India’s First Bullet Train: 2026 સુધીમાં દોડતી થશે ભારતની પ્રથમ બુલેટ ટ્રેન, રેલવે મંત્રીની મોટી જાહેરાત
India’s First Bullet Train: તેમણે કહ્યું કે બુલેટ ટ્રેન માટે વિવિધ સ્ટેશનોના નિર્માણમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે.
India’s First Bullet Train: કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે મંગળવારે જાહેરાત કરી હતી કે ભારતની પ્રથમ બુલેટ ટ્રેન 2026માં પાટા પર દોડશે. તેમણે કહ્યું કે બુલેટ ટ્રેન માટે વિવિધ સ્ટેશનોના નિર્માણમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે અમદાવાદ-મુંબઈ રૂટ પર બુલેટ ટ્રેનનું કામ ખૂબ જ સારી રીતે ચાલી રહ્યું છે. અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, "290 કિલોમીટરથી વધુનું કામ થઈ ચૂક્યું છે. આઠ નદીઓ પર પુલ બનાવવામાં આવ્યા છે. 12 સ્ટેશનો પર કામ ચાલી રહ્યું છે. સ્ટેશનોનું કામ પૂર્ણ થવાના આરે છે.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, બે ડેપો પર કામ ચાલી રહ્યું છે. 2026 માં તેનો પ્રથમ તબક્કો શરૂ કરવાના એકંદર લક્ષ્ય સાથે કામ ખૂબ જ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. બુલેટ ટ્રેન ખૂબ જટિલ પ્રોજેક્ટ છે. તેના પર કામ 2017 માં શરૂ થયું હતું અને ડિઝાઇનને પૂર્ણ કરવામાં લગભગ અઢી વર્ષનો સમય લાગ્યો હતો.કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, તેની ડિઝાઈન ખૂબ જ જટિલ છે કારણ કે જે ઝડપે ટ્રેન દોડવાની હોય છે, તેમાં કંપન ખૂબ જ થાય છે.અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે , "તે કંપનોનું સંચાલન કેવી રીતે કરવું? જો આપણે ઉપરથી કરંટ લેવો હોય તો તે કરંટ કેવી રીતે લેવો? તેની ગતિ, એરોડાયનેમિક્સ વગેરે જેવી દરેક વસ્તુને ખૂબ જ કાળજીપૂર્વક જોવી પડશે અને તે પછી તરત જ કામ શરૂ થશે.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે કોરોના મહામારીના કારણે થોડો આંચકો લાગ્યો હતો. આ સાથે અશ્વિની વૈષ્ણવે કહ્યું, “મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની સરકારે મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો, જેના કારણે પ્રોજેક્ટમાં વિલંબ થયો હતો. પરંતુ, હવે કામ ખૂબ જ સારી રીતે આગળ વધી રહ્યું છે.”
કેન્દ્રીય મંત્રીએ કહ્યું, "બુલેટ ટ્રેન કોરિડોરમાં 21 કિમી લાંબી ટનલ છે, જેમાં સમુદ્રની નીચે 7 કિમીનો પણ સમાવેશ થાય છે. સૌથી ઊંડી ટનલ 56 મીટર નીચે છે. આ ટનલની અંદર બુલેટ ટ્રેન 300-320 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડશે. જાપાનની શિંકાનસેન ટેક્નોલોજી (જેને બુલેટ ટ્રેન પણ કહેવામાં આવે છે. )નો ઉપયોગ કરીને મુંબઈ અને અમદાવાદ વચ્ચે હાઈ-સ્પીડ રેલનું નિર્માણ કરવાનો ઉદ્દેશ્ય છે.