PM મોદીએ જલિયાંવાલા બાગના નવા સ્મારકનું કર્યું ઉદ્ધાટન, કહ્યુ- નવું પરિસર નવી પેઢીને પ્રેરણા આપશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જલિયાંવાલા બાગના નવા પરિસરને શનિવારે સાંજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ઉદ્ધાટન કર્યું હતું.
Jallianwala Bagh Memorial:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જલિયાંવાલા બાગના નવા સ્મારકનું ઉદ્ધાટન કર્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું કે નવું પરિસર નવી પેઢીને પ્રેરણા આપશે. જલિયાંવાલા બાગ આઝાદીની લડાઇનું પ્રતિક છે. આ હંમેશા આઝાદી માટે આપવામાં આવેલા બલિદાનની યાદ અપાવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જલિયાંવાલા બાગના નવા પરિસરને શનિવારે સાંજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ઉદ્ધાટન કર્યું હતું. આ અવસર પર વડાપ્રધાન ઓફિસે કહ્યું કે લાંબા સમયથી બેકાર પડેલી અને ઓછી ઉપયોગી ઇમારતોને ફરીથી ઉપયોગ માટે લેવામાં આવે તેવું સુનિશ્વિત કરતા ચાર મ્યુઝિયમ ગેલેરીઓને બનાવવામાં આવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે પંજાબની વીર ભૂમિને, જલિયાંવાલા બાગની પવિત્ર માટીને, મારા પ્રણામ. 13 એપ્રિલ 1919ની એ 10 મિનિટ, આપણી આઝાદીની લડાઇની એ સત્યગાથા બની ગઇ જેના કારણે આજે આપણે આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યા છીએ. એવામાં આઝાદીના 75મા વર્ષમાં જલિયાંવાલા બાગ સ્મારકનું આધુનિક રૂપ દેશને મળવું, આપણા તમામ માટે એક મોટી પ્રેરણાનો અવસર છે. જલિયાંવાલા બાગ એ સ્થાન છે જેણે સરદાર ઉદ્યમ સિંહ, સરદાર ભગતસિંહ જેવા અનેક ક્રાંતિવીરો, બલિદાનીઓ, સેનાનીઓને હિંદુસ્તાનની આઝાદી માટે બલિદાન આપવાની હિંમત આપી.
વડાપ્રધાને કહ્યું કે દેશની એ આકાંક્ષા હતી જે સર્વોચ્ચ બલિદાન આપનારા આપણા સૈનિકો માટે રાષ્ટ્રીય સ્મારક હોવું જોઇએ. મને સંતોષ છે કે નેશનલ વોર મેમોરિયલ આજે યુવાઓમાં રાષ્ટ્ર રક્ષા અને દેશ માટે પોતાનું બધુ ન્યોચ્છાવર કરવાની ભાવના પેદા કરી રહ્યું છે.
નોંધનીય છે કે જલિયાંવાલા બાગમાં 13 એપ્રિલ 1919ના રોજ બનેલી વિવિધ ઘટનાઓને દર્શાવવા માટે એક સાઉન્ડ એન્ડ લાઇટ શોની વ્યવસ્થા કરવામાં આવી છે. આ પરિસરમાં વિકાસ સાથે જોડાયેલી અનેક યોજનાઓ છે.