નિઠારી કાંડઃ CBI કોર્ટનો મોટો ચુકાદો, આ વ્યક્તિને 14મી વખત ફાંસીની સજા સંભળાવાઇ
સુરેન્દ્ર કોલીને પહેલા 13 કેસમાં ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. આજે પણ સીબીઆઈ કોર્ટે તેને ફાંસીની સજા સંભળાવી હતી.
Nithari case: નોઈડાના ચર્ચાસ્પદ નિઠારી કેસમાં એક છોકરીનું અપહરણ કરી બળાત્કાર ગુજાર્યા બાદ હત્યા કરવાના આરોપી સુરેન્દ્ર કોલીને સીબીઆઈની વિશેષ અદાલતે દોષિત ઠેરવ્યો હતો, જ્યારે મોનિંદર સિંહ પંઢેરને ઈમોરલ ટ્રાફિક એક્ટની કલમ હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે સુરેન્દ્ર કોલીને પહેલા 13 કેસમાં ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. આજે પણ સીબીઆઈ કોર્ટે તેને ફાંસીની સજા સંભળાવી હતી.
મોનિન્દર સિંહ પંઢેરના એડવોકેટ દેવરાજ સિંહે જણાવ્યું હતું કે નિઠારી કાંડના 16મા કેસમાં સ્પેશિયલ સીબીઆઈ જજ રાકેશ કુમાર ત્રિપાઠીની કોર્ટે સુરેન્દ્ર કોલીને અપહરણ, બળાત્કાર, હત્યા અને પુરાવા છૂપાવવા બદલ દોષિત ઠેરવ્યા હતા. મોનિન્દર સિંહ પંઢેરને ઇમોરલ ટ્રાફિક એક્ટની કલમ 3/5 હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યો હતો. નિઠારી કેસમાં અત્યાર સુધીમાં સુરેન્દ્ર કોલીને 14 કેસમાં ફાંસીની સજા સંભળાવવામાં આવી છે.
નોંધનીય છે કે સાત, મે 2006ના રોજ નિઠારીની એક યુવતીને પંઢેર દ્ધારા નોકરી અપાવવાના બહાને બોલાવવામાં આવી હતી. બાદમાં યુવતી ઘરે પરત ફરી નહોતી. યુવતીના પિતાએ નોઈડાના સેક્ટર 20 પોલીસ સ્ટેશનમાં ગુમ થવાનો કેસ નોંધાવ્યો હતો. આ પછી 29 ડિસેમ્બર 2006ના રોજ પોલીસને નિઠારીમાં મોનિન્દર સિંહ પંઢેરની કોઠી પાછળના નાળામાંથી 19 બાળકો અને મહિલાઓના હાડપિંજર મળ્યા હતા. પોલીસે મોનિન્દર સિંહ પંઢેર અને તેના નોકર સુરેન્દ્ર કોલીની ધરપકડ કરી હતી. બાદમાં નિઠારી કાંડ સાથે જોડાયેલા તમામ કેસ સીબીઆઈને ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. સીબીઆઈએ બાળકીના અપહરણ, બળાત્કાર અને હત્યા કેસમાં સુરેન્દ્ર કોલી અને મોનિન્દર સિંહ પંઢેર વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી.
નિઠારી કેસમાં સીબીઆઈ દ્વારા કુલ 16 કેસ નોંધવામાં આવ્યા હતા. તમામ કેસમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી ચુકી છે. સુરેન્દ્ર કોલીને ભૂતકાળમાં 13 કેસમાં ફાંસીની સજા થઈ છે. નિઠારી કેસના બે કેસમાં કોર્ટે પુરાવાના અભાવે કોલીને નિર્દોષ જાહેર કર્યો છે. સીબીઆઈએ મોનિન્દર સિંહ પંઢેર સામે 6 કેસ નોંધ્યા હતા, જેમાંથી પંઢેરને બે કેસમાં કોર્ટે નિર્દોષ જાહેર કર્યા હતા. ત્રણ કેસમાં કોર્ટે પંઢેરને ફાંસીની સજા ફટકારી હતી.
અન્ય એક કેસમાં હાઇકોર્ટે સુનાવણી બાદ પંઢેરને નિર્દોષ જાહેર કર્યો હતો. હાઈકોર્ટમાં બે કેસ પેન્ડિંગ છે. ગાઝિયાબાદ સીબીઆઈ કોર્ટે મોનિંદર સિંહ પંઢેરને ઇમોરલ કાયદાની કલમ 3 હેઠળ 2 વર્ષની અને કલમ 5 હેઠળ 7 વર્ષની સજા ફટકારી છે. સીબીઆઈ કોર્ટે સુરેન્દ્ર કોલીને કલમ 376માં આજીવન કેદ અને 364માં આજીવન કેદ, 302માં ફાંસીની સજા અને કલમ 201માં 7 વર્ષની સજા ફટકારી છે