છે.
દેશમાં ઇન્ટિગ્રેટેડ ડિસીઝ સર્વેલન્સ પ્રોગ્રામ (IDSP) અને ICMR દ્વારા COVID-19 સહિત શ્વસન વાયરલ રોગોની દેખરેખ માટે એક મજબૂત સિસ્ટમ પણ અસ્તિત્વમાં છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું કે અમે પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ. અમે ખાતરી આપીએ છીએ કે જાહેર આરોગ્યના રક્ષણ માટે યોગ્ય પગલાં લેવામાં આવશે.
આરોગ્ય મંત્રાલયે જાહેર કરી માર્ગદર્શિકા
કોરોનાથી બચવા માટે હજુ પણ તકેદારી રાખવી જરૂરી છે. આરોગ્ય મંત્રાલયે સલાહ આપી છે કે લોકોએ નિયમિતપણે હાથ ધોવા જોઈએ, જાહેર સ્થળોએ માસ્ક પહેરવા જોઈએ, ખાંસી કે છીંક ખાતી વખતે મોં ઢાંકવું જોઈએ અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું જોઈએ. હાલમાં કેન્દ્ર સરકાર તરફથી કોઈ નવી માર્ગદર્શિકા જરૂરી જણાતી નથી, પરંતુ રાજ્ય સરકારોને સતર્ક રહેવાનું કહેવામાં આવ્યું છે. ભલે સંખ્યા ઓછી હોય પણ કોરોના હજુ પણ સંપૂર્ણપણે નાબૂદ થયો નથી. સાવધાની એ શ્રેષ્ઠ બચાવ છે.





















