Fact Check: મણિપુરની ઘટનાના વિરોધમાં પુરુષોએ કર્યું નગ્ન પ્રદર્શન ? જાણો વીડિયોનું શું છે સત્ય?
આ વીડિયો સામે આવ્યા બાદ મણિપુરમાં ફરી એકવાર તણાવ વધી ગયો છે
Fact Check: મણિપુરમાં બે મહિલાઓને નગ્ન પરેડ કરવાનો બે મહિના જૂનો વીડિયો તાજેતરમાં વાયરલ થયો હતો અને સમગ્ર દેશ હચમચી ગયો હતો. માનવતાને શરમાવે તેવી ઘટનાએ લોકોને ચોંકાવી દીધા હતા. આ વીડિયો સામે આવ્યા બાદ મણિપુરમાં ફરી એકવાર તણાવ વધી ગયો છે અને ઘટનાનો વિરોધ શરૂ થયો છે. દરમિયાન, મણિપુરમાં પ્રદર્શનનો એક કથિત વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં કેટલાક પુરુષો નગ્ન થઈને પ્રદર્શન કરતા જોવા મળી રહ્યા છે.
વીડિયો અંગે દાવો કરવામાં આવી રહ્યો છે કે તે મણિપુરનો છે અને મહિલાઓની નગ્ન પરેડ કરાવવાની ઘટનાના વિરોધમાં કરવામાં આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ઘણા યુવકો રોડ પર નગ્ન થઈને દોડી રહ્યા છે. આ યુવાનોએ હાથમાં પ્લેકાર્ડ પકડ્યા છે.
શું છે વીડિયોનું સત્ય?
જ્યારે અમે વીડિયોની સત્યતા જાણવાના ઈરાદાથી તપાસ કરી તો અમને જાણવા મળ્યું કે વીડિયો વિશે કરવામાં આવેલો દાવો ખોટો છે. આ વીડિયો મણિપુરનો નથી. એટલુ જ નહી આ વિરોધ પ્રદર્શનને મહિલાઓને નગ્ન પરેડ કરવાની ઘટના સાથે કોઇ સંબંધ નથી.
વીડિયો ક્યાંનો છે?
મણિપુર તરીકે શેર કરવામાં આવેલો આ વીડિયો છત્તીસગઢની રાજધાની રાયપુરનો છે. છત્તીસગઢમાં નકલી જાતિ પ્રમાણપત્ર બનાવીને સરકારી નોકરી મેળવવાના મામલામાં વિરોધ પ્રદર્શન થયા હતા. આવી અનેક ફરિયાદો મળી છે કે લોકોએ નકલી સર્ટિફિકેટ બનાવી અનામતનો લાભ લઈને નોકરીઓ મેળવી છે. 18 જુલાઈના રોજ, રાયપુરમાં એસસી-એસટી યુવાનોએ સરકાર પાસે તપાસની માંગ સાથે સંપૂર્ણ નગ્ન પ્રદર્શન કર્યું હતું.
પોલીસે દેખાવકારોની ધરપકડ કરી હતી
છત્તીસગઢ પોલીસે વિરોધ પ્રદર્શનમાં સામેલ તમામ 29 યુવકોની ધરપકડ કરી હતી. જ્યારે ધરપકડ કરાયેલા દેખાવકારોના ફોન ચેક કરવામાં આવ્યા ત્યારે જાણવા મળ્યું કે આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો હતો. પોલીસે તમામ સામે આઈટી એક્ટ અને અન્ય કલમો હેઠળ કેસ નોંધ્યો છે.
નોંધનીય છે કે મણિપુરમાં બે મહિલાઓના નગ્ન પરેડનો વીડિયો વાયરલ થયા બાદ સમગ્ર દેશ ગુસ્સામાં છે. શુક્રવારે (21 જુલાઈ) ગુસ્સે ભરાયેલા ટોળાએ મણિપુરમાં મુખ્ય આરોપી હુઈરેમ હેરાદાસ સિંહનું ઘર સળગાવી દીધું. વાયરલ વીડિયોમાં બે મહિલાઓ નગ્ન પરેડ કરતી જોવા મળી રહી છે. આટલું જ નહીં આમાંથી એક મહિલા સાથે ક્રૂરતા આચરવામાં આવી હોવાનો પણ આરોપ છે. વીડિયો વાયરલ થયા બાદ પોલીસે કહ્યું કે આ ઘટના 4 મેના રોજ બની હતી.