BMC Election: મુંબઈનો નાથ કોણ? મેયર પદ માટે અઢી વર્ષની ફોર્મ્યુલા? ફડણવીસે આપ્યો મોટો સંકેત
Mumbai Mayor Formula: મુંબઈમાં મહાયુતિનો દબદબો: ભાજપ અને શિંદે જૂથે 118 બેઠકો સાથે મેળવી બહુમતી; મેયર પદ અંગેના વિવાદ પર ફડણવીસે કહ્યું- 'અમે સાથે બેસીને નિર્ણય લઈશું'.

Mumbai Mayor Formula: દેશની સૌથી શ્રીમંત ગણાતી મુંબઈ મહાનગર પાલિકા એટલે કે બીએમસી ચૂંટણી (BMC Election 2026) ના પરિણામો જાહેર થઈ ગયા છે. મુંબઈગરાઓએ ફરી એકવાર મહાયુતિ (Grand Alliance) પર ભરોસો મૂક્યો છે. જીત બાદ હવે સૌથી મોટો સવાલ એ છે કે મુંબઈનો નવો મેયર (Mayor) કોણ બનશે? શું ભાજપ અને શિંદે જૂથ વચ્ચે મેયર પદ માટે કોઈ 'અઢી વર્ષની ફોર્મ્યુલા' (2.5 Year Formula) નક્કી થઈ છે? આ તમામ અટકળો વચ્ચે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે (Devendra Fadnavis) મહત્વનું નિવેદન આપ્યું છે.
'શિંદે સાથે વાત કરીને નિર્ણય લઈશું'
પુણેમાં પત્રકારો સાથે વાતચીત કરતા મુખ્યમંત્રી ફડણવીસે સ્પષ્ટ કર્યું હતું કે મેયર પદને લઈને ગઠબંધનમાં કોઈ જ વિવાદ નથી. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું મેયર પદ માટે રોટેશનલ પોલિસી એટલે કે અઢી-અઢી વર્ષની ફોર્મ્યુલા અપનાવવામાં આવશે? ત્યારે તેમણે કહ્યું: "ભગવાનની ઈચ્છા છે કે મેયર મહાયુતિનો જ હોય. મેયર કોણ હશે, કયા પક્ષનો હશે અને કેટલા વર્ષ (Tenure) માટે હશે, તેનો નિર્ણય હું, એકનાથ શિંદે (Eknath Shinde) અને અમારા પક્ષના વરિષ્ઠ નેતાઓ સાથે બેસીને સંયુક્ત રીતે લઈશું. અમારો ઉદ્દેશ્ય સત્તા માટે ઝઘડવાનો નહીં, પણ મુંબઈનો વિકાસ કરવાનો છે."
પારદર્શક વહીવટનું વચન
દાદર સ્થિત ભાજપ કાર્યાલય ખાતે વિજયી કોર્પોરેટરો (Corporators) ને સંબોધતા ફડણવીસે કહ્યું હતું કે આ જીત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન અને મહાયુતિના સુશાસનનું પરિણામ છે. તેમણે મુંબઈની જનતાને ખાતરી આપી હતી કે બીએમસીનો વહીવટ સંપૂર્ણ પારદર્શક (Transparent) રીતે ચલાવવામાં આવશે અને લોકોની આકાંક્ષાઓ પૂર્ણ કરવામાં આવશે.
પરિણામોનું ગણિત: કોને કેટલી બેઠકો?
શુક્રવારે, 16 January ના રોજ જાહેર થયેલા પરિણામોમાં મહાયુતિએ સ્પષ્ટ બહુમતી (Majority) મેળવી લીધી છે. 227 વોર્ડ ધરાવતી BMC માં બહુમતી માટે 114 બેઠકોની જરૂર હોય છે, જેની સામે ગઠબંધને 118 બેઠકો કબજે કરી છે. બીજી તરફ, ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેનું ગઠબંધન કોઈ ખાસ કમાલ કરી શક્યું નથી.
પક્ષવાર જીતની સ્થિતિ:
BJP: 89 બેઠકો
શિવસેના (શિંદે જૂથ): 29 બેઠકો
શિવસેના (ઉદ્ધવ જૂથ): 65 બેઠકો
કોંગ્રેસ: 24 બેઠકો
AIMIM: 8 બેઠકો
MNS (રાજ ઠાકરે): 6 બેઠકો
NCP (અજિત પવાર): 3 બેઠકો
NCP (શરદ પવાર): 1 બેઠક
હવે જોવાનું એ રહે છે કે 'માતોશ્રી'ના પડકારને પહોંચી વળવા માટે ભાજપ અને શિંદે સેના મેયર પદ માટે કયા ચહેરાની પસંદગી કરે છે.





















