Independence day 2023: ભારતની આઝાદી માટે 15 ઓગસ્ટનો દિવસ કેમ પસંદ કરાયો ? જાણો આ પાછળનું સૌથી મોટું કારણ
Independence day 2023: 15 ઓગસ્ટ 1947 ના રોજ ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી મળી હતી
Independence day 2023: 15 ઓગસ્ટ 1947 ના રોજ ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી મળી ત્યારબાદ ભારત એક સ્વતંત્ર દેશ બન્યો. આ દિવસ દરેક દેશવાસીઓ માટે ગર્વનો દિવસ છે. આ દિવસને દેશભરમાં ધ્વજ ફરકાવી ધામધૂમથી ઉજવવામાં આવે છે, પરંતુ ભારતને આઝાદ કરવા માટે 15 ઓગસ્ટની તારીખ કેમ પસંદ કરવામાં આવી, તેનું કારણ ખૂબ જ ખાસ છે. આવો જાણીએ આ વિશે.
15 ઓગસ્ટે જ કેમ ઉજવવામાં આવે છે સ્વતંત્રતા દિવસ?
બ્રિટિશ શાસન અનુસાર, 30 જૂન 1948ના રોજ ભારતને આઝાદી મળવાની હતી, પરંતુ તે જ સમયે નેહરુ અને જિન્ના વચ્ચે ભારત અને પાકિસ્તાનના ભાગલાનો મુદ્દો શરૂ થઈ ગયો. જિન્નાની પાકિસ્તાનની માંગને કારણે લોકોમાં સાંપ્રદાયિક સંઘર્ષની સંભાવનાને જોતા, 15 ઓગસ્ટ 1947ના રોજ જ ભારતને આઝાદી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો. 4 જુલાઈ 1947ના રોજ માઉન્ટબેટન દ્વારા બ્રિટિશ હાઉસ ઓફ કોમન્સમાં ભારતીય સ્વતંત્રતા બિલ રજૂ કરવામાં આવ્યું હતું. આ બિલને બ્રિટિશ સંસદે તરત જ મંજૂરી આપી દીધી અને 15 ઓગસ્ટ 1947ના રોજ ભારતને સ્વતંત્ર જાહેર કરવામાં આવ્યું.
15 ઓગસ્ટનો દિવસ શા માટે પસંદ કરવામાં આવ્યો?
ભારતના છેલ્લા વાઇસરોય લોર્ડ માઉન્ટબેટનના જીવનમાં 15 ઓગસ્ટનો દિવસ ખૂબ જ ખાસ હતો. વાસ્તવમાં15 ઓગસ્ટ, 1945 ના રોજ જાપાની સેનાએ બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન અંગ્રેજો સામે આત્મસમર્પણ કર્યું હતું. તે સમયે લોર્ડ માઉન્ટબેટન બ્રિટિશ આર્મીમાં સાથી દળોમાં કમાન્ડર હતા. જાપાની સેનાના શરણાગતિનો સંપૂર્ણ શ્રેય માઉન્ટબેટનને આપવામાં આવ્યો હતો, તેથી માઉન્ટબેટન 15 ઓગસ્ટને તેમના જીવનનો શ્રેષ્ઠ દિવસ માનતા હતા અને તેથી તેમણે ભારતની આઝાદી માટે 15 ઓગસ્ટની પસંદગી કરી હતી.
આ વર્ષ 77માં સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની સાથે આ વર્ષે સ્વતંત્રતા દિવસની થીમ 'નેશન ફર્સ્ટ, ઓલવેઝ ફર્સ્ટ' છે. ગયા વર્ષે (2022) 76મો સ્વતંત્રતા દિવસ મનાવાયો હતો. ગયા વર્ષે ભારતને આઝાદ થયાને 75 વર્ષ થયાં, જ્યારે આપણે 76મો સ્વતંત્રતા દિવસ ઉજવ્યો. એવી જ રીતે આ વર્ષે ભારતને આઝાદી મળ્યાને 76 વર્ષ થશે, તેથી 15 ઓગસ્ટ, 2023એ આપણે 77મો સ્વતંત્રતા દિવસ ઉજવીશું.