બોલીવુડનો આ સ્ટાર યુપીમાં ભાજપ સામે લડશે ચૂંટણી, માતા મહારાજાની દીકરી, પિતા જમીનદાર, પત્નિ બિઝનેસમેન-નેતાની પુત્રી....
ઉત્તર પ્રદેશમાં અલીગઢ જિલ્લાની બરૌલી વિધાનસભા બેઠકથી ચૂંટણી લડી શકે છે.
લખનઉઃ ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારો જાહેર થઈ રહ્યા છે. કોંગ્રેસે એક્ટ્રેસ અર્ચના ગૌતમને ટિકિટ આપી છે ત્યારે હવે બોલિવૂડ એક્ટર ચંદ્રચૂડ સિંહ ટૂંક સમયમાં રાજકારણમાં જોડાઈને ચૂંટણી લડી શકે છે.
ચંદ્રચૂડ સિંહ ઉત્તર પ્રદેશમાં અલીગઢ જિલ્લાની બરૌલી વિધાનસભા બેઠકથી ચૂંટણી લડી શકે છે. રાષ્ટ્રીય લોકદળ પાર્ટીના જયંત ચૌધરી સાથે ચંદ્રચૂડ સિંહની વાતચીત ચાલે છે. હજી સુધી આ અંગે કોઈ જાહેરાત કરાઈ નથીપણ જ્યંત ચૌધરી સતત ચંદ્રચૂડના સંપર્કમાં છે અને ચંદ્રચૂડ સિંહની ટિકિટ પાકી મનાય છે.
ચંદ્રચૂડ સિંહે 'તેરે મેરે સપને'થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તે 'તેરે મેરે સપને', 'દાગ ધ ફાયર', 'જોશ', 'માચિસ', 'ક્યા કહના', 'આમદની અઠન્ની ખર્ચા રુપૈયા', 'જિલા ગાઝિયાબાદ', 'આ ગયા હીરો'માં જોવા મળ્યો હતો. 'માચિસ'નું ગીત 'ચપ્પા ચપ્પા ચરખા ચલે'થી ચંદ્રચૂડ સિંહ ઘણો જ લોકપ્રિય થયો હતો. વેબ સિરીઝ 'આર્યા'થી ચંદ્રચૂડે ડિજિટલ પ્લેટફોર્મ પર ડેબ્યૂ કર્યું હતું.
ચંદ્રચૂડ મૂળ અલીગઢનો છે અને જમીનદાર પરિવારમાંથી આવે છે. તેની માતા પૂર્વ મહારાજાની દીકરી હતાં. પિતા કેપ્ટન બલદેવ સિંહ પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેમણે 1985માં અલીગઢ શહેરની વિધાનસભા ચૂંટણી પરથી જીત મેળવી હતી. કેપ્ટને ઉત્તર પ્રદેશના પૂર્વ કેબિનેટ મંત્રી ખ્વાજા હલીમને હરાવ્યા હતા. ચંદ્રચૂડનાં લગ્ન 1999માં અવંતિકા કુમારી સાથે થયાં હતાં. અવંતિકાના પિતા ઠાકુર અજય સિંહ હિમાચલ પ્રદેશના જાણીતા બિઝનેસમેન તથા રાજકારણી છે.
સમાજવાદી પાર્ટી તથા રાષ્ટ્રીય લોકદળ પાર્ટીના ગઠબંધનમાં રાષ્ટ્રીય લોકદળને અલીગઢ જિલ્લાની ત્રણ સીટ મળી છે. રાષ્ટ્રીય લોકદળના પ્રદેશ સચિવ તથા જિલ્લાના વિધાનસભા ચૂંટણી પ્રભારી નીરજ શર્માએ કહ્યું હતું કે, પાર્ટી અલીગઢની ઈગલાસ, ખૈર તથા બરૌલી વિધાનસભા બેઠક પરથી ઉમેદવાર ઊભા રાખશે. શહર, કોલ, અતરૌલી તથા છર્રા બેઠક પર સમાજવાદી પાર્ટીના ઉમેદવાર હશે. તેમણે કહ્યું હતું કે બોલિવૂડ એક્ટર ચંદ્રચૂડ સિંહ ચૂંટણી લડી શકે છે, પરંતુ જયંત ચૌધરી પાર્ટીના વરિષ્ઠ નેતાઓને મળ્યા બાદ ચંદ્રચૂડનું નામ ઉમેદવાર તરીકે જાહેર કરી શકે છે.