Kanhaiya Kumar Joins Congress: રાહુલ ગાંધીની હાજરીમાં કૉંગ્રેસમાં સામેલ થયા કન્હૈયા કુમાર
Kanhaiya Kumar Joins Congress: ભગત સિંહની જયંતી પર આજે સીપીઆઈ નેતા કન્હૈયા કુમાર અને ગુજરાતના અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી કૉંગ્રેસમાં સામેલ થયા છે.
Kanhaiya Kumar Joins Congress: ભગત સિંહની જયંતી પર આજે સીપીઆઈ નેતા કન્હૈયા કુમાર કૉંગ્રેસમાં સામેલ થયા છે. આ પહેલા રાહુલ ગાંધી સાથે કન્હૈયા કુમાર અને જિગ્નેશ મેવાણી દિલ્હીના આઈટીઓ સ્થિત શહીદી પાર્ક પહોંચ્યા હતા. અહીં ત્રણેય નેતાઓએ ભગત સિંહની પ્રતિમા પર માલ્યાર્પણ કર્યું. આ દરમિયાન ગુજરાત કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ પણ હાજર હતા. હાલ કન્હૈયા કુમાર કૉંગ્રેસમાં સામેલ થયા છે.
ગુજરાતના અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ કહ્યું કે, હું ટેકનિકલ કારણોસર ઔપચારિક રીતે કોંગ્રેસમાં જોડાઈ શક્યો નથી. હું એક અપક્ષ ધારાસભ્ય છું, જો હું કોઈ પાર્ટીમાં જોડાઈશ તો હું ધારાસભ્ય તરીકે યથાવત નહીં રહી શકુ. હું વૈચારિક રીતે કોંગ્રેસનો ભાગ છું, આગામી ગુજરાતની ચૂંટણી કોંગ્રેસના પ્રતિક ઉપરથી લડીશ.
પાર્ટીમાં સ્વાગત કરતા કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે 7 વર્ષથી દેશમાં મોદી સરકાર જે હિટલરશાહીની નીતિ પર ચાલી રહી છે, તેની સામે બંને નેતાઓએ અવાજ ઉઠાવ્યો છે. જ્યારે કૉંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું કે કન્હૈયા કુમાર ફ્રીડમ ઓફ એક્સપ્રેસનના પ્રતીક છે.
કોંગ્રેસમાં કન્હૈયા અને જિગ્નેશ મેવાણીની ભૂમિકા શું હશે તે અંગે ચિત્ર સ્પષ્ટ નથી. જોકે, એવું કહેવામાં આવી રહ્યું છે કે બંને યુવા નેતાઓ યુવાનોને કોંગ્રેસ સાથે જોડવા માટે અભિયાન ચલાવી શકે છે અને દેશભરમાં મોદી સરકાર વિરુદ્ધ આંદોલનો કરી શકે છે. એવી પણ ચર્ચા છે કે કોંગ્રેસ બિહારમાં કન્હૈયા અને ગુજરાતમાં જિગ્નેશને મોટી જવાબદારી આપી શકે છે. આ વ્યૂહરચના હેઠળ આગામી દિવસોમાં કેટલાક વધુ યુવા નેતાઓ કોંગ્રેસમાં જોડાશે.
ભાજપ શાસિત ગુજરાતમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી પહેલા મેવાણી કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે. મેવાણી બનાસકાંઠા જિલ્લાની વડગામ બેઠક પરથી 2017 ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ટેકાથી ચૂંટાયા હતા.
જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ યુનિયનના પૂર્વ પ્રમુખ કન્હૈયા કુમાર પાર્ટીમાં જોડાયા તે પહેલા કોંગ્રેસના નેતા મનીષ તિવારીએ હાવભાવમાં પોતાની પાર્ટી પર કટાક્ષ કર્યો હતો. તેમણે સામ્યવાદી વિચારક કુમારમંગલમ દ્વારા 'કોમ્યુનિસ્ટ્સ ઇન કોંગ્રેસ' પુસ્તકનો હવાલો આપ્યો હતો.
લોકસભાના સભ્ય તિવારીએ ટ્વિટ કર્યું હતું કે, "કેટલાક સામ્યવાદી નેતાઓ કોંગ્રેસમાં જોડાવાની અટકળો છે. હવે કદાચ 1973 ના પુસ્તક 'કોમ્યુનિસ્ટ્સ ઇન કોંગ્રેસ' ના પાના ફરી શકે છે. એવું લાગે છે કે વધુ વસ્તુઓ બદલાય છે, વધુ તે સમાન રહે છે. મેં આજે ફરી વાંચ્યું. "