Punjab: સરહદે હલચલ તેજ-જવાનોના ધાડા ઉતારાયા-ગામડાઓના રસ્તાઓ સીલ, જાણો કેમ?
વિવાદાસ્પદ ખાલિસ્તાન સમર્થન અમૃતપાલ સિંહને ઝડપી પાડવા પોલીસ ભારે મથામણ કરી રહી છે. પરંતુ હજી સુધી તે પોલીસની પકડથી દૂર છે.
India-Pakistan Border in Punjab : વિવાદાસ્પદ ખાલિસ્તાન સમર્થન અમૃતપાલ સિંહને ઝડપી પાડવા પોલીસ ભારે મથામણ કરી રહી છે. પરંતુ હજી સુધી તે પોલીસની પકડથી દૂર છે. હવે અમૃતપાલ સિંહને લઈને દેશની સરહદ પણ હલચલ વધી જવા પામી છે. બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ) અને સૈન્ય પણ સાબદુ બની ગયું છે. આ અગાઉ અમૃતપાલ સિંહના 6 સાથીદારોને પંજાબથી અન્યત્ર લઈ જવા માટે ભારતીય વાયુદળના પ્લેનની મદદ લેવામાં આવી હતી. આમ અમૃતપાલના કારણે એસફોર્સ બાદ હવે સૈન્ય અને સુરક્ષા દળો પણ સાબદા બન્યા છે. સરહદે જવાનોની સંખ્યા વધારી દેવામાં આવી છે.
અમૃતપાલ સિંહને લઈને આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે, તે દેશની સરહદ ઓળંગીને પાકિસ્તાન જવાની ફિરાકમાં હોઈ શકે છે. તેથી પોલીસે પંજાબના ગામડાઓથી ભારત-પાકિસ્તાન સરહદ તરફ જતા તમામ રસ્તાઓને સીલ કરી દેવામાં આવ્યા છે. સરહદને અડીને આવેલા ગામોના ગ્રામજનોને એવી પણ અપીલ કરવામાં આવી છે કે, જો ગામડાઓમાં કોઈ બહારની વ્યક્તિ દેખાય તો તેઓ તાત્કાલિક બીએસએફ અને પોલીસ અધિકારીઓને જાણ કરવામાં આવે. હુસૈનીવાલા બોર્ડર, મમદોટ અને ફાઝિલ્કા ઉપરાંત અમૃતસર બોર્ડર પર સુરક્ષા જવાનો તૈનાત છે.
પંજાબમાં અમૃતપાલ અને તેના સહયોગીઓ પરની કાર્યવાહી વચ્ચે ભારત-પાકિસ્તાન સરહદ પર અચાનક જ જવાનોની સંખ્યામાં વધારો કરીને પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. ગુપ્તચર એજન્સીઓએ ખુલાસો કર્યો છે કે, અમૃતપાલના પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISI સાથે સંબંધો છે. તેને ધ્યાનમાં રાખીને પંજાબમાં આંતરરાષ્ટ્રીય સરહદે સતર્કતા વધારી દેવામાં આવી છે. જાહેર છે કે, પંજાબથી પાકિસ્તાન સાથે 550 કિલોમીટર લાંબી સરહદ છે. બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ના જવાનો વાહનો અને ઘોડાઓ દ્વારા ફેન્સિંગ સાથે પેટ્રોલિંગ કરી રહ્યા છે.
તો બીજી બાજુ અમૃતપાલ વિરુદ્ધ રાજ્યમાં પોલીસ દ્વારા ઓપરેશન ચાલી રહ્યું છે. અનેક જિલ્લાઓમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. અમૃતપાલ પોલીસને ચકમો આપીને ભાગી ગયો છે. આ સ્થિતિમાં અમૃતપાલ સરહદ પાર કરીને પાકિસ્તાન ભાગી જાય તેવી શક્યતા છે. આ જ કારણ છે કે, પંજાબને અડીને આવેલી 550 કિલોમીટર લાંબી ભારત-પાકિસ્તાન સરહદ પર BSF જવાનોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. સરહદ પર દિવસ-રાત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસે બોર્ડર તરફ જતા તમામ રસ્તાઓ પણ સીલ કરી દીધા છે. સરહદને અડીને આવેલા ગામોના ગ્રામજનોને એવી પણ અપીલ કરવામાં આવી છે કે જો ગામડાઓમાં કોઈ બહારની વ્યક્તિ દેખાય તો તેઓ તાત્કાલિક બીએસએફ અને પોલીસ અધિકારીઓને જાણ કરે.
બીજી તરફ ગુપ્તચર એજન્સીઓના જણાવ્યા અનુસાર અમૃતપાલના સમર્થકોના ઈતિહાસની તપાસ કરવામાં આવી રહી છે. પંજાબ પોલીસ ગુંડાઓ અને ગુનેગારો પર પણ ચાંપતી નજર રાખી રહી છે કારણ કે, આ લોકો પાકિસ્તાનમાં બેઠેલા ISI અને આતંકવાદીઓના સંપર્કમાં પણ છે. પોલીસ સતત ફ્લેગ માર્ચ કરી રહી છે. લોકોને શાંતિ જાળવવા માટે પણ અપીલ કરવામાં આવી રહી છે. પોલીસે લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવાની અપીલ કરવામાં આવી રહી છે. સાથો સાથ સરહદે પણ હલચલ વધી જતા અમૃતપાલની ધરપકડ કેટલી મહત્વની છે તે સમજી શકાય છે.