ભારતીય સેનાનો મોટો પ્રહાર: 'ઓપરેશન સિંદૂર'માં ૧૦૦થી વધુ આતંકવાદીઓનો સફાયો, DGMO એ નામ પણ જણાવ્યા!
પહેલગામ હુમલાના બદલામાં ભારતીય સશસ્ત્ર દળોની કાર્યવાહી, યુસુફ અઝહર, અબ્દુલ મલિક રૌફ અને મુદાસિર અહેમદ જેવા કુખ્યાત આતંકવાદીઓ ઠાર; ૪ થી ૧૦ મે દરમિયાન પાકિસ્તાની સેનાના ૩૫ થી ૪૦ જવાનો પણ માર્યા ગયા.

Operation Sindoor terrorists killed: ભારત અને પાકિસ્તાન વચ્ચેના તાજેતરના સંઘર્ષ બાદ, ભારતીય સેનાએ પાકિસ્તાનને થયેલા નુકસાનનો આંકડો જાહેર કર્યો છે. ભારતીય સેનાના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (DGMO) લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈએ જણાવ્યું કે, ભારતીય કાર્યવાહીમાં પાકિસ્તાની સેનાને નોંધપાત્ર જાનહાનિ અને માળખાકીય નુકસાન થયું છે.
પહેલગામમાં ૨૬ નિર્દોષ પ્રવાસીઓની ક્રૂર હત્યા બાદ સમગ્ર દેશમાં વ્યાપેલા ગુસ્સા અને આતંકવાદ સામે રાષ્ટ્રીય જવાબ આપવાના સંકલ્પ સાથે ભારતીય સશસ્ત્ર દળોએ 'ઓપરેશન સિંદૂર' હાથ ધર્યું હતું. આ ઓપરેશન હેઠળ પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ પર કરવામાં આવેલા હુમલાઓમાં થયેલા વિનાશની વિગતો આજે ભારતીય સેનાના ડીજીએમઓ લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈએ એક પ્રેસ કોન્ફરન્સમાં જાહેર કરી હતી. આ પત્રકાર પરિષદમાં ડીજી એર ઓપરેશન્સ એર માર્શલ અવધેશ કુમાર ભારતી અને ડીજી નેવલ ઓપરેશન્સ એએન પ્રમોદ પણ ઉપસ્થિત રહ્યા હતા.
ડીજીએમઓ લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈએ જણાવ્યું હતું કે, "આતંકવાદીઓના આ ક્રૂર કૃત્યથી સમગ્ર દેશમાં ગુસ્સો છે અને સમય આવી ગયો છે કે આપણે એક રાષ્ટ્ર તરીકે તેમનો જવાબ આપવો જોઈએ." તેમણે સ્પષ્ટ કર્યું કે આતંકવાદીઓ અને તેમના ઠેકાણાઓનો નાશ કરવાના સ્પષ્ટ ઉદ્દેશ્ય સાથે 'ઓપરેશન સિંદૂર' શરૂ કરવામાં આવ્યું હતું.
૧૦૦થી વધુ આતંકવાદીઓનો સફાયો, મોટા આકાઓ પણ ઠાર
ડીજીએમઓએ જણાવ્યું હતું કે 'ઓપરેશન સિંદૂર' હેઠળ પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ પર થયેલા હુમલામાં લગભગ ૧૦૦થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, ઠાર કરાયેલા આતંકવાદીઓમાં યુસુફ અઝહર, અબ્દુલ મલિક રૌફ અને મુદાસિર અહેમદ જેવા કુખ્યાત આતંકવાદીઓનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત, ૪ થી ૧૦ મે દરમિયાન નિયંત્રણ રેખા (LoC) પર યુદ્ધવિરામના ઉલ્લંઘન બાદ થયેલા ગોળીબારમાં ૩૫ થી ૪૦ પાકિસ્તાની સેનાના જવાનો પણ માર્યા ગયા હોવાની માહિતી તેમણે આપી હતી.
ઓપરેશન સિંદૂર યથાવત, લક્ષ્ય પ્રાપ્ત
'ઓપરેશન સિંદૂર' અંગે ભારતીય સેનાના ડીજીએમઓએ કહ્યું કે, "અમે અમારું લક્ષ્ય અને ઉદ્દેશ્ય પ્રાપ્ત કરી લીધા છે." તેમણે સ્પષ્ટ કર્યું કે આતંકવાદીઓના ઠેકાણાઓ સામે કાર્યવાહી કરવા માટે 'ઓપરેશન સિંદૂર' હજુ પણ ચાલુ રહેશે. ડીજીએમઓએ જણાવ્યું હતું કે ૭ મેના રોજ સવારે આતંકવાદી ઠેકાણાઓનો નાશ થયા પછી, રાત્રે પાકિસ્તાન દ્વારા ડ્રોન હુમલાઓ શરૂ કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં, આ ક્રમ ૮ મે અને ૯ મેના રોજ પણ ચાલુ રહ્યો. દરેક વખતે ભારતીય સેના દ્વારા પાકિસ્તાનને કડક જવાબ આપવામાં આવતો હતો. ડીજીએમઓએ વિશેષ રૂપે જણાવ્યું હતું કે ૯-૧૦ મેની રાત્રે પાકિસ્તાનને સૌથી વધુ નુકસાન થયું હતું. આ સમયગાળા દરમિયાન, ભારતીય સેનાએ પાકિસ્તાની સેનાના ઘણા ઠેકાણાઓને પણ નિશાન બનાવ્યા હતા, જે દર્શાવે છે કે ભારતીય સેના કોઈપણ ઉશ્કેરણીનો મજબૂત અને નિર્ણાયક જવાબ આપવા માટે સક્ષમ છે.





















