PM Modi: પીએમ મોદી ક્યારે જશે મહાકુંભ ? આવી ગઇ તારીખ, અમિત શાહ પણ લગાવશે સંગમમાં ડુબકી
Prayagraj Maha Kumbh 2025: યોગી કેબિનેટની બેઠક 22 જાન્યુઆરીએ પ્રયાગરાજમાં મહાકુંભ દરમિયાન યોજાશે. આ પછી, 27 જાન્યુઆરીએ ગૃહમંત્રી અમિત શાહ મહાકુંભમાં ભાગ લેશે

Prayagraj Maha Kumbh 2025: પ્રયાગરાજમાં અત્યારે હિન્દુઓનું સૌથી મોટુ પર્વ ચાલી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 ફેબ્રુઆરીએ પ્રયાગરાજની મુલાકાત લઈ શકે છે. તેમની સંભવિત મુલાકાત દરમિયાન તેઓ ઘણી મહત્વપૂર્ણ સરકારી યોજનાઓની સમીક્ષા કરે અને કાર્યક્રમોમાં ભાગ લે તેવી શક્યતા છે. પ્રધાનમંત્રીની આ મુલાકાત દરમિયાન સંગમ વિસ્તાર અને આસપાસના વિસ્તારોમાં સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. વહીવટીતંત્રે અધિકારીઓને બધી તૈયારીઓ સમયસર પૂર્ણ કરવા સૂચના આપી છે.
યોગી કેબિનેટની બેઠક 22 જાન્યુઆરીએ પ્રયાગરાજમાં મહાકુંભ દરમિયાન યોજાશે. આ પછી, 27 જાન્યુઆરીએ ગૃહમંત્રી અમિત શાહ મહાકુંભમાં ભાગ લેશે. તેમના કાર્યક્રમનું સમયપત્રક બહાર પાડવામાં આવ્યું છે, જેમાં સંગમ સ્નાન, ગંગા પૂજા અને અધિકારીઓ સાથે મુલાકાતનો સમાવેશ થાય છે. ગૃહમંત્રીના આગમનને ધ્યાનમાં રાખીને પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. શહેરના મુખ્ય ચોક અને કાર્યક્રમ સ્થળો પર ખાસ દેખરેખ રાખવામાં આવી રહી છે.
ઉપરાષ્ટ્રપતિ અને રાષ્ટ્રપતિનો કાર્યક્રમ
ઉપરાષ્ટ્રપતિ ૧ ફેબ્રુઆરીના રોજ પ્રયાગરાજના સંગમમાં પવિત્ર સ્નાન કરે તેવી શક્યતા છે. આ સાથે મહામહિમ રાષ્ટ્રપતિ ૧૦ ફેબ્રુઆરીએ પ્રયાગરાજની મુલાકાત લે તેવી શક્યતા છે. રાષ્ટ્રપતિની મુલાકાત દરમિયાન તેઓ શહેરમાં આયોજિત કેટલાક મોટા કાર્યક્રમોમાં હાજરી આપી શકે છે. આ ઉચ્ચ કક્ષાના નેતાઓના આગમનને કારણે વહીવટી અને સુરક્ષા તૈયારીઓ ઉચ્ચતમ સ્તર સુધી વધારી દેવામાં આવી છે.
સુરક્ષા વ્યવસ્થા પર વિશેષ જોર
પ્રતિષ્ઠિત વ્યક્તિઓની મુલાકાતને ધ્યાનમાં રાખીને ઉત્તરપ્રદેશ પોલીસે સુરક્ષા વ્યવસ્થા કડક બનાવી છે. મહત્વપૂર્ણ સ્થળોએ સુરક્ષા દળોની તૈનાતી વધારી દેવામાં આવી છે. ખાસ સુરક્ષા ટીમો સક્રિય કરવામાં આવી છે. ડ્રોન અને સીસીટીવી કેમેરા દ્વારા દેખરેખ રાખવામાં આવી રહી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે સુરક્ષાના દરેક પાસાં પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. વહીવટીતંત્રે સામાન્ય લોકોને સહકાર આપવા અને સલામતી પ્રોટોકોલનું પાલન કરવાની પણ અપીલ કરી છે.
કુંભ મેળામાં સ્નાન કરવાથી પાપોથી મુક્તિ મળે છે
મહત્વનું છે કે, મહાકુંભ મેળાનો પ્રારંભ 13 જાન્યુઆરી, 2025 થી થયો છે, અને જેની સમાપ્તિ 26 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રીના દિવસે થશે. ભારતમાં મહા કુંભમેળો દર 12 વર્ષે એકવાર યોજવામાં આવે છે. જે ભારતના ચાર પ્રાચીન શહેરો, હરિદ્વાર, નાસિક, પ્રયાગરાજ અને ઉજ્જૈનમાં આયોજિત થાય છે. આ સંગમના પવિત્ર પાણીમાં ડૂબકી લગાવવાનો અને પૂજા કરવાનો સૌથી મોટો અવસર છે. એવું માનવામાં આવે છે કે કુંભ મેળામાં સ્નાન કરવાથી પાપોથી મુક્તિ મળે છે.
જેમાં એક માન્યતા મુજબ સમુદ્ર મંથનમાંથી મળેલા અમૃતને મેળવવા માટે દેવતાઓ અને દાનવો વચ્ચે 12 વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું. આ યુદ્ધ દરમિયાન જ્યાં ઘડામાંથી અમૃતના ટીપા પડ્યા હતા ત્યાં કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે. 12 વર્ષ સુધી ચાલેલા યુદ્ધને કારણે કુંભ દર 12 વર્ષે એક વાર આવે છે. મહાકુંભના સ્નાનને શાહી સ્નાન તરીકે ઓળખવામાં આવે છે.
આ પણ વાંચો
Mahakumbh 2025: કેવી રીતે કરવામાં આવ્યું 13 અખાડાઓનું નિર્માણ ? જાણો ઉદેશ્યથી લઇને ઇતિહાસ
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
