‘કોરોના કંઈ નહીં બગાડે, રામનવમી પર મોટી સંખ્યામાં આવે ભક્તો’, રામમંદિર ટ્રસ્ટના અધ્યક્ષનું નિવેદન
કોરોના વાયરસના વધી રહેલા પ્રકોપ વચ્ચે રામ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ નૃત્ય ગોપાલ દાસે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.
અયોધ્યાઃ કોરોના વાયરસના વધી રહેલા પ્રકોપ વચ્ચે રામ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ નૃત્ય ગોપાલ દાસે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે રામનવમીના અવસર પર લોકોને અયોધ્યા આવવાનું જણાવી કહ્યું, આ બીમારી તેમના માટે નથી અને ન તો કંઈ બગાડી શકશે.
નૃત્ય ગોપાલ દાસે કહ્યું કે, બીમારી બીજા માટે છે. રામનવમી પર આવતા શ્રદ્ધાળુઓ માટે નથી. આવી બીમારી તેનું કંઇ ન બગાડી શકે. તેથી દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અયોધ્યા આવે. નૃત્ય ગોપાલ દાસને આ બીમારી મહામારી બની હોવાની જાણ નથી તેવું પણ નથી તેમ છતાં લાખોની ભીડને રામનવમી પર અયોધ્યા બોલાવવા માંગે છે.
તેમણે કહ્યું, જે બીમારી ફેલાઇ છે તે મોટી બીમારી છે. તેથી આ બીમારીથી બચવાના ઉપાય કરવા જોઈએ. લોકોએ પરસ્પર એકઠાં ન થવું જોઈએ. અલગ-અલગ રહેવું જોઈએ અને કોઈ છુઆછુચ ન કરો. હાથ ન મિલાવો.
પોલીસ અને પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ, સાધુ-સંતો એવું સમજાવવામાં લાગ્યા છે કે ભારે ભીડ દરમિયાન જો કોઈ સંક્રમિત વ્યક્તિ આવશે તો ભીડને તેનો ચેપ લાગી શકે છે. નૃત્ય ગોપાલ દાસને સમજાવવા માટે સતત અયોધ્યાના જિલ્લા અધિકારીઓ, પોલીસ અને હેલ્થ ઓફિસરો પ્રયાસ કરી રહ્યા છે.
એક તરફ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકોને ભીડભાડ વાળી જગ્યા પર ન જવાની સલાહ આપી રહ્યા છે, પાર્ટી કાર્યક્રમો અને સમારોહમાં ન જવાની સલાહ આપી રહ્યા છે. જ્યારે બીજી તરફ શ્રી રામ અયોધ્યા તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ નૃત્ય ગોપાલ દાસ અયોધ્યામાં રામનવમી પર લોકોને દર વર્ષની જેમ આવવાની વાત કરી રહ્યા છે.