(Source: ECI/ABP News/ABP Majha)
મોદી સરકારના આ નિર્ણયને કોંગ્રેસે પણ સમર્થન આપ્યું, જાણો શું છે સમગ્ર મામલો
Russia Ukraine News : નાના નાના મુદ્દાઓને લઈને મોદી સરકાર પર પ્રહાર કરી રહેલી કોંગ્રેસે આ મુદ્દે મોદી સરકારને સમર્થન આપ્યું છે.
Russia Ukraine war : યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને ધ્યાનમાં રાખીને, ભારતે આજે યુક્રેન પર સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ના ઈમરજન્સી વિશેષ સત્રના ઠરાવમાં મતદાન કરવાનું ટાળ્યું હતું. જો કે, ભારતે ચોક્કસપણે યુક્રેન અને રશિયા વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધનો અંત લાવવાની હિમાયત કરી હતી. ભારતે કહ્યું છે કે મતભેદો માત્ર વાતચીત અને કૂટનીતિથી જ ઉકેલી શકાય છે. નાના નાના મુદ્દાઓને લઈને મોદી સરકાર પર પ્રહાર કરી રહેલી કોંગ્રેસે આ મુદ્દે મોદી સરકારને સમર્થન આપ્યું છે.
કોંગ્રેસનું મોદી સરકારને સમર્થન
કોંગ્રેસના નેતાઓએ ગુરુવારે યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી (UNGA) માં મતદાનથી દૂર રહેવાના કેન્દ્રના વલણને સમર્થન આપ્યું હતું. સૂત્રોએ ગુરુવારે આ માહિતી આપી. એવું કહેવામાં આવી રહ્યું છે કે વિદેશ મંત્રાલયમાં આયોજિત વિદેશ બાબતો પર સંસદની સલાહકાર સમિતિની બેઠક દરમિયાન વિપક્ષે મોદી સરકારનું સમર્થન કર્યું.
સંસદીય સમિતિની મળી બેઠક
યુક્રેનમાં ચાલી રહેલી રશિયન સૈન્ય કાર્યવાહી વચ્ચે વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે વિદેશ બાબતો પર સંસદની સલાહકાર સમિતિણે માહિતી આપી હતી. તેમણે સ્થળાંતર પ્રક્રિયા અને વર્તમાન પરિસ્થિતિ વિશે માહિતી આપી હતી. કોંગ્રેસના નેતાઓએ UNGAમાં મતદાનથી દૂર રહેવાના સરકારના વલણને સમર્થન આપ્યું હતું. ભારતે ફરી એકવાર સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં રશિયા વિરુદ્ધ વોટિંગમાં ભાગ લેવાનું ટાળ્યું છે.
બેઠકમાં ભાજપ-કોંગ્રેસ સહીતના નેતાઓ હાજર રહ્યાં
વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરની અધ્યક્ષતામાં મંત્રાલયની સલાહકાર સમિતિની બેઠકમાં કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી, શશિ થરૂર, આનંદ શર્મા, શિવસેનાના પ્રિયંકા ચતુર્વેદી, આરજેડીના પ્રેમચંદ્ર ગુપ્તા, ભાજપના જીવીએન નરસિમ્હા રાવ વગેરેએ ભાગ લીધો હતો. આમાં વિદેશ મંત્રી જયશંકર ઉપરાંત વિદેશ મંત્રાલયના અધિકારીઓ પણ હાજર રહ્યાં હતા.
બેઠકમાં વિદેશ સચિવ હર્ષવર્ધન શૃંગલાએ યુક્રેનની સ્થિતિ અને ત્યાંથી ભારતીયોને પરત લાવવા સરકારના પ્રયાસો વિશે માહિતી આપી હતી. વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે મીટિંગ પછી ટ્વીટ કર્યું, "યુક્રેનના ઘટનાક્રમ પર વિદેશ મંત્રાલયની સલાહકાર સમિતિની બેઠક હમણાં જ પૂર્ણ થઈ. આ મુદ્દાના વ્યૂહાત્મક અને માનવતાવાદી પરિમાણ પર સારી ચર્ચા થઈ હતી. યુક્રેનમાંથી તમામ ભારતીયોને પાછા લાવવાના પ્રયાસની તરફેણમાં એક મજબૂત અને સર્વસંમત સંદેશ," તેમણે કહ્યું.