(Source: ECI/ABP News/ABP Majha)
Rajya Sabha Election: રાજ્યસભાની તમામ 11 બેઠકોના ઉમેદવાર બિનહરીફ ચૂંટાશે, TMCના 6 અને ભાજપના 5 ઉમેદવારો જીતશે
પશ્ચિમ બંગાળના કૂચબિહારના અનંત મહારાજ ભાજપના ઉમેદવાર તરીકે બિનહરીફ જીત્યા છે.
નવી દિલ્હી: આ મહિને યોજાનારી રાજ્યસભાની ચૂંટણીમાં 11 ઉમેદવારો બિનહરીફ ચૂંટાશે, જેમાં વિદેશ મંત્રી એસ. જયશંકર અને તૃણમૂલ કોંગ્રેસના ડેરેક ઓ બ્રાયનનો સમાવેશ થાય છે. પશ્ચિમ બંગાળની છ, ગુજરાતની ત્રણ અને ગોવાની એક બેઠક પર મતદાનની જરૂર નથી. પશ્ચિમ બંગાળમાં રાજ્યસભાની એક બેઠક માટે પેટાચૂંટણીમાં મતદાન થશે નહીં. વિદેશ મંત્રી એસ જયશંકર, ટીએમસી નેતા ડેરેક ઓ બ્રાયન સહિત તમામ ઉમેદવારો જીત્યા છે. રાજ્યસભા માટે 24 જુલાઈએ મતદાન થવાનું હતું.
11 બેઠકોમાંથી ટીએમસીના છ અને ભાજપના પાંચ ઉમેદવારોએ જીત મેળવી છે. આ સાથે રાજ્યસભામાં ભાજપની એક સીટ વધી છે. હવે રાજ્યસભામાં ભાજપ પાસે 93 બેઠકો છે.
પશ્ચિમ બંગાળના કૂચબિહારના અનંત મહારાજ ભાજપના ઉમેદવાર તરીકે બિનહરીફ જીત્યા છે. ટીએમસીના ડેરેક ઓ'બ્રાયન, સુખેન્દુ શેખર રોય અને ડોલા સેને ફરીથી ઉપલા ગૃહમાં ટીએમસી તરફથી તેમની બેઠકો મેળવી લીધી છે. આ સિવાય અન્ય ઉમેદવારો સાકેત ગોખેલ, સમીરુલ ઈસ્લામ, પ્રકાશ ચિક બદાઈક ટીએમસીમાંથી રાજ્યસભામાં જઈ રહ્યા છે.
હવે કોંગ્રેસની રાજ્યસભામાં એક બેઠક ઘટી છે. આ સાથે જ ભાજપની એક સીટ વધી છે. ભાજપ અને સહયોગીઓની બેઠકો મળીને 105 થશે. ભાજપને પાંચ નામાંકિત અને બે અપક્ષ સાંસદોનું સમર્થન મળશે તે પણ નિશ્ચિત છે. આ રીતે સરકારની તરફેણમાં 112 સાંસદો છે, જે બહુમતીના આંકડાથી 11 દૂર છે. સરકારને બહુજન સમાજ પાર્ટી, જેડીએસ અને ટીડીપીના એક-એક સાંસદના સમર્થનની પણ અપેક્ષા છે. તે જ સમયે, દિલ્હી વટહુકમનો વિરોધ કરી રહેલા 105 પક્ષો છે. આવી સ્થિતિમાં સરકારને BJD અને YSRCPની મદદની જરૂર પડશે. આ બંને પક્ષો પાસે 9-9 સાંસદો છે. બીજેડીએ કહ્યું છે કે જ્યારે બિલ ચર્ચા અને મતદાન માટે આવશે ત્યારે તે ગૃહમાં જ નિર્ણય લેશે. YSRCPએ પણ હજુ સુધી તેના પત્તા ખોલ્યા નથી.
રાજ્યસભામાં ગુજરાતમાંથી ભાજપના ત્રણેય ઉમેદવારોની બિનહરીફ જીત થઇ છે. મળતી જાણકારી અનુસાર, ગુજરાતમાંથી રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસે ઉમેદવારી ન કરતા ત્રણેય ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા હતા. વિદેશ મંત્રી એસ.જયશંકર, વાંકાનેર સ્ટેટના મહારાજા કેસરીદેવસિંહ અને પૂર્વ ધારાસભ્ય બાબુ દેસાઈની બિનહરીફ જીત થઇ હતી. સંસદના સત્રની શરૂઆતમાં ત્રણેય શપથ લેશે. કોગ્રેસે ઉમેદવાર જાહેર ન કરતા હવે ચૂંટણી યોજાશે નહીં.