કોલકાતા ટ્રેઈની ડૉક્ટર રેપ-મર્ડર કેસમાં હાઈકોર્ટે આપ્યા CBI તપાસના આદેશ
સમગ્ર દેશમાં હાલ ચર્ચાસ્પદ બનેલા કોલકાતા ટ્રેઈની ડૉક્ટર રેપ-મર્ડર કેસમાં હાઈકોર્ટે CBI તપાસના આદેશ આપ્યા છે.
કોલકાતા: સમગ્ર દેશમાં હાલ ચર્ચાસ્પદ બનેલા કોલકાતા ટ્રેઈની ડૉક્ટર રેપ-મર્ડર કેસમાં હાઈકોર્ટે CBI તપાસના આદેશ આપ્યા છે. પશ્ચિમ બંગાળમાં કોલકાતાના આરજી કર મેડિકલ કોલેજમાં એક ટ્રેઈની ડોક્ટર સાથે થયેલી બર્બરતાએ દરેકને હચમચાવી મૂક્યા છે.
Calcutta High Court ordered a CBI investigation into RG Kar Medical College and Hospital rape-murder incident. Court asked to hand over all documents to CBI immediately. pic.twitter.com/rTBsmOIgsl
— ANI (@ANI) August 13, 2024
પોલીસે આ મામલે દુષ્કર્મનો કેસ નોંધ્યો અને સીસીટીવીના આધારે એક વ્યક્તિની ધરપકડ કરી છે. લેડી ડૉક્ટર મેડિકલ કોલેજના સેમિનાર હોલમાં બેભાન હાલતમાં મળી હતી.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તેની બંને આંખો અને મોઢામાંથી લોહી વહી રહ્યું હતું, ચહેરા અને નખ પર ઈજા હતી. પીડિતાના પ્રાઈવેટ પાર્ટમાંથી પણ લોહી વહી રહ્યું હતું. તેના પેટ, ડાબા પગ, ગરદન, જમણો હાથ અને હોઠ પર પણ ઈજા હતી. બે મહિલા સાક્ષી અને મહિલાની માતા પોસ્ટમોર્ટમ દરમિયાન હાજર હતાં, જેને કેમેરામાં રેકોર્ડ કરવામાં આવ્યુ. કોલકાતા પોલીસના એક અન્ય વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે ગુનો સવારે 3થી 6 વાગ્યાની વચ્ચે થયો. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પીડિતાના માતા-પિતા સાથે વાત કરી છે. પરિવારે તેમને મામલાની નિષ્પક્ષ તપાસની વિનંતી કરી હતી.
કોલકાતા હાઈકોર્ટે આરજી મેડિકલ કોલેજના ટ્રેઈની ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યાના મામલામાં સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો છે. હાઈકોર્ટે તાત્કાલિક તમામ દસ્તાવેજો સીબીઆઈને સોંપવા જણાવ્યું છે. આ દરમિયાન હાઈકોર્ટે મેડિકલ કોલેજના પ્રિન્સિપાલને અન્ય કોલેજના પ્રિન્સિપાલ બનાવવા માટે પશ્ચિમ બંગાળ સરકારને ભીંસમાં લીધી છે.
કોલકાત્તા હાઈકોર્ટે મેડિકલ કોલેજના પ્રિન્સિપાલને પોતાની જાતે રજા પર જવા કહ્યું, નહીં તો કોર્ટ આદેશ આપશે. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે સવાલ પૂછ્યો છે કે જ્યારે એક વિદ્યાર્થીનું મોત થયું હતું તો તે કેસમાં પ્રિન્સિપાલ દ્વારા કોઈ ફરિયાદ કેમ ન કરાઈ? આ શંકાને જન્મ આપે છે.
દેશભરમાં હડતાળનું એલાન
FAIMA (ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા મેડિકલ એસોસિએશન) એ મંગળવાર, 13 ઓગસ્ટથી દેશવ્યાપી હડતાળની જાહેરાત કરી હતી. જેમાં દેશભરમાં ઓપીડી સેવાઓ બંધ રાખવા જણાવાયું હતું. જો કે આ પહેલા FORDA (ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશન)એ પણ દેશભરમાં હડતાળ પાડવાની જાહેરાત કરી હતી.