મુંબઈમાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો, એર ઈન્ડિયાએ મુસાફરો માટે એડવાઈઝરી જાહેર કરી
મુંબઈમાં ભારે વરસાદ અને વાવાઝોડાનો કહેર યથાવત છે. મુંબઈના ઉપનગરીય વિસ્તારોમાં સમયાંતરે વરસાદ પડી રહ્યો છે.

નવી દિલ્હી: મુંબઈમાં ભારે વરસાદ અને વાવાઝોડાનો કહેર યથાવત છે. મુંબઈના ઉપનગરીય વિસ્તારોમાં સમયાંતરે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે મુંબઈમાં ભારે વરસાદની ચેતવણી પણ જારી કરી છે. ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે વિઝીબિલીટી ઘણી ઓછી થઈ ગઈ છે. આવી સ્થિતિમાં આ વરસાદને કારણે ટ્રાફિક પર પણ અસર પડી છે. વિમાન સંચાલનને અસર થઈ રહી છે. આવી સ્થિતિમાં ઉડ્ડયન કંપની એર ઇન્ડિયાએ મુસાફરો માટે એક એડવાઈઢરી જાહેર કરી છે.
એર ઇન્ડિયાએ મુસાફરોને સલાહ આપી
મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ અંગે જારી કરાયેલી એક એડવાઈઝરીમાં એર ઈન્ડિયાએ જણાવ્યું હતું કે, "મુંબઈમાં વરસાદ અને વાવાઝોડાને કારણે ફ્લાઇટ કામગીરી પ્રભાવિત થઈ રહી છે. મુસાફરીને સરળ બનાવવા માટે અમે અમારા મુસાફરોને એરપોર્ટ પર જતા પહેલા તેમની ફ્લાઇટની સ્થિતિ તપાસવાની સલાહ આપીએ છીએ."
#TravelAdvisory
— Air India (@airindia) May 26, 2025
Rain and thunderstorms are impacting flight operations in Mumbai.
To ensure a smooth travel experience, we encourage our passengers to check their flight status before heading to the airport: https://t.co/6ajUZVdGTe
મુંબઈમાં ક્યાં કેટલો વરસાદ ?
મુંબઈમાં ભારે વરસાદનો કહેર યથાવત છે. સવારે 9 થી 10 વાગ્યાની વચ્ચે માત્ર એક કલાકમાં સૌથી વધુ વરસાદ નરીમાન પોઈન્ટ ફાયર સ્ટેશનમાં નોંધાયો હતો, જ્યાં 104 મીમી વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત, એ વોર્ડ ઓફિસમાં 86 મીમી, કોલાબા પમ્પિંગ સ્ટેશનમાં 83 મીમી અને મ્યુનિસિપલ હેડ ઓફિસમાં 80 મીમી વરસાદ નોંધાયો હતો. કોલાબા ફાયર સ્ટેશનમાં 77 મીમી, ગ્રાન્ટ રોડ આઇ હોસ્પિટલ 67 મીમી, મેમનવાડા ફાયર સ્ટેશન 65 મીમી, મલબાર હિલમાં 63 મીમી અને ડી વોર્ડમાં 61 મીમી વરસાદ નોંધાયો હતો.
પૂર્વીય ઉપનગરોની વાત કરીએ તો ત્યાં તુલનાત્મક રીતે ઓછો વરસાદ પડ્યો છે. માનખુર્દ ફાયર સ્ટેશન અને એમપીએસ સ્કૂલ માનખુર્દમાં માત્ર 16 મીમી, નૂતન વિદ્યાલય મંડળમાં 14 મીમી અને કલેક્ટર કોલોનીમાં 13 મીમી વરસાદ નોંધાયો હતો. પાણી ભરાવાના મુખ્ય સ્થળોમાં શક્કર પંચાયત, સાયન સર્કલ, દાદર ટીટી, હિંદમાતા, જેજે મડાવી પોસ્ટ ઓફિસ, કુર્ને ચોક, બિંદુમાધવ જંકશન (વરલી) અને માચરજી જોશી માર્ગ (પાંચ બગીચા)નો સમાવેશ થાય છે. ભારે પવન અને વરસાદને કારણે વૃક્ષો પડવાના બનાવો પણ બન્યા છે. BMC ને શહેરમાં 4 સ્થળોએ અને પશ્ચિમ ઉપનગરોમાં 5 સ્થળોએ વૃક્ષો પડી ગયાના અહેવાલો પ્રાપ્ત થયા છે.
હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું
આજે માટે હવામાન વિભાગ IMD એ રાયગઢ, રત્નાગિરિ અને સિંધુદુર્ગ જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. મુંબઈ, થાણે, પાલઘર અને મહારાષ્ટ્રના અન્ય જિલ્લાઓ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આગામી 3-4 કલાકમાં રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વાવાઝોડા અને ભારે વરસાદની સાથે 50-60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. વહીવટીતંત્રે નાગરિકોને સતર્ક રહેવા અપીલ કરી છે.





















