Controversy : રામકથામાં જ કુમાર વિશ્વાસનો 'કકળાટ', RSSને અભણ કહેતા વિવાદ
ભાજપના નેતાઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે, જો કુમાર વિશ્વાસ માફી નહીં માંગે તો તેમની રામકથા કોઈપણ હિસાબે થવા દેવામાં નહીં આવે.
Kumar Vishwas News: મધ્ય પ્રદેશના સાંસ્કૃતિક વિભાગ દ્વારા આયોજિત રામ કથામાં કવિ કુમાર વિશ્વાસે રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘ (આરએસએસ) વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરીને વિવાદ સર્જ્યો છે. કુમાર વિશ્વાસે રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘને અભણ ગણાવતા રાજકીય ખળભળાટ મચા જવા પામ્યો છે. આ વિવાદાસ્પદ નિવેદન બાદ વિશ્વાસ ભાજપ અને આરએસએસના નિશાને છે.
ભાજપના નેતાઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે, જો કુમાર વિશ્વાસ માફી નહીં માંગે તો તેમની રામકથા કોઈપણ હિસાબે થવા દેવામાં નહીં આવે.
મધ્ય પ્રદેશના સંસ્કૃતિ વિભાગ દ્વારા ઉજ્જૈનમાં ત્રણ દિવસીય રામ કથાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેનું વર્ણન કવિ કુમાર વિશ્વાસે તેમના વક્તવ્ય દ્વારા કર્યું છે. રામ કથા દરમિયાન કુમાર વિશ્વાસે અચાનક જ આરએસએસ અને ડાબેરી પક્ષો પર આકરા પ્રહારો કર્યા હતાં. તેમણે કહ્યું હતું કે, જ્યાં ડાબેરીઓ કુભણ છે, ત્યાં સંઘ અભણ છે. આ નિવેદનને લઈને ભાજપ અને સંઘના નેતાઓએ કુમાર વિશ્વાસ પર પ્રહારો કર્યા છે. ભાજપના નેતા અને ઉજ્જૈન મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ અધ્યક્ષ સોનુ ગેહલોતે કહ્યું હતું કે, જો કુમાર વિશ્વાસ મંચ પરથી જ માફી નહીં માંગે તો તેમનો કાર્યક્રમ ઉજ્જૈનમાં થવા દેવામાં આવશે નહીં.
રામ કથાના પહેલા જ દિવસે કુમાર વિશ્વાસ બરાબરના વિવાદોમાં ફસાઈ ગયા હતા. હજુ 2 દિવસ કથાનું આયોજન કરવામાં આવનાર છે. આવી સ્થિતિમાં RSS અને બીજેપીના નેતાઓ સતત કુમાર વિશ્વાસ પર નિશાન સાધી રહ્યા છે. જેથી તેમની રામ કથા પર વાદળો છવાયા છે.
કુમાર વિશ્વાસે શું કહ્યું હતું?
કુમાર વિશ્વાસે કહ્યું હતું કે, સંઘ માટે કામ કરતા એક યુવકે મને બજેટ પહેલા પૂછ્યું હતું કે, બજેટ કેવું હોવું જોઈએ? તો કુમાર વિશ્વાસે આ પ્રશ્ન પર સંઘ કાર્યકર્તાને કહ્યું હતું કે, જ્યાં ડાબેરીઓ કુભણ છે, એટલે કે તે શિક્ષિત તો છે પણ તેમને યોગ્ય શિક્ષણ નથી મળ્યું, તો બીજી તરફ આરએસએસ એટલે કે સંઘ અભણ છે. આ સમગ્ર પરિપ્રેક્ષ્યમાં તેમણે રામાયણનું ઉદાહરણ પણ આપ્યું હતું. તેમણે એમ પણ કહ્યું કે, ભગવાન રામના સમયે કયું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું? વાસ્તવમાં કુમાર વિશ્વાસે રામ રાજ્યને લઈને સંઘના સ્વયંસેવક પર નિશાન સાધ્યું હતું.