Manmohan Singh Corona Positive: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ કોરોના વાયરસથી સંક્રમિત
88 વર્ષીય મનમોહનસિંહે કોરોના વાયરસ રસીના બંને ડોઝ લીધા છે. એઇમ્સે એક નિવેદનમાં જણાવ્યું છે કે મનમોહન સિંહને ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે.
નવી દિલ્હી : દેશના પૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. તેમને દિલ્હી સ્થિત એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. 88 વર્ષીય મનમોહનસિંહે કોરોના વાયરસ રસીના બંને ડોઝ લીધા છે. એઇમ્સે એક નિવેદનમાં જણાવ્યું છે કે મનમોહન સિંહને ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે.
મનમોહન સિંહ કોંગ્રેસના વરિષ્ઠ નેતા છે અને હાલમાં તેઓ રાજસ્થાનથી રાજ્યસભાના સભ્ય છે. તેઓ 2004 થી 2014 સુધી દેશના વડાપ્રધાન રહી ચૂક્યા છે. 2009 માં તેમની એઈમ્સમાં કોરોનરી બાયપાસ સર્જરી કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, દિલ્હી સહિત સમગ્ર દેશમાં કોરોનાના નવા કેસો વધી રહ્યા છે. રવિવારે જ દિલ્હીમાં 25462 લોકો સંક્રમિત થયા હતા અને 161 દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 2,73,180 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 1619 લોકોના મોત થયા છે. જે અત્યાર સુધીનો સર્વોચ્ચ આંક છે. જોકે 24 કલાકમાં 1,44,178 લોકો ઠીક પણ થયા છે.
- કુલ કેસ- એક કરોડ 50 લાખ 61 હજાર 919
- કિલ ડિસ્ચાર્જ- એક કરોડ 29 લાખ 53 હજાર 821
- કુલ એક્ટિવ કેસ - 19 લાખ 29 હજાર 329
- કુલ મોત - 1 લાખ 78 હજાર 769
12 કરોડથી વધારેને રસી અપાઈ
દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 12 કરોડ 38 લાખ 52 હજાર 566 ડોઝ આપવામાં આવ્યા છે.