Indian Flag : ભારતનો તિરંગો ઉતારનારાઓને એસ જયશંકરની ખુલ્લી ચેતવણી
હવે આ મામલે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે ફરી એક વખત ચેતવણી આપી છે અને કહ્યું હતું કે, આજનું ભારત રાષ્ટ્રધ્વજને નીચે ઉતારવાની ઘટનાને સાંખી નહીં લે.
Indian National Flag : લંડન સ્થિત ભારતીય હાઈ કમિશનમાં ખાલિસ્તાનીઓ દ્વારા તિરંગાના કરવામાં આવેલા કથિત અપમાનને લઈને ભારત સરકાર દ્વારા ઉગ્ર વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. હવે આ મામલે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે ફરી એક વખત ચેતવણી આપી છે અને કહ્યું હતું કે, આજનું ભારત રાષ્ટ્રધ્વજને નીચે ઉતારવાની ઘટનાને સાંખી નહીં લે.
વિદેશમંત્રી એસ જયશંકરે સ્પષ્ટ ચેતવણી આપતા કહ્યું હતું કે, ભૂતકાળમાં લંડન, કેનેડા અને સાન ફ્રાન્સિસ્કોમાં કેટલીક ઘટનાઓ જોવા મળી છે. પરંતુ ભારત તેના રાષ્ટ્રધ્વજને નીચે ઉતારી લેવાની વાતને સાંખી નહીં લે. એસ જયશંકરે કહ્યું હતું કે, જ્યારે આ બન્યું ત્યારે અમારા હાઈ કમિશનરે તે બિલ્ડિંગમાં મોટો ધ્વજ લગાવ્યો હતો.
તાજેતરમાં વિરોધીઓના એક જૂથે ખાલિસ્તાની તરફી સૂત્રોચ્ચાર કરીને લંડનમાં ભારતીય હાઈ કમિશનની ઉપર લહેરાવેલા ત્રિરંગાને નીચે લાવવાનો પ્રયાસ કર્યો હતો. ભારતે તેના હાઈ કમિશનની સુરક્ષાને લઈને બ્રિટિશ સરકાર સામે સખત વિરોધ નોંધાવ્યો હતો અને પરિસરમાં યોગ્ય સુરક્ષા વ્યવસ્થાના અભાવ પર પણ સવાલ ઉઠાવ્યા હતા.
'ઇન્ડિયા હાઉસ' બિલ્ડિંગ પર ચડતા લોકોની તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે. ત્યારબાદ વિદેશ મંત્રાલયે આકરૂ વલણ દાખવતા કહ્યું હતું કે, સુરક્ષા વ્યવસ્થાની ગેરહાજરી માટે યુકે પાસેથી ખુલાસો માંગવામાં આવ્યો હતો. જેણે આ તત્વોને હાઈ કમિશન પરિસરમાં પ્રવેશવાની મંજૂરી આપી હતી. આ સંદર્ભે તેમને વિયેના સંમેલન હેઠળ બ્રિટિશ સરકારની મૂળભૂત જવાબદારીઓની યાદ અપાવી હતી.
જાહેર છે કે, થોડા દિવસ પહેલા જ ખાલિસ્તાન તરફી દેખાવકારોના એક જૂથે સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસ પર પણ હુમલો કર્યો અને તોડફોડ કરી હતી. ખાલિસ્તાન તરફી નારા લગાવતા તેઓએ પોલીસ બેરિકેડ તોડી નાખ્યા અને કોન્સ્યુલેટ પરિસરમાં બે કહેવાતા ખાલિસ્તાની ધ્વજ લગાવ્યા હતાં. જો કે, કોન્સ્યુલેટના બે કર્મચારીઓ દ્વારા તરત જ ધ્વજ હટાવી લેવામાં આવ્યા હતા. આ ઘટનાને લઈને દુનિયાભરમાં હોબાળો મચી જવા પામ્યો હતો.
Jaishankar : ક્રિકેટનો ઉલ્લેખ કરી એસ જયશંકરે ખોલી નાખ્યું PM મોદીનું સિક્રેટ
Jaishankar On PM Modi: વિદેશ મંત્રી એસ જયશંકરે મોદી સરકારના કામકાજની સરખામણી ક્રિકેટ ટીમ સાથે કરી હતી. તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સવારે 6 વાગ્યાથી નેટ પ્રેક્ટિસ શરૂ થાય છે. જે મોડી રાત સુધી ચાલુ રહે છે. જો પીએમ તમને તક આપે છે, તો તેઓ તમારી પાસેથી વિકેટ લેવાની પણ અપેક્ષા રાખે છે. રાયસીના ડાયલોગ 2023ની 8મી સંસ્કરણ દરમિયાન જયશંકરે આ વાત હળવાશથી કહી હતી.
ભારતની વિદેશ નીતિમાં વધતી જતી રુચિ અંગે જયશંકરે કહ્યું હતું કે, આજે વિશ્વ મુશ્કેલ સ્થિતિમાં ઉભું છે. દુનિયામાં લોકોની રુચિ વધી છે. બીજું કારણ ભારતનું વૈશ્વિકીકરણ છે. એક ક્રિકેટ ટીમ તરીકે અમે ફક્ત ઘરઆંગણે મેચો જ જીતવા માંગતા નથી. અમે વિદેશમાં પણ એવું જ કરવા માંગીએ છીએ.