(Source: ECI/ABP News/ABP Majha)
Agnipath Scheme: અગ્નિપથ યોજનાના વિરોધ વચ્ચે ત્રણેય સેના પ્રમુખને મળ્યા PM મોદી, યોજના પર થઈ ચર્ચા
આજે પ્રધાનમંત્રી મોદીએ ત્રણેય સેનાના પ્રમુખ સાથે અલગ-અલગ બેઠક કરી હતી. પ્રધાનમંત્રી આવાસ પર યોજાયેલી આ બેઠકમાં અગ્નિપથ યોજનાને લઈ ચર્ચા કરવામાં આવી હતી.
Agnipath Protest: સેનામાં ભરતી માટે લાવવામાં આવેલી કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજના વિવાદોમાં ફસાઈ ગઈ છે. દેશના ઘણા રાજ્યોમાં આ યોજનાને લઈ યુવાનો પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે આજે પ્રધાનમંત્રી મોદીએ ત્રણેય સેનાના પ્રમુખ સાથે અલગ-અલગ બેઠક કરી હતી. પ્રધાનમંત્રી આવાસ પર યોજાયેલી આ બેઠકમાં અગ્નિપથ યોજનાને લઈ ચર્ચા કરવામાં આવી હતી.
ત્રણેય સેનાના પ્રમુખ સાથે અલગ-અલગ બેઠકઃ
પ્રધાનમંત્રી આવાસ પર થયેલી આ બેઠકોમાં ભારતીય સેનાની ત્રણેય પાંખોના વડાઓએ પ્રધાનમંત્રી મોદી સાથે યોજના વિશે ચર્ચા કરી હતી. થલસેના પ્રમુખ જનરલ મનોજ પાંડે, નૌસેના પ્રમુખ એડમિરલ આર. હરિ કુમાર અને વાયુસેના પ્રમુખ એયર ચીફ માર્શલ વી. આર. ચૌધરી સાથે પ્રધાનમંત્રીએ અલગ-અલગ બેઠક કરી હતી. સૌથી પહેલાં નૌસેના પ્રમુખ એડમિરલ આર. હરિ કુમાર પીએમ આવાસ પહોંચ્યા હતા. નૌસેના પ્રમુખ સાથે મુલાકાત પુરી થયા બાદ વાયુસેના પ્રમુખ એયર ચીફ માર્શલ વી.આર. ચૌધરીએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી અને અંતમાં થલસેના પ્રમુખ જનરલ મનોજ પાંડે સાથે પીએમ મોદીએ મુલાકાત કરી હતી.
આ ત્રણેય મીટિંગ સીન્યોરીટી એટલે કે વરિષ્ઠતાના ક્રમ મુજબ થઈ હતી. ત્રણેય સેના પ્રમુખોમાં એડમિરલ આર. હરિ કુમાર સૌથી સિનિયર છે. મહત્વનું છે કે, પ્રધાનમંત્રી મોદીએ આ ત્રણેય સેના પ્રમુખો સાથે 30-30 મિનીટ સુધી ચર્ચા કરી હતી. ઉલ્લેખનીય છે કે, અગ્નિપથ સૈન્ય ભરતી યોજનાની જાહેરાત 14 જૂનના રોજ થઈ હતી અને ત્યાર બાદ દેશના ઘણા ભાગોમાં યોજનાના વિરોધમાં પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. કેટલીક જગ્યાએ આ પ્રદર્શનોએ હિંસક સ્વરુપ ધારણ કર્યું હતું અને પ્રદર્શનકારીઓએ ટ્રેનો અને બસોમાં આગ પણ લગાવી હતી.
પ્રધાનમંત્રી સાથે બેઠક કર્યા પહેલાં સેનાની ત્રણેય પાંખોના પ્રમુખોએ અગ્નિપથ યોજના અને અગ્નિવીરોની ભરતી પ્રક્રિયાને લઈને સમુહમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન અધિકારીઓએ કહ્યું હતું કે, સેના નોકરી માટે નહી પણ જુનૂન અને જજ્બાત માટે છે.