UPમાં કોંગ્રેસના ધોવાણ વચ્ચે આ દિગ્ગજ બ્રાહ્મણ નેતાએ જાળવ્યો ગઢ, દીકરીએ ફરી અપાવી જીત
કોંગ્રેસ પક્ષ ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ સમય સુધી સત્તા જાળવી રાખનાર પક્ષ છે. પરંતુ છેલ્લા ત્રણ દાયકાથી કોંગ્રેસ પક્ષ ઉત્તર પ્રદેશમાં સત્તા નથી મેળવી શક્યો.
કોંગ્રેસ પક્ષ ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ સમય સુધી સત્તા જાળવી રાખનાર પક્ષ છે. પરંતુ છેલ્લા ત્રણ દાયકાથી કોંગ્રેસ પક્ષ ઉત્તર પ્રદેશમાં સત્તા નથી મેળવી શક્યો. વિધાનસભા ચૂંટણી 2022માં પણ કોંગ્રેસ પક્ષનું પ્રદર્શન ખરાબ રહ્યું છે. આ વખતે કોંગ્રેસ પક્ષે યુપી વિધાનસભાની કુલ 403 સીટોમાંથી ફક્ત 2 સીટો પર જ જીત મેળવી છે. જો કે આ 2 સીટોની જીત બાદ કોંગ્રેસ પાર્ટી ગત વિધાનસભામાં મેળવેલી 7 સીટો પણ નથી બચાવી શકી અને 6.25 ટકાનો વોટ શેર ઘટીને 2.35 ટકા પર પહોંચ્યો છે.
કોંગ્રેસે આ વખતની ચૂંટણીમાં રામપુર ખાસ અને ફરેન્દા એમ કુલ 2 સીટો પર જ જીત મેળવી છે. રામપુર ખાસ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર આરાધના મિશ્રાએ ભાજપના ઉમેદવાર નાગેશ પ્રતાપસિંહને 14,741 મતોથી હાર આપી છે. આ સાથે ફરેન્દા સીટ પર કોંગ્રેસના વિરેન્દ્ર ચૌધરીએ ભાજપના બજરંગ બહાદુરસિંહને 1,087 મોતથી હાર આપી છે.
કોંગ્રેસ પાર્ટીના બે વિજેતા ઉમેદવારમાં આરાધના મિશ્રા કોંગ્રેસના વરિષ્ઠ નેતા પ્રમોદ તિવારીના પુત્રી છે. પ્રમોદ તિવારીએ 9 વખત રામપુર ખાસ બેઠક પર જીત મેળવી હતી. પ્રમોદ તિવારી ઉત્તર પ્રદેશના દિગ્ગજ કોંગ્રેસ નેતાઓમાંના એક નેતા હતા. તેઓ 1980થી 2012 સુધી ધારાસભ્ય પદે જીતતા આવ્યા હતા. ત્યાર બાદ 2014ની લોકસભા ચૂંટણીમાં તેઓ સાંસદ બન્યા હતા. તેમના પછી તેમના દિકરી આરાધના મિશ્રાને સતત ત્રીજી વખત રામપુર ખાસ બેઠકની જનતાએ જીત અપાવી છે અને કોંગ્રેસે પોતાનું આ સીટ પર વર્ચસ્વ જાળવી રાખ્યું છે. ભાજપની લહેરમાં પોતાના ગઢને સાચવી રાખવામાં આરાધના મિશ્રાને સફળતા મેળી છે.
અમેઠી અને રાયબરેલીમાં જે કોંગ્રેસનો ગઢ ગણાતો હતો ત્યાં પણ કોંગ્રેસ કોઈ ખાસ પ્રદર્શન નથી કરી શક્યું. આ વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવારો મત મેળવવામાં ત્રીજા અને ચોથા ક્રમે રહ્યા છે. યુપીના કોંગ્રેસ અધ્યક્ષ અને તમખુઈ રાજ સીટના ધારાસભ્ય અજય કુમાર લલ્લુ પણ પોતાની સીટ નથી બચાવી શક્યા.
યુપી વિધાનસભા ચૂંટણીનો પ્રચાર આ વખતે પ્રિયંકા ગાંધી વડ્રાની આગેવાનીમાં થયો હતો. પ્રિયંકાની ચૂંટણી રેલી અને લોકો સાથેની મિટીંગો પણ કોંગ્રેસને વધુ સીટો અપાવવામાં નિષ્ફળ સાબિત થઈ છે. ત્રણ દાયકાથી સત્તા ના મેળવી શકનાર કોંગ્રેસ પાર્ટી આ વખતે પ્રિયંકાની આગેવાનીમાં "લડકી હું, લડ સકતી હું"ના નારા સાથે સત્તા મેળવવા માટે લડી હતી પણ આ ચૂંટણી ઘણી ખરાબ રીતે વોટીંગ શેરના ઘટાડા સાથે હારી છે. આ સાથે 40 ટકા મહિલાઓને ટિકિટ આપવાનો પ્રિયંકાનો પ્રયોગ પણ નિષ્ફળ સાબિત થયો છે.