ચૂંટણીમાં કારમી હાર બાદ CWCની બેઠકમાં કોગ્રેસનું મંથન, સોનિયા, રાહુલ અને પ્રિયંકા ગાંધી સહિત અનેક મોટા નેતા હાજર રહ્યા
ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો છે
નવી દિલ્હીઃ પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ આજે દિલ્હીમાં કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની બેઠક મળી રહી છે. આ બેઠકમાં કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી, સાંસદ રાહુલ ગાંધી અને મહાસચિવ પ્રિયંકા ગાંધી હાજર રહ્યા છે. સિવાય છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલ, પૂર્વ કેન્દ્રીય મંત્રી પી.ચિદમ્બરમ, હરીશ રાવત, રાજીવ શુક્લા, પ્રમોદ તિવારી જેવા ઘણા નેતાઓ પણ બેઠકમાં પહોંચ્યા હતા. અધીર રંજન ચૌધરી, દેવેન્દ્ર યાદવ આનંદ શર્મા, દિગ્વિજય સિંહ, અજય માકન અને ગુલામ નબી આઝાદે પણ બેઠકમાં હાજરી આપી હતી.
Congress Working Committee meeting begins. The meeting is being chaired by party's interim president Sonia Gandhi pic.twitter.com/czj37hmjKX
— ANI (@ANI) March 13, 2022
ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો છે. કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક હારના કારણો અને આગળની રણનીતિ પર ચર્ચા કરવા માટે સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં યોજાઈ છે.
બેઠક પહેલા અશોક ગેહલોતે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના નેતૃત્વનું સમર્થન કર્યું અને કહ્યું કે રાહુલ ગાંધી એકમાત્ર એવા વ્યક્તિ છે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે પૂરી તાકાતથી લડી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે CWCની બેઠકમાં ચૂંટણી હારનું 'પોસ્ટમોર્ટમ' કરવામાં આવશે અને આગળની વ્યૂહરચના નક્કી કરવામાં આવશે.
ગેહલોતે કહ્યું, "રાજકારણમાં અનેક પ્રકારની સ્થિતિઓ ઊભી થાય છે, તેનાથી ગભરાવું જોઈએ નહીં. આપણે ઘણા સમયથી જોયું છે, ઉતાર-ચઢાવ આવતા રહે છે, આ જ ભારતીય જનતા પાર્ટી જે આજે સત્તામાં છે, તેને એક સમયે સંસદમાં માત્ર 2 બેઠકો મળી હતી. તેથી જ ચૂંટણીમાં જીત અને હાર થાય છે, અમે તેનાથી ડરતા નથી.
'G23' જૂથના નેતાઓ શુક્રવારે મળ્યા હતા
આ વિધાનસભા ચૂંટણીઓમાં કોંગ્રેસની કારમી હાર બાદ શુક્રવારે પાર્ટીના 'G23' જૂથના ઘણા નેતાઓએ એક બેઠક યોજી હતી, જેમાં આગળની રણનીતિ પર ચર્ચા કરવામાં આવી હતી. કપિલ સિબ્બલ, આનંદ શર્મા અને મનીષ તિવારીએ રાજ્યસભાના ભૂતપૂર્વ વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદના નિવાસસ્થાને આયોજિત બેઠકમાં હાજરી આપી હતી.