અમેરિકા-બ્રિટન જવા માગતા હો તો જતા પહેલા સો વાર વિચારજો, જાણો કેમ અપાઈ રહી છે આ ચેતવણી ?
અમેરિકામાં કોરોના 2020માં આવ્યો તે પછી અમેરિકામાં અત્યાર સુધીમાં એક જ દિવસમાં નોંધાયેલા કોરોનાના આ સૌથી વધારે કેસ છે.
વોશિંગ્ટનઃ કોરોનાએ ફરી માથું ઉંચક્યું છે અને દુનિયાના મોટા ભાગના દેશોમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. આ દેશો પૈકી યુનાઈટેડ કિંગડમ (યુકે) અને અમેરિકામાં કોરોનાએ સૌથી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ છે. બુધવારે અમેરિકામાં કોરોનાના એક જ દિવસમાં અત્યાર સુધીના સૌથી વધુ 3.12 લાખ કેસ આવ્યા હતા.
અમેરિકામાં કોરોના 2020માં આવ્યો તે પછી અમેરિકામાં અત્યાર સુધીમાં એક જ દિવસમાં નોંધાયેલા કોરોનાના આ સૌથી વધારે કેસ છે. અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 1762 દર્દીઓ કોરોનાથી મૃત્યુ પામ્યા છે. આ ઉછાળા સાથે અમેરિકામાં કોરોનાના કુલ કેસનો આંકડો 5.40 કરોડને વટાવી ગયો છે. અમેરિકામાં કોરોનાથી મૃત્યુ પામનારાઓનો આંકડો 8.42 લાખ પર પહોંચી ગયો છે.
અમેરિકા જેવી જ હાલત યુનાઈટેડ કિંગડમ (યુકે) એટલે કે બ્રિટનની છે. યુનાઈટેડ કિંગડમ (યુકે)માં બુધવારે રેકોર્ડ બ્રેક 1,83,037 કોરોનાના નવા કેસ નોંધાયા હતા. છેલ્લા સાત દિવસમાં જ યુનાઈટેડ કિંગડમ (યુકે)માં 9 લાખ કરતાં વધારે લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે.
યુનાઈટેડ કિંગડમ (યુકે) અને અમેરિકામાં કોરોનાના કેસોમાં આવેલા ઉછાળાને જોતાં આ બંને દેશ જવા માંગતા લોકોને હાલ પૂરતો વિચાર માંડી વાળવાની સલાહ અપાય છે. યુનાઈટેડ કિંગડમ (યુકે) અને અમેરિકામાં લાંબા સમય સુધી કોરોનાની અસર રહેશે એ જોતાં આ બંને દેશોમાં જવું હિતાવહ નહીં હોવાની સલાહ અપાય છે.
અમેરિકામાં કોરોનાના એક્ટિવ કેસ 1.20 કરોડ છે જ્યારે 4.13 કરોડ લોકો સાજા થયા છે. આ પહેલા અમેરિકામાં આ વર્ષે 8 જાન્યુઆરીના રોજ એક જ દિવસમાં 2,94,015 ૫ કેસ નોંધાયા હતા, જે અત્યાર સુધીનો સૌથી મોટો ઉછાળો હતો. અમેરિકામાં કેલિફોર્નિયા અને ન્યૂયોર્કમાં કોરોનાના કેસોમાં સૌથી વધુ ઉછાળો નોંધાયો છે. કેલિફોર્નિયામાં છેલ્લા 24 કલાકમાં 86 હજારથી પણ વધારે કેસ નોંધાયા છે. ન્યૂયોર્કમાં પણ દૈનિક કેસોની સંખ્યા ચિંતાજનક સ્તરે વધી છે. કેલિફોર્નિયામાં કોરોનાના લીધે સૌથી વધુ 75,500નાં મોત થયાં છે.