Patan Gambling Raid : પાટણમાંથી ઝડપાયું જુગારધામ , ભાજપનો નેતા જ રમાડતો હતો જુગાર
Patan Gambling Raid : પાટણમાંથી ઝડપાયું જુગારધામ , ભાજપનો નેતા જ રમાડતો હતો જુગાર
Patan gambling Raid: પાટણના ચાણસ્મા ખાતે નવજીવન ક્લબના નામે ચાલતા જુગારધામનો પર્દાફાશ થયો છે. સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતા વચ્ચે SMCની ટીમે દરોડો પાડી 80 હજારથી વધુની રોકડ અને લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે 33 જુગારીઓની ધરપકડ કરી છે, જ્યારે ભાજપ નેતા રાજુભાઈ પટેલ ફરાર છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ જુગારધામ રાજુભાઈ પટેલ અને બકાભાઈ પટેલ ચલાવતા હતા. રાજુભાઈ પટેલ ચાણસ્મા શહેર ભાજપના પ્રમુખ છે, જ્યારે બકાભાઈ પટેલ પણ ભાજપના કાર્યકર છે. છેલ્લા 15 વર્ષથી વધુ સમયથી તેઓ ક્લબના નામે જુગારધામ ચલાવતા હતા.
2015માં પણ પાટણના એસપી પાથરાજસિંહ ગોહેલે અહીં દરોડો પાડી મોટી સંખ્યામાં જુગારીઓ અને લાખોની રોકડ ઝડપી હતી. તે સમયે પણ કેટલાક જુગારીઓ સરકારી કર્મચારીઓ હતા. જોકે, ત્યારબાદ નામ બદલીને નવજીવન ક્લબ રાખવામાં આવ્યું અને જુગારધામ ચાલુ રાખવામાં આવ્યું હતું.
આ ઘટના બાદ ભાજપે તાત્કાલિક કાર્યવાહી કરી છે. ચાણસ્મા શહેર ભાજપ પ્રમુખ રાજેશ પટેલને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમને શહેર પ્રમુખ અને પક્ષના સભ્યપદેથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
નવજીવન સ્પોર્ટ ક્લબની આડમાં ચાલતા આ જુગારધામમાંથી પોલીસે 33 જુગારીયાઓની ધરપકડ કરી છે, જ્યારે ચાણસ્મા શહેર ભાજપ પ્રમુખ રાજુ અમૃતલાલ પટેલ સહિત પાંચ મુખ્ય આરોપીઓ હજુ ફરાર છે.
પી.એસ.આઇ જે.વી. પટેલની આગેવાની હેઠળની ટીમે શનિવારે રાત્રે પાડેલા દરોડામાં રૂ. 85,950ની રોકડ રકમ ઉપરાંત ફોન-પે અને ગુગલ-પે દ્વારા થયેલા રૂ. 12.28 લાખથી વધુના વ્યવહારો પકડી પાડ્યા હતા. જુગાર ધામ પરથી પોલીસે બે ગાડી સહિત ટુ વ્હીલરો સહિત રૂ.14,65000 ના આઠ વાહનો 1.47 લાખનાં 37 મોબાઈલ 25 ખુરશીઓ સહિત કુલ રૂ.17.37 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, જુગારની રકમની લેવડ-દેવડ સ્પોર્ટ ક્લબથી દૂર એક તબેલામાં રાખવામાં આવેલા કેશિયર મારફતે થતી હતી. આ મામલે ચાણસ્મા પોલીસે કુલ 40 શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસના સૂત્રો પ્રમાણે, જુગારની અંદર થયેલાં નાણાંજ નફા નવજીવન સ્પોર્ટ ક્લબમાં નહીં, પરંતુ નજીકના તબેલામાં વિતરિત કરવામાં આવ્યાં હતાં, જે અંગે તપાસ ચલાવાઈ રહી છે.


















