દિલ્હીઃ ઉપ રાજ્યપાલે CM કેજરીવાલના સિંગાપુર પ્રવાસની ફાઈલ રદ કરી, કહ્યું - "આ સંમેલન તો...."
દિલ્હીના ઉપ રાજ્યપાલ વિનય કુમાર સક્સેનાએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સિંગાપુર પ્રવાસ સાથે જોડાયેલી ફાઈલને રદ કરી દીધી છે.
Delhi News: દિલ્હીના ઉપ રાજ્યપાલ વિનય કુમાર સક્સેનાએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સિંગાપુર પ્રવાસ સાથે જોડાયેલી ફાઈલને રદ કરી દીધી છે. ઉપ રાજ્યપાલ વિનય સક્સેનાએ ફાઈલ રદ કરવા અંગે કહ્યું છે કે, આ મેયરનું સંમેલન છે અને મેયરના સંમેલનમાં એક મુખ્યમંત્રીએ ભાગ લેવો યોગ્ય નથી.
મનીષ સિસોદિયાએ નિચલી કક્ષાની રાજનીતિ ગણાવીઃ
આ અંગે દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું છે કે, "આ નિચલી કક્ષાની રાજનીતિના કારણે અરવિંદ કેજરીવાલને સિંગાપુર નથી જવા દેવામાં આવી રહ્યા." તેમણે કહ્યું કે, "વિદેશ મંત્રાલય પાસેથી CM કેજરીવાલ પોલિટિકલ ક્લીયરન્સ માંગશે અને અમને આશા છે કે, મંજૂરી મળી જશે."
કેન્દ્ર સરકાર સામે લાગ્યા હતા આરોપઃ
ઉલ્લેખનીય છે કે, આ પહેલાં આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે એક પત્રકાર પરિષદમાં કેન્દ્ર સરકાર પર આક્ષેપ લગાવ્યા હતા કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સિંગાપુર જવા માટે કેન્દ્ર સરકાર મંજૂરી નથી આપી રહી. ત્યારે હવે દિલ્હીના ઉપ રાજ્યપાલે કેજરીવાલના સિંગાપુર પ્રવાસની ફાઈલને રદ કરી દીધી છે.
અરવિંદ કેજરીવાલે કહ્યું હતું - હું કોઈ ગુનેગાર નથીઃ
આ પહેલાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ સિંગાપુર પ્રાવસ માટે આવી રહેલી અડચણો વિશે નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે, "હું કોઈ ગુનેગાર નથી હું એક મુખ્યમંત્રી છું અને દેશનો એક સ્વતંત્ર નાગરિક છું. મને સિંગાપુર જતો રોકવા માટે કોઈ કાયદાકીય આધાર નથી. એટલે આ બધાની પાછળ કોઈ રાજનીતિક કારણ હોય તેવું લાગે છે. મને સિંગાપુર સરકારે દિલ્હી મોડલ - સ્વાસ્થ્ય અને સ્કૂલોમાં સેવાઓના વિકાસ વિશે માહિતી આપવા માટે બોલાવ્યો છે. જેનાથી ભારત દેશનો આંતરરાષ્ટ્રીય સ્તર પર પ્રોત્સાહન મળશે"
આ પણ વાંચોઃ