Atiq Ahmed Shot Dead : અતીક-અશરફની હત્યા બાદ એક્શન મોડમાં CM યોગી, UP સરકારે ગૃહ મંત્રાલયને સોંપ્યો રિપોર્ટ
અતીક અને અશરફની પૂછપરછ કર્યા બાદ યુપી પોલીસ બંનેને મેડિકલ ચેકઅપ માટે કોન્વિન હોસ્પિટલમાં લઈ ગઈ હતી.

Background
ઉત્તર પ્રદેશ સરકારે સોંપ્યો રિપોર્ટ
માફિયા અતીક અહમદ અને તેના ભાઈ અશરફ અહમદની હત્યા બાદ કેન્દ્ર સરકાર એક્શન મોડ પર આવી ગઈ છે. મોડી રાત્રે (15 એપ્રિલ) ગૃહ મંત્રાલય (MHA) દ્વારા રિપોર્ટ મંગાવવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, હવે ઉત્તર પ્રદેશ સરકારે આ મામલાની રિપોર્ટ ગૃહ મંત્રાલયને સોંપી દીધી છે. આ અહેવાલ યુપીના મુખ્ય સચિવ સંજય પ્રસાદની મુખ્યમંત્રી સાથેની બેઠક બાદ મોકલવામાં આવ્યો હતો.
ગુનેગારોને સખત સજા થવી જોઈએ - પ્રિયંકા ગાંધી
પ્રિયંકા ગાંધીએ કહ્યું, "આપણા દેશનો કાયદો બંધારણમાં લખાયેલો છે, આ કાયદો સર્વોપરી છે. ગુનેગારોને આકરી સજા થવી જોઈએ, પરંતુ તે દેશના કાયદા અનુસાર થવી જોઈએ. કાયદાનું શાસન અને ન્યાયિક પ્રક્રિયા સાથે છેડછાડ કરવી અથવા તેનું ઉલ્લંઘન કરવું આપણા લોકતંત્ર માટે યોગ્ય નથી."
કેન્દ્રિય સરકારે માંગ્યો રિપોર્ટ
અતીક અહમદ અને અશરફની હત્યા બાદ ઉત્તર પ્રદેશનું વાતાવરણ બગડે નહીં તેના પર દરેક રીતે નજર રાખવામાં આવી રહી છે. પ્રયાગરાજ સહિત સમગ્ર યુપીમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. આ ઉપરાંત નજીકના જિલ્લાઓમાંથી પણ ફોર્સ બોલાવવામાં આવી છે. મોડી રાત્રે ગૃહ મંત્રાલય (MHA) દ્ધારા આ મામલે રિપોર્ટ પણ માંગવામાં આવ્યો હતો. આ સાથે સીએમ યોગી આદિત્યનાથે પોલીસ અધિકારીઓને એલર્ટ રહેવા, રાજ્યમાં શાંતિ અને કાયદો અને વ્યવસ્થા જાળવવા અને લોકોને કોઈ સમસ્યા ન થાય તે માટે સૂચના આપી છે.
આરોપીઓએ શું કહ્યુ?
પૂછપરછ દરમિયાન ત્રણેય આરોપીઓએ કહ્યું હતું કે અતીક અને અશરફ અમારા નિર્દોષ ભાઈઓની હત્યા કરી રહ્યા હતા. પૂછપરછ દરમિયાન ત્રણેય આરોપીઓ ધાર્મિક રંગ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે અમે ધર્મનું કામ કર્યું છે. અન્યાયનો અંત આવ્યો. અમને કોઈ દુઃખ નથી. ભલે અમને ફાંસી આપવામાં આવે. અમે અમારું કામ કર્યું છે.
અતીક અહમદ અને અશરફનું પોસ્ટમોર્ટમ સ્વરૂપરાની હોસ્પિટલમાં કરવામાં આવશે
અતીક અહમદ અને અશરફનું પોસ્ટમોર્ટમ પ્રયાગરાજની સ્વરૂપરાની હોસ્પિટલમાં કરવામાં આવશે. ત્રણ ડોક્ટરોની પેનલ પોસ્ટમોર્ટમ કરશે. આ દરમિયાન વીડિયોગ્રાફી કરવામાં આવશે. સુરક્ષાના કારણોસર પોલીસે ત્રણેય આરોપીઓના સરનામા જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો.

