Weather update: દેશના અનેક રાજ્યોમાં આગામી પાંચ દિવસ સુધી હીટવેવની આગાહી
લોકસભા ચૂંટણી 2024ને લઈને એક તરફ દેશમાં રાજકીય તાપમાન વધી ગયું છે, તો બીજી તરફ આકરા તાપ ઘણા રાજ્યો સળગી રહ્યા છે. હીટવેવના કહેરથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.
લોકસભા ચૂંટણી 2024ને લઈને એક તરફ દેશમાં રાજકીય તાપમાન વધી ગયું છે, તો બીજી તરફ આકરા તાપ ઘણા રાજ્યો સળગી રહ્યા છે. હીટવેવના કહેરથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. જેના કારણે મત ટકાવારીને પણ ખાસ્સી અસર થઈ છે. આવી સ્થિતિમાં, ભારતીય હવામાન વિભાગે પૂર્વ ભારતમાં 1 મે સુધી હીટવેવની સંભાવના વ્યક્ત કરી છે. જોકે, ત્યાર બાદ તેમાં ધીમે ધીમે ઘટાડો થવાની ધારણા છે.
IMDએ જણાવ્યું છે કે દક્ષિણ દ્વીપકલ્પ ભારતમાં આગામી 5 દિવસ દરમિયાન હીટવેવની સ્થિતિ ચાલુ રહેવાની શક્યતા છે. આગામી 4-5 દિવસમાં ઉત્તરપૂર્વ ભારતમાં તોફાન અને તેજ પવન સાથે ભારે વરસાદ પણ થઈ શકે છે. વાવાઝોડાં અને તોફાની પવનો સાથે વરસાદ પશ્ચિમ હિમાલયન પ્રદેશ અને ઉત્તરપશ્ચિમ ભારતના નજીકના મેદાનો પર ચાલુ રહેવાની શક્યતા છે અને પછી તે ઘટી જશે.
છેલ્લા 24 કલાક દરમિયાન કેવું હતું હવામાન
દેશમાં ઘણી જગ્યાએ હીટ વેવની સ્થિતિ યથાવત છે અને વિવિધ ભાગોમાં તીવ્ર ગરમી પડી રહી છે.
ગાંગેય પશ્ચિમ બંગાળ, ઓડિશા અને બિહાર અને ઉપ હિમાલયન પશ્ચિમ બંગાળ, રાયલસીમા, કોંકણ, કર્ણાટક અને કેરળના અલગ-અલગ વિસ્તારોમાં હીટ વેવની સ્થિતિ પ્રવર્તી રહી છે.
કર્ણાટક, કેરળ, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં અલગ-અલગ સ્થળોએ ગરમી અને ભેજ યથાવત છે.
ઉત્તરીય કર્ણાટક અને પૂર્વી ઉત્તર પ્રદેશમાં જુદા જુદા સ્થળોએ રાત્રે પણ ગરમી હતી.
જમ્મુ-કાશ્મીર-લદ્દાખ-ગિલગિટ-બાલ્ટિસ્તાન-મુઝફ્ફરાબાદ, અરુણાચલ પ્રદેશમાં મોટાભાગના સ્થળોએ ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે હળવોથી મધ્યમ વરસાદ
આસામ, મેઘાલય, જમ્મુ-કાશ્મીર-લદ્દાખ-ગિલગિટ-બાલ્ટિસ્તાન-મુઝફ્ફરાબાદમાં પણ અલગ-અલગ સ્થળોએ કરા પડ્યા હતા.
અરુણાચલ પ્રદેશ, મેઘાલય અને આસામમાં ભારે વરસાદ નોંધાયો હતો.
ચૂંટણીના વર્ષમાં એપ્રિલથી જૂન વચ્ચે ઉત્તરીય મેદાનો સહિત દક્ષિણ ભારતમાં તીવ્ર ગરમી અને ગરમીનું મોજું આવવાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, એપ્રિલ અને જૂન વચ્ચે મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા છે. મધ્ય ભારત, ઉત્તરીય મેદાનો અને દક્ષિણ ભારતના કેટલાક રાજ્યોમાં હીટ વેવ ઘણા દિવસો સુધી રહેવાની ધારણા છે. આ રાજ્યોમાં ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તર કર્ણાટક, ઓડિશા, આંધ્રપ્રદેશ અને મધ્યપ્રદેશનો સમાવેશ થાય છે.
બિહારમાં આગામી 3-4 દિવસ સુધી ભારે ગરમી અને હીટ વેવ રહેશે
બિહારના લોકોને આગામી ત્રણ-ચાર દિવસ ગરમીથી રાહત મળવાની નથી. હવામાન વિભાગે 1 મે સુધી રાજ્યના અનેક જિલ્લાઓમાં તીવ્ર ગરમી અને હીટવેવની ચેતવણી જારી કરી છે. નાલંદામાં તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસની નજીક પહોંચી ગયું છે. જેના કારણે જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. ગરમીથી બચવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. હવામાન વિભાગે લોકોને ગરમીથી બચવા સાવચેતી રાખવાની સલાહ આપી છે.
યુપીમાં ભારે ગરમીના કારણે જનજીવન પ્રભાવિત
ઉત્તર પ્રદેશના ઘણા શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર કરી ગયું છે. બુલંદશહેર, પ્રયાગરાજ, બસ્તી, વારાણસી, સુલતાનપુર, આગ્રા અને ઝાંસીમાં સૌથી વધુ તાપમાન જોવા મળી રહ્યું છે. રાજ્યના હવામાન વિભાગે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હીટ વેવની ચેતવણી જારી કરી છે. આ સમયગાળા દરમિયાન, રાજ્યના ઘણા ભાગોમાં સૂકા ગરમ પવનો પણ ફૂંકાશે.
કેરળના પલક્કડ માટે 'ઓરેન્જ' એલર્ટ જારી કરવામાં આવ્યું છે
ભારતીય હવામાન વિભાગ (IMD) એ કેરળના પલક્કડ જિલ્લા માટે તીવ્ર ગરમીની સંભાવનાને ધ્યાનમાં રાખીને 'ઓરેન્જ' એલર્ટ જાહેર કર્યું છે. કેરળ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (KSDMA) એ જણાવ્યું હતું કે હવામાન એજન્સીએ કોલ્લમ અને થ્રિસુર જિલ્લાના કેટલાક વિસ્તારો માટે ભારે ગરમીની સંભાવનાને ધ્યાનમાં રાખીને 'યલો' ચેતવણી પણ જારી કરી છે.
IMD અનુસાર, 29 એપ્રિલથી 3 મે સુધી, પલક્કડ અને કોલ્લમ અને થ્રિસુર જિલ્લામાં તાપમાન અનુક્રમે 41 ડિગ્રી સેલ્સિયસ અને 40 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે. KSDMAએ એક નિવેદનમાં જણાવ્યું કે કોઝિકોડ જિલ્લામાં તાપમાન 39 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની શક્યતા છે.