અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ DGCAની મોટી કાર્યવાહી: 21 જુલાઈ સુધીમાં તમામ એરલાઈન્સને આ કામ કરવાના આદેશ
DGCA fuel switch order: બોઇંગ 787 વિમાનોના ફ્યુઅલ સ્વીચ પર ખાસ ધ્યાન, સુરક્ષામાં ખામી નિવારવા તાત્કાલિક પગલાં.

Ahmedabad plane crash update: તાજેતરમાં 12 જૂનના રોજ અમદાવાદમાં (Ahmedabad) થયેલી એર ઇન્ડિયાની (Air India) વિમાન દુર્ઘટનાના પ્રારંભિક તપાસ અહેવાલ બાદ નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) એ કડક વલણ અપનાવ્યું છે. DGCA એ તમામ એરલાઇન ઓપરેટરોને તેમના બોઇંગ 787 વિમાનોના ફ્યુઅલ સ્વીચની (Fuel Switch) તપાસ કરવા અને તેનું નિરીક્ષણ કાર્ય 21 જુલાઈ, 2025 સુધીમાં પૂર્ણ કરીને તેનો અહેવાલ નિયમનકારી કાર્યાલય અને સંબંધિત પ્રાદેશિક કાર્યાલયને સુપરત કરવાનો નિર્દેશ આપ્યો છે. એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) ના પ્રારંભિક અહેવાલને પગલે સરકાર સુરક્ષામાં ખામી નિવારવા માટે કડક કાર્યવાહી કરવા સજ્જ બની છે.
AAIBના અહેવાલનો ખુલાસો: ફ્યુઅલ સ્વીચ રનથી કટઓફ મોડમાં, FAAના બુલેટિનનો આધાર
AAIB ના પ્રારંભિક તપાસ અહેવાલમાં સામે આવ્યું છે કે દુર્ઘટનાગ્રસ્ત AI-171 ના બંને એન્જિનના ફ્યુઅલ સ્વીચ "રનથી કટઓફ" મોડમાં આવી ગયા હતા, જેના કારણે આ વિમાન દુર્ઘટના બની હતી. જોકે, આ મામલો હજુ પણ તપાસ હેઠળ છે. DGCA એ સ્પષ્ટ કર્યું છે કે આ નિર્દેશ 17 ડિસેમ્બર, 2018 ના રોજ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) દ્વારા જારી કરાયેલા બુલેટિનના આધારે આપવામાં આવ્યો છે. આ બુલેટિનમાં બોઇંગ (Boeing) અને મેકડોનેલ ડગ્લાસના (McDonnell Douglas) વિવિધ મોડેલોમાં ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ લોકીંગ સિસ્ટમમાં સંભવિત સમસ્યાઓની ચેતવણી આપવામાં આવી હતી. DGCA એ ભારપૂર્વક જણાવ્યું છે કે આ સમયમર્યાદાનું કડક પાલન ફરજિયાત છે.
અમદાવાદ વિમાન દુર્ઘટના કેસમાં શનિવારે (12 જુલાઈ, 2025) ના રોજ જારી કરાયેલા પ્રારંભિક અહેવાલમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે ક્રેશ થયેલા વિમાનનો જાળવણી રેકોર્ડ એકદમ બરાબર હતો અને તેના તમામ જરૂરી નિરીક્ષણો સમયસર પૂર્ણ કરવામાં આવ્યા હતા. વિમાન પાસે માન્ય ઉડ્ડયન યોગ્યતા પ્રમાણપત્ર પણ હતું.
એર ઇન્ડિયાએ 2019 માં જારી કરાયેલ બોઇંગના નિર્દેશો પછી છેલ્લા છ વર્ષમાં બે વાર તાજેતરમાં ક્રેશ થયેલા બોઇંગ 787-8 વિમાનના 'થ્રોટલ કંટ્રોલ મોડ્યુલ' (TCM) ને બદલ્યું હતું. TCM માં એવા સ્વીચો હોય છે જે ઇંધણને નિયંત્રિત કરે છે. એર ઇન્ડિયાના સીઈઓએ જણાવ્યું હતું કે AAIB ના પ્રારંભિક અહેવાલમાં ન તો કોઈ કારણો આપવામાં આવ્યા છે કે ન તો કોઈ ભલામણો કરવામાં આવી છે, અને દરેકને અકાળે નિષ્કર્ષ કાઢવાનું ટાળવા વિનંતી કરી છે.





















