'ઓપરેશન સિંદૂર' પર PM મોદીએ ભાજપના નેતાઓને ઝાટક્યા, જાણો શું ન કરવાની આપી સલાહ
મધ્યપ્રદેશ-હરિયાણાના નેતાઓની ટિપ્પણીથી વિવાદ, કોંગ્રેસે માફીની માંગ કરી; ખડગે-રમેશે ભાજપની 'તુચ્છ માનસિકતા' પર કર્યા પ્રહાર.

PM Modi advice to BJP leaders: 'ઓપરેશન સિંદૂર' અંગે ભાજપના નેતાઓ દ્વારા કરવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનોથી પાર્ટીની છબીને થયેલા નુકસાનને ધ્યાનમાં રાખીને, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કડક સૂચના આપી છે. તેમણે નેતાઓને પોતાની વાણી પર નિયંત્રણ રાખવા અને બિનજરૂરી ટિપ્પણીઓ ટાળવાની સલાહ આપી છે. વિપક્ષ, ખાસ કરીને કોંગ્રેસે, આ મુદ્દે ભાજપ અને વડાપ્રધાન પર આકરા પ્રહારો કર્યા છે અને માફીની માંગ પણ કરી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'ઓપરેશન સિંદૂર' અંગે બિનજરૂરી નિવેદનો આપીને પાર્ટીની છબી ખરાબ કરી રહેલા ભાજપના નેતાઓને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે. તેમણે NDA CM કોન્ક્લેવ દરમિયાન જણાવ્યું હતું કે, નેતાઓએ પોતાની વાણી પર સંયમ રાખવો જોઈએ અને આવા મુદ્દાઓ પર ક્યાંય પણ કંઈપણ કહેવાનું ટાળવું જોઈએ. આ સૂચના એવા સમયે આવી છે જ્યારે તાજેતરમાં મધ્યપ્રદેશ અને હરિયાણાના ભાજપના નેતાઓએ આ મુદ્દે નિંદનીય ટિપ્પણીઓ કરીને પાર્ટીને વિવાદમાં લાવી દીધી છે.
વિપક્ષના આકરા પ્રહારો
ભાજપના નેતાઓના આ નિવેદનો પર વિપક્ષ આક્રમક બન્યો છે. કોંગ્રેસે આ મામલે વડાપ્રધાન મોદી પાસેથી માફી માંગવાની માંગ કરી છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ દાવો કર્યો હતો કે, ભાજપના નેતાઓ પહેલગામ પીડિતો અને સશસ્ત્ર દળોને બદનામ કરવા માટે એકબીજા સાથે સ્પર્ધા કરી રહ્યા છે.
ખડગેએ જણાવ્યું હતું કે, "પહલગામના પીડિતો અને આપણી બહાદુર સેનાને બદનામ કરવાની ભાજપના નેતાઓમાં સ્પર્ધા ચાલી રહી છે. ભાજપના રાજ્યસભા સાંસદ રામચંદ્ર જાંગરાના શરમજનક નિવેદનથી ફરી એકવાર RSS-BJPની તુચ્છ માનસિકતા છતી થઈ છે. મધ્યપ્રદેશના નાયબ મુખ્યમંત્રી જગદીશ દેવડાએ આપણી બહાદુર સેનાનું અપમાન કર્યું, પરંતુ મોદીજીએ કોઈ કાર્યવાહી કરી નહીં. મધ્યપ્રદેશના મંત્રી વિજય શાહે આપણા બહાદુર કર્નલ પર અભદ્ર ટિપ્પણીઓ કરી, પરંતુ આજ સુધી તેમને બરતરફ કરવામાં આવ્યા નથી."
ખડગેએ વધુમાં ઉમેર્યું, "જ્યારે પહેલગામમાં શહીદ નૌકાદળ અધિકારીની પત્નીને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહી હતી, ત્યારે પણ મોદીજી ચૂપ હતા. નરેન્દ્ર મોદીજી, તમે કહો છો કે તમારી નસોમાં સિંદૂર છે... જો એવું હોય, તો તમારે મહિલાઓના સન્માન માટે તમારા આ ખરાબ બોલતા નેતાઓને બરતરફ કરવા જોઈએ!"
જયરામ રમેશનું નિશાન
કોંગ્રેસના નેતા જયરામ રમેશે પણ આ મુદ્દે ભાજપ પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું, "જાંગરાનું આ શરમજનક નિવેદન દર્શાવે છે કે સત્તાના નશામાં ધૂત ભાજપ એટલી અસંવેદનશીલ બની ગઈ છે કે પહેલગામમાં સુરક્ષામાં ખામી માટે દોષારોપણ કરવાને બદલે... ભાજપના સાંસદો શહીદો અને તેમની પત્નીઓ પર પ્રશ્નો ઉઠાવી રહ્યા છે." રમેશે વડાપ્રધાન મોદી અને ભાજપ નેતૃત્વના મૌનને આ નિવેદનોની મૌન મંજૂરી ગણાવવાની વાત કરી અને સ્પષ્ટ માંગ કરી કે, વડાપ્રધાન મોદી આ શરમજનક નિવેદન માટે માફી માંગે અને સાંસદ રામચંદ્ર જાંગરાને પાર્ટીમાંથી હાંકી કાઢે.





















