(Source: ECI/ABP News/ABP Majha)
ભારતમાં કોરોનાથી મૃત્યુના ખોટા આંકડા જાહેર કરાયા ? 5 લાખ નહીં પણ 32 લાખ લોકો કોરોનાથી મર્યાં ? કોણે કર્યો આ ચોંકાવનારો દાવો ?
અભ્યાસના લેખકોએ કહ્યું કે વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે ભારતમાં સપ્ટેમ્બર 2021 સુધી કોરોનાને કારણે મૃત્યુની કુલ સંખ્યા સત્તાવાર રીતે નોંધાયેલા આંકડા કરતાં છ-સાત ગણી વધારે છે.
એક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે ગયા વર્ષે સપ્ટેમ્બર સુધીમાં ભારતમાં કોરોનાને કારણે લગભગ 32 લાખ લોકોના મોત થયા હશે. અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે મૃત્યુનો આ આંકડો સત્તાવાર રીતે નોંધાયેલા આંકડા કરતાં છ-સાત ગણો વધુ છે. અભ્યાસમાં મૃત્યુઆંકનો દાવો એક સ્વતંત્ર અને બે સરકારી ડેટા સ્ત્રોતોના આધારે કરવામાં આવ્યો છે. આ અભ્યાસના તારણો ગુરુવારે પ્રતિષ્ઠિત સાયન્સ જર્નલમાં પ્રકાશિત થયા હતા. ભારતમાં કોરેનાથી સત્તાવાર મૃત્યુઆંક 4.8 લાખ છે.
આ અભ્યાસના તારણો 6 જાન્યુઆરી 2022ના રોજ પ્રકાશિત થયા છે. તેનું ટાઈટલ- 'કોવિડ મોર્ટાલિટી ઈન ઈન્ડિયાઃ નેશનલ સર્વે ડેટા એન્ડ હેલ્થ ફેસિલિટી ડેથ્સ'. આ સ્ટડી યુનિવર્સિટી ઓફ ટોરોન્ટોના પ્રોફેસર પ્રભાત ઝાના નેતૃત્વમાં ઈન્ટરનેશનલ સિસર્ચર્સની એક ટીમે કર્યો છે. તેમાં દેશમુખ, ચિન્મય તુંબે, વિલ્સન સૂરવીર, અદિત ભૌમિક, સંકલ્પ શર્મા, પોલ નોવોસૈડ, જી હાંગ ફુ, લેસ્લી ન્યૂકોમ્બી, હેલેન જેલબૈંડ અને પૈટ્રિક બ્રાઉન સામેલ છે.
ભારતમાં 13 મહિનામાં નોંધાયેલા કુલ મૃત્યુમાંથી 29 ટકા મૃત્યુ કોરોનાના કારણે થયા છે.
આ અભ્યાસ કેનેડાની ટોરોન્ટો યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યો છે. જેમાં સેન્ટર ફોર વોટિંગ ઓપિનિયન્સ એન્ડ ટ્રેન્ડ, નોઈડા અને ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ, અમદાવાદના સંશોધકો પણ સામેલ થયા હતા. અભ્યાસમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં માર્ચ 2020 થી જુલાઈ 2021 દરમિયાન હાથ ધરવામાં આવેલા રાષ્ટ્રીય સર્વેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને તેમાં 1,37,289 વયસ્કોનો સમાવેશ થાય છે. યુનિવર્સિટી ઓફ ટોરોન્ટો, કેનેડાના પ્રોફેસર પ્રભાત ઝાના નેતૃત્વમાં સંશોધનકારોની આંતરરાષ્ટ્રીય ટીમે શોધી કાઢ્યું કે જૂન 2020 થી જુલાઈ 2021 વચ્ચે 29 ટકા મૃત્યુ કોરોનાને કારણે થયા છે. મૃત્યુનો આ આંકડો 32 લાખ છે અને તેમાંથી 27 લાખ મૃત્યુ એપ્રિલ-જુલાઈ 2021માં થયા છે.
કોરોનાથી મૃત્યુના અધૂરા પ્રમાણપત્રને કારણે નોંધાયેલી ઓછી સંખ્યા
અભ્યાસના લેખકોએ કહ્યું કે વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે ભારતમાં સપ્ટેમ્બર 2021 સુધી કોરોનાને કારણે મૃત્યુની કુલ સંખ્યા સત્તાવાર રીતે નોંધાયેલા આંકડા કરતાં છ-સાત ગણી વધારે છે. ઉપરાંત, સંશોધકોએ ઉલ્લેખ કર્યો છે કે ભારતમાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોની કુલ સંખ્યા કોરોનાથી મૃત્યુનું અધૂરું પ્રમાણપત્ર વગેરે જેવા કારણોને લીધે વાસ્તવિક આંકડા કરતા ઓછી હોવાનું માનવામાં આવે છે.
સંશોધકોએ ખાનગી અને સ્વતંત્ર સર્વે એજન્સી સી-વોટર દ્વારા અભ્યાસ માટે ટેલિફોન સર્વે હાથ ધર્યો હતો. વધુમાં, સંશોધકોએ 10 રાજ્યોમાં મૃત્યુ અને નાગરિક નોંધણી પ્રણાલી પર ભારત સરકારના વહીવટી ડેટાનો અભ્યાસ કર્યો.
વિશ્વમાં અમેરિકા પછી ભારતમાં સૌથી વધુ કોરોના કેસ છે
1 જાન્યુઆરી, 2022 સુધી ભારતમાં કોરોનાના કુલ 35 મિલિયન કેસ નોંધાયા છે, જે અમેરિકા પછી સૌથી વધુ છે. સંશોધકોએ કહ્યું છે કે જો અમારા તારણો સાચા હશે, તો વિશ્વ આરોગ્ય સંસ્થાને વિશ્વમાં કોરોનાને કારણે મૃત્યુની કુલ સંખ્યા વિશે તેના મૂલ્યાંકનની સમીક્ષા કરવાની જરૂર પડશે. સંશોધકોએ કહ્યું કે અમારા અભ્યાસના પરિણામો દર્શાવે છે કે ભારતમાં કોરોનાને કારણે થયેલા મૃત્યુની સંખ્યા સત્તાવાર રીતે નોંધાયેલા આંકડા કરતા ઘણી વધારે છે.