(Source: ECI/ABP News/ABP Majha)
મોદીએ દેશભરમાં 3 મેથી 20 મે સુધી સંપૂર્ણ લોકડાઉન લાદવાની કરી જાહેરાત ? મોદી સરકારે શું કહ્યું ?
સોશિયલ મીડિયા પર એક ખબર વાયરલ થઈ છે. જેમાં 3 મેથી 20 મે સુધી દેશમાં લોકડાઉન લગાવવાનો દાવો કરવામાં આવ્યો છે.
નવી દિલ્હીઃ દેશમાં કોરોના મહામારીએ (Coronavirus) ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી. દેશમાં કોરોનાના કેસ દરરોજ નવા રેકોર્ડ તોડી રહ્યા છે. દેશમાં એક્ટિવ કેસનો આંકડો 33 લાખને પાર થઈ ગયો છે. છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ-19 (COVID-19)ના દર્દીઓના સાજા થવાનો દર ઘટી રહ્યો છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક ખબર વાયરલ થઈ છે. જેમાં 3 મેથી 20 મે સુધી દેશમાં લોકડાઉન લગાવવાનો દાવો કરવામાં આવ્યો છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્ર સરકારે દેશમાં 3 મેથી 20 મે સુધી સંપૂર્ણ લોકડાઉન લગાવવાની જાહેરાત કરી છે. જે બાદ પીઆઈબી ફેક્ટ ચેકે ટ્વીટ કરીને લખ્યું, આ દાવો બોગસ છે. કેન્દ્ર સરકારે આવી કોઈ જાહેરાત કરી નથી.
નોંધનીય છે કે, પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. કોઈ પણ પીઆઈબી ફેક્ટ ચેકનો સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,92,498 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3689 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,07,865 લોકો ઠીક પણ થયા છે.
- કુલ કેસ- એક કરોડ 95 લાખ 57 હજાર 457
- કુલ ડિસ્ચાર્જ- એક કરોડ 59 લાખ 92 હજાર 271
- કુલ એક્ટિવ કેસ - 33 લાખ 49 હજાર 644
- કુલ મોત - 2 લાખ 15 હજાર 542
એપ્રિલમાં 45 હજારથી વધુનાં મોત
સ્વાસ્થ્ય મંત્રાલયે 1 એપ્રિલે જણાવ્યું હતું કે, દેશમં કુલ એક લાખ 62 હજાર 927 લોકોના કોરોના સંક્રમણના કારણે મૃત્યુ થઇ ગયા છે. આજે 30 એપ્રિલે આ આંકડો વધીને 2 લાખ 8 હજાર 330 થઇ ગયો છે એટલે કે, એક મહિનામાં કુલ 45,403 લોકોનો જીવ ગયા છે. પહેલી માર્ચે આ સંખ્યા માત્ર 5,770 હતી.