લગ્ન થયા હોય તો પત્ની બળજબરીથી શરીરસંબંધ બાંધ્યાનો કેસ ન કરી શકે, મુંબઈ કોર્ટનો ચુકાદો
મહિલાએ ગત વર્ષે 22 નવેમ્બરે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ તેના પતિ અને તેના પરિવારે તેના પર પ્રતિબંધ મૂકવાનું શરૂ કર્યું અને ટોણાં મારવા, તેની સાથે દુર્વ્યવહાર કર્યો અને પૈસાની માંગણી પણ શરૂ કરી.
મુંબઈઃ મુંબઈના એડિશનલ સેશન જજ સંજશ્રી જે ઘરતે અવલોકન કર્યું છે કે, જે મહિલાએ તેના પતિ પર તેની ઈચ્છા વિરુદ્ધ તેની સાથે જાતીય સંભોગ કરવાનો આરોપ લગાવ્યો હતો તેની ફરિયાદ કાનૂની કેસ માટે યોગ્ય નથી. ન્યાયાધીશે કહ્યું કે, આરોપી પતિ હોવાથી એમ કહી શકાય નહીં કે તેણે કોઈ ગેરકાયદેસર કામ કર્યું છે.
ફરિયાદી મુજબ, મહિલાએ ગત વર્ષે 22 નવેમ્બરે લગ્ન કર્યા હતા. મહિલાએ પોલીસને જણાવ્યું છે કે, લગ્ન બાદ તેના પતિ અને તેના પરિવારે તેના પર પ્રતિબંધ મૂકવાનું શરૂ કર્યું અને ટોણાં મારવા, તેની સાથે દુર્વ્યવહાર કર્યો અને પૈસાની માંગણી પણ શરૂ કરી. મહિલાએ આરોપ લગાવ્યો હતો કે લગ્નના એક મહિના બાદ પતિએ તેની મરજી વિરુદ્ધ તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા.
ગત 2 જાન્યુઆરીના રોજ, દંપતી મુંબઈ નજીકના હિલ સ્ટેશન મહાબળેશ્વર ગયા હતા, જ્યાં તેણે ફરીથી તેની મરજી વિરુદ્ધ સંબંધ બાંધ્યા હતા. તે પછી, મહિલાએ આરોપ લગાવ્યો કે તે અસ્વસ્થ લાગવા લાગી અને તેને ડોક્ટર પાસે જવું પડ્યું હતું. ડોક્ટરે તપાસ કર્યા પછી મહિલાને જાણ કરી કે તેણીને કમરની નીચે લકવો થયો છે.
આ પછી જ મહિલાએ તેના પતિ અને અન્ય લોકો સામે મુંબઈમાં એફઆઈઆર નોંધાવી હતી. આથી પતિએ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. જેની સુનાવણી દરમિયાન, પતિ અને તેના પરિવારે કહ્યું કે તેમને ગુનામાં ખોટી રીતે ફસાવવામાં આવી રહ્યા છે અને દહેજની કોઈ માંગણી નથી.
તેઓએ કોર્ટને જણાવ્યું કે, પતિએ પણ મહિલા વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો અને તેના દ્વારા આરોપ લગાવેલા પરિવારના કેટલાક સભ્યોએ જણાવ્યું હતું કે તેઓ રત્નાગિરીમાં રહે છે અને માત્ર બે દિવસ માટે દંપતી સાથે રહેવા આવ્યા હતા. પરિવારના અન્ય સભ્યએ કહ્યું કે તે ગર્ભવતી હતી.
ફરિયાદીએ આરોપીને આગોતરા જામીન અરજીનો વિરોધ કર્યો હતો. જો કે, ન્યાયાધીશે નોંધ્યું હતું કે જ્યારે મહિલાએ દહેજની માંગણી સામે ફરિયાદ કરી હતી, ત્યારે તેણે કહ્યું નહોતું કે માંગ કેટલી હતી. વધુમાં જજે નોંધ્યું હતું કે બળજબરીપૂર્વક શારીરિક સંબંધનો મુદ્દો કાનૂની આધાર નથી. ન્યાયાધીશ ઘરતે કહ્યું, તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે યુવતીને લકવો થયો હતો. જો કે, અરજદારો (પતિ અને પરિવાર) ને તેના માટે જવાબદાર ઠેરવી શકાય નહીં. અરજદારો તપાસ દરમિયાન સહકાર આપવા તૈયાર છે.