Delta Plus Variant 1st Death: મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિયંટથી થયું પ્રથમ મોત
રાજેશ ટોપેએ જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટના 21 દર્દીઓમાંથી એક દર્દીનું મોત થયું છે. મૃતકની ઉંમર 80 વર્ષ જણાવવામાં આવી રહી છે.
મહારાષ્ટ્ર (Maharashtra)માં કોરોના વાયરસના ડેલ્ટા પ્લસ વેરિયંટ(Delta plus variant)થી સંક્રમિત થયેલા વ્યક્તિનું શુક્રવારે મોત થયું છે. આ અંગેની જાણકારી રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપે (Maharashtra Health Minister Rajesh Tope)એ આપી હતી. રાજેશ ટોપેએ જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટના 21 દર્દીઓમાંથી એક દર્દીનું મોત થયું છે. મૃતકની ઉંમર 80 વર્ષ જણાવવામાં આવી રહી છે. વ્યક્તિ અન્ય બીમારીથી પણ પીડિત હતા. રાજ્યમાં ડેલ્ટા પ્લસના રત્નાગિરીમાં નવ, જલગાંવમાં સાત, મુંબઈમાં બે, પાલઘર, થાણે અને સિંધુદુર્ગ જિલ્લામાં એક-એક કેસ સામે આવ્યા છે.
નોંધનીય છે કે મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય વિભાગે ગત અઠવાડિયે એક રિપોર્ટ રજૂ કર્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે, કોરોના સંક્રમણનું નવું સ્વરૂપ ડેલ્ટા પ્લસ કોવિડ-19ની ત્રીજી લહેરનું કારણ બની શકે છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, કોવિડ-19 ટાસ્ટ ફોર્સના મેમ્બર્સ તેમજ સ્વાસ્થ્ય વિભાગના સભ્યો આ બેઠકમાં હાજર હતા.
આ નવું સ્વરૂપ ભારતમાં સૌથી પહેલા આવેલા 'ડેલ્ટા' એટલે કે ‘B.1.617.2’ વેરિઅન્ટના મ્યૂટેશનથી બન્યું છે. ભારતમાં સંક્રમણની બીજી લહેર માટે ડેલ્ટા વેરિઅન્ટ જવાબદાર હતું.
મહારાષ્ટ્રમાં ગુરુવારે કોવિડ-19ના 9844 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાથી સંક્રમિત થયેલા લોકોની સંખ્યા 60 લાખને પાર થઈ ગઈ છે. જ્યારે 24 કલાકમાં રાજ્યમાં કોરોનાથી 197 મોત થયા છે. આ જાણકારી રાજ્યના સ્વાસ્થ્ય વિભાગે આપી હતી. સ્વાસ્થ્ય વિભાગે આપેલી માહિતી પ્રમાણે રાજ્યમાં કુલ સંક્રમિત લોકોની સંખ્યા 60,07,431 થઈ છે. આ સાથે જ મહારાષ્ટ્રમાં કોરોનાથી અત્યારસુધી કુલ 1,19,859 લોકોનાં મોત થયા છે.
દેશમાં કોરનાથી મૃત્યુ દર 1.3 ટકા છે જ્યારે રિકવરી રેટ 96 ટકાથી વધારે છે. એક્ટિવ કેસ અંદાજે 2 ટકા છે. કોરોના એક્ટિવ કેસના મામલે વિશ્વમાં ભારત ત્રીજા સ્થાન પર છે. કુલ સંક્રમિતોની સંખ્યાના મામલે પણ ભારત બીજા સ્થાન પર છે. જ્યારે વિશ્વમાં અમેરિકા, બ્રાઝીલ બાદ સૌથી વધારે મોત ભારતમાં થયા છે.
કોરોના વાયરસની હાલની સ્થિતિ
- કુલ કોરોના કેસ - ત્રણ કરોડ 1 લાખ 34 હજાર 445
- કુલ ડિસ્ચાર્જ - બે કરોડ 91 લાખ 28 હજાર 267
- કુલ એક્ટિવ કેસ - 6 લાખ 12 હજાર 868
- કુલ મોત - 3 લાખ 93 હજાર 310