'પત્નીએ મરચું નાખ્યું, હાથ-પગ બાંધ્યા અને પછી ચાકૂથી કર્યું મર્ડર,' કર્ણાટકના પૂર્વ DGPની હત્યામાં મોટો ખુલાસો
Om Prakash Murder Case: કર્ણાટકના ભૂતપૂર્વ DGP ઓમ પ્રકાશના મૃત્યુના કેસમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે.

DGP Om Prakash Murder Case: કર્ણાટકના ભૂતપૂર્વ DGP ઓમ પ્રકાશના મૃત્યુના કેસમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. તે 20 એપ્રિલના રોજ બેંગલુરુમાં તેના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, બપોરે તેમનો પત્ની સાથે ઝઘડો થયો હતો. ઝઘડા દરમિયાન તેની પત્નીએ તેના પર મરચાંનો પાઉડર ફેંક્યો, તેમને બાંધી દીધા અને પછી છરીના ઘા મારીને હત્યા કરી દીધી હતી. 68 વર્ષીય ઓમ પ્રકાશ પર પણ કાચની બોટલથી હુમલો કરવામાં આવ્યો હતો.
હત્યા પછી ઓમ પ્રકાશની પત્નીએ બીજા પોલીસ કર્મચારીની પત્નીને ફોન કરીને કહ્યું કે તેણે તેના પતિની હત્યા કરી છે. આ પછી પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ઓમ પ્રકાશની પત્ની અને તેની પુત્રીને કસ્ટડીમાં લઈ લીધા હતા. પોલીસે માતા અને પુત્રીની લગભગ 12 કલાક પૂછપરછ કરી હતી.
ઘણા ચોંકાવનારા ખુલાસા થયા
એનડીટીવીના રિપોર્ટ અનુસાર, કર્ણાટકના ભૂતપૂર્વ પોલીસ વડા ઓમ પ્રકાશની હત્યામાં તેમની પત્ની મુખ્ય આરોપી છે. ઓમ પ્રકાશના પેટ અને છાતી પર છરીના અનેક ઘા જોવા આવ્યા હતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઓમ પ્રકાશ અને તેની પત્ની વચ્ચે મિલકતને લઈને વિવાદ હતો. ઓમ પ્રકાશે તે મિલકત તેના એક સંબંધીને આપી હતી, જેના કારણે બંને વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડો એટલો વધી ગયો કે એવી શંકા છે કે પત્નીએ જ તેમની હત્યા કરી દીધી. પોલીસ હવે એ પણ તપાસ કરી રહી છે કે શું તેમની પુત્રી પણ આ ઘટનામાં સામેલ હતી. ઓમ પ્રકાશના પુત્રની ફરિયાદ પર પોલીસે કેસ નોંધ્યો છે અને તપાસ ચાલુ છે.
એડિશનલ પોલીસ કમિશનરે શું કહ્યું
બેંગલુરુના એડિશનલ પોલીસ કમિશનર વિકાસ કુમારે જણાવ્યું હતું કે પોલીસને સવારે લગભગ 4 વાગ્યે માહિતી મળી હતી કે એક નિવૃત્ત અધિકારીનું મૃત્યુ થયું છે. ઓમ પ્રકાશ 1981 બેચના આઈપીએસ (ભારતીય પોલીસ સેવા) અધિકારી હતા. માર્ચ 2015માં તેમને કર્ણાટકના પોલીસ મહાનિર્દેશક (DGP) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. અગાઉ તેઓ ફાયર, ઇમરજન્સી સર્વિસીસ અને હોમગાર્ડ વિભાગના વડા તરીકે પણ કામ કરી ચૂક્યા છે.





















