Tripura New CM: ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં લેવાયો નિર્ણય, મણિક સાહા બનશે ત્રિપુરાના નવા મુખ્યપ્રધાન, જાણો તેમના વિશે બધું જ
Manik Saha Tripura New CM: બિપ્લબ દેબના રાજીનામા બાદ ભાજપે ધારાસભ્ય દળની બેઠક બોલાવી હતી, જેમાં નવા સીએમના નામ પર ચર્ચા કરવામાં આવી હતી.
Tripura News : ત્રિપુરામાં બિપ્લબ દેબના રાજીનામા બાદ હવે ભાજપે માણિક સાહાને નવા મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય કર્યો છે. ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં સાહાના નામ પર મહોર મારવામાં આવી હતી. બિપ્લબ દેબના રાજીનામા બાદ ઘણા નામો પર ચર્ચા થઈ રહી હતી જેમાં માનિક સાહાનું નામ પણ સામેલ છે. આખરે તમામ નેતાઓએ સાહાને ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કર્યા. જે બાદ હવે તેઓ જલ્દી શપથ લઈ શકે છે અને સીએમ પદ સંભાળી શકે છે. માણિક સાહા રાજભવન જઈને ધારાસભ્યોના સમર્થનનો પાત્ર રાજ્યપાલને સુપ્રત કર્યો છે.
કોણ છે મણિક સાહા?
વ્યવસાયે ડેન્ટિસ્ટ મણિક સાહાએ આ વર્ષની શરૂઆતમાં ત્રિપુરાથી એકમાત્ર રાજ્યસભા બેઠક જીતી હતી. 2016માં કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થયેલા સાહાને 2020માં પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.તેમણે બિપ્લબ કુમાર દેબનું સ્થાન લીધું હતું જેમણે 2018 માં ભાજપને શાનદાર જીત અપાવી હતી અને 25 વર્ષ જૂના સામ્યવાદી શાસનનો અંત કર્યો હતો.
મણિક સાહા ત્રિપુરા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ પણ છે. મુખ્ય પ્રવાહના રાજકારણમાં જોડાતા પહેલા સાહા હપાનિયા સ્થિત ત્રિપુરા મેડિકલ કોલેજમાં ભણાવતા હતા.
હાઈકમાન્ડ સાથેની બેઠક બાદ બિપ્લબ દેબે રાજીનામું આપ્યું
આ પહેલા શુક્રવારે 13 મેના રોજ બિપ્લબ દેબ દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા. આ બેઠકના માત્ર 24 કલાક બાદ 14 મેના રોજ તેઓ રાજ્યપાલ પાસે ગયા અને પોતાનું રાજીનામું સુપરત કર્યું. રાજીનામું આપ્યા બાદ બિપ્લબ દેબે સ્પષ્ટ કર્યું કે તેમણે આ નિર્ણય હાઈકમાન્ડના કહેવા પર જ લીધો છે. સાથે જ તેમણે કહ્યું કે પાર્ટી તેમના માટે સર્વોપરી છે અને પાર્ટી તરફથી તેમને જે પણ જવાબદારી મળશે, તેઓ તેને નિભાવશે.
બિપ્લબ દેબને રાજ્યસભામાં મોકલશે ભાજપ
રાજ્યસભા સાંસદ મણિક સાહાને બિપ્લબ દેબના સ્થાને મુખ્યપ્રધાન બનવવામાં આવતા હવે એ પણ ચર્ચા થઇ રહી છે કે રાજ્યસભાની ખાલી પડેલી બેઠક પર ભાજપ બિપ્લબ દેબને રાજ્યસભામાં મોકલશે.