મહારાષ્ટ્રમાં ભાષા મુદ્દે રાજકીય ગરમાવોઃ ફડણવીસ સરકારનો યુ-ટર્ન, હિન્દી ફરજિયાત બનાવવાનો નિર્ણય....
શિવસેનાના મંત્રીઓની માંગ બાદ જાહેરાત; ભૂતપૂર્વ ઉદ્ધવ ઠાકરે સરકારના નિર્ણયનો પણ ઉલ્લેખ; મરાઠી ભાષા રહેશે કેન્દ્રમાં.

Fadnavis Hindi language rule: મહારાષ્ટ્રમાં હિન્દી ભાષા ફરજિયાત બનાવવાના નિર્ણયને હાલ પૂરતો રોકી દેવામાં આવ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આજે આ અંગે જાહેરાત કરતા જણાવ્યું કે, મહારાષ્ટ્ર કેબિનેટમાં શિવસેનાના મંત્રીઓ ગુલાબરાવ પાટિલ, શંભુરાજ દેસાઈ અને દાદા ભૂસે દ્વારા હિન્દી ભાષા ફરજિયાત બનાવવા પર રોક લગાવવાની માંગ કરવામાં આવી હતી, જેને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે ત્રિભાષા નીતિ પર એક નવી સમિતિ રિપોર્ટ તૈયાર ન કરે ત્યાં સુધી આ અમલીકરણ મુલતવી રહેશે.
ત્રિભાષા નીતિ અને નવી સમિતિ
પત્રકાર પરિષદ દરમિયાન, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સ્પષ્ટતા કરતા કહ્યું કે, "સરકારે ત્રિભાષા નીતિ પર જારી કરાયેલા બંને GR (સરકારી આદેશ) રદ કર્યા છે." તેમણે વધુમાં ઉમેર્યું કે, "આજની કેબિનેટ બેઠકમાં, અમે નિર્ણય લીધો છે કે ત્રિભાષા નીતિ કેવી રીતે લાગુ કરવી તે અંગે વિચારણા કરવા માટે ડૉ. નરેન્દ્ર જાધવની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવશે. આ સમિતિ તમામ સંબંધિત પક્ષો સાથે ચર્ચા કરશે અને તેના અહેવાલના આધારે જ ત્રિભાષા નીતિ લાગુ કરવામાં આવશે. અમારા માટે, મરાઠી આ નીતિનો કેન્દ્રબિંદુ રહેશે."
પૂર્વ ઉદ્ધવ ઠાકરે સરકાર પર નિશાન
ફડણવીસે આ મુદ્દે રાજકીય ઢોંગ કરનારાઓની ટીકા કરતા ભૂતપૂર્વ ઉદ્ધવ ઠાકરે સરકાર પર પણ નિશાન સાધ્યું. તેમણે જણાવ્યું કે, ઓક્ટોબર 16, 2020 ના રોજ ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં એક GR જારી કરવામાં આવ્યો હતો, જેના અંતર્ગત રઘુનાથ માશેલકરની અધ્યક્ષતામાં 18 સભ્યોની સમિતિની રચના કરવામાં આવી હતી. આ સમિતિમાં શિવસેના (ઉદ્ધવ જૂથ) ના ઉપનેતા વિજય કદમ સહિતના શિક્ષણવિદો અને નિષ્ણાતો શામેલ હતા.
માશેલકર સમિતિએ પોતાના 101 પાનાના અહેવાલના પાના નંબર 56 પર ધોરણ 1 થી 12 સુધી અંગ્રેજી અને હિન્દી ભાષાઓ શીખવવાની ભલામણ કરી હતી. અહેવાલમાં મરાઠીને પ્રાથમિકતા આપવાની વાત હતી, પરંતુ હિન્દીનો પણ ઉલ્લેખ હતો. આ અહેવાલ સપ્ટેમ્બર 14, 2021 ના રોજ રજૂ કરવામાં આવ્યો હતો અને જાન્યુઆરી 7, 2022 ના રોજ ઉદ્ધવ ઠાકરેના મંત્રીમંડળે તેના પર હસ્તાક્ષર કર્યા હતા. ફડણવીસે ભારપૂર્વક કહ્યું કે, "તે સમયે એકેડેમિક બેંક ઓફ ક્રેડિટને પણ મંજૂરી આપવામાં આવી હતી. તેથી તે અહેવાલ સ્વીકારતી વખતે ત્રણ ભાષાના સૂત્રનો સ્વીકાર કરવામાં આવ્યો ન હતો એમ કહેવું ખોટું છે."
નવી સમિતિનો વ્યાપક અભ્યાસ
મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું કે, નવા GRs (જે 1999 અને 2025 માં જારી કરાયા હતા, જેમાં મરાઠી ફરજિયાત, બીજી અંગ્રેજી અને ત્રીજી હિન્દી હતી) રદ કરવામાં આવ્યા છે. નવી જાધવ સમિતિ માશેલકર સમિતિના અહેવાલનો પણ અભ્યાસ કરશે અને તમામ પક્ષોના મંતવ્યો લેશે. આ સમિતિ નક્કી કરશે કે ભાષા નીતિ કયા ધોરણમાંથી લાગુ કરવી જોઈએ અને કયા વિકલ્પો આપવા જોઈએ. ફડણવીસે ભારપૂર્વક જણાવ્યું કે, "મરાઠી અને મરાઠી વિદ્યાર્થીઓ અમારા માટે મહત્વપૂર્ણ છે. અમારી નીતિ વિદ્યાર્થી-કેન્દ્રિત રહેશે." ત્રીજી ભાષા ધોરણ 1 થી ફક્ત વાતચીતના સ્તરે શીખવવામાં આવશે, અને તેનું લેખન-વાંચન ધોરણ 3 થી શરૂ થશે.





















