ભારત આ જગ્યાએ બે વિમાન મોકલીને યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને રેસ્ક્યુ કરશે, જાણો કેન્દ્ર સરકારનું આયોજન
યુક્રેન-રશિયા યુદ્ધ વચ્ચે યુક્રેનમાં ફસાયેલા ભારતીયો માટે એક સારા સમાચાર છે. ભારત સરકારે ભારતીયોને રેસ્ક્યુ કરવા માટે એર ઈન્ડિયાના બે વિમાન મોકલવાનો નિર્ણય કર્યો છે.
Russia Ukraine War: યુક્રેન-રશિયા યુદ્ધ વચ્ચે યુક્રેનમાં ફસાયેલા ભારતીયો માટે એક સારા સમાચાર છે. ભારત સરકારે આ લોકોને રેસ્ક્યુ કરવા માટે એર ઈન્ડિયાના બે વિમાન મોકલવાનો નિર્ણય કર્યો છે. આ બન્ને વિમાન શનિવારે વહેલી સવારે ઉડાન ભરશે. આ વિમાન રોમાનિયાની રાજધાની બુખારેસ્ટના રસ્તાથી લોકોને એરલિફ્ટ કરશે.
યુક્રેન બોર્ડર સુધી પહોંચી બચાવ ટુકડીઃ
આ પહેલાં ભારતીય રેસ્ક્યુ ટીમ રોમાનિયાની બોર્ડર સુધી પહોંચી ગઈ છે જ્યાંથી યુક્રેનની રાજધાની કીવ ફક્ત 12 કલાકની મુસાફરી કરીને પહોંચી શકાય છે. આ ભારતીય રેસ્ક્યુ ટીમ ભારતીય લોકોને બુખારેસ્ટ લઈને આવશે. ત્યાર બાદ આ લોકોને વિમાનમાં બેસાડવામાં આવશે. યુક્રેનમાં હાલ નાગરિકોની ફ્લાઈટો બંધ હોવાથી આ લોકોને બુખારેસ્ટથી ફ્લાઈટમાં ભારત લાવવામાં આવશે.
18 હજાર જેટલા ભારતીયો ફ્સાયાઃ
ઉલ્લેખનીય છે કે, ગુરુવારે વિદેશ રાજ્યમંત્રી વી. મુરલીધરને યુક્રેનમાં ફસાયેલા ભારતીયોના પરિવારોને આશ્વાસન આપ્યું હતું કે, ભારત સરકાર યુક્રેનમાં ફસાયેલા નાગરિકોને ભારત પરત લાવવા માટે યુદ્ધ સ્તર પર કામ કરી રહ્યું છે. યુક્રેનમાં ફ્લાઈટો બંધ હોવાથી વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
ભારતીય દૂતાવાસમાં લીધું શરણઃ
શુક્રવારે ઘણા ભારતીય નાગરિકોએ કીવ સ્થિત ભારતીય દૂતાવાસમાં શરણ લીધું હતું. દૂતાવાસની આસપાસ ગોળીબારી થઈ હોવાના અહેવાલ પણ આવ્યા છે. પરંતુ કોઈ ઈજાગ્રસ્ત થયુ હોવાના સમાચાર નથી આવ્યા. ભારતીય દૂતાવાસ ભારતીય લોકોને શાંત રહેવાની અપીલ કરી રહ્યું છે.
Russia-Ukraine War: યુક્રેનના યુદ્ધ વિસ્તારમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે ઓપરેશન હાથ ધરવામાં આવશે. ભારતીય નાગરિકો યુક્રેનના પડોશી દેશોમાં જમીન માર્ગે પહોંચશે ત્યાર બાદ વિશેષ ફ્લાઈટ ચલાવવામાં આવશે. PM નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં CCSની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણય મુજબ તમામ ભારતીયોને પરત લાવવાની ફ્લાઇટનો ખર્ચ કેન્દ્ર સરકાર ઉઠાવશે.
વિદ્યાર્થીઓને વતનમાં લાવવાનું આ છે આયોજનઃ
આ પહેલા વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રિંગલાએ જણાવ્યું હતું કે, યુક્રેનથી વિદ્યાર્થીઓને પરત લાવવાની યોજના તૈયાર છે. તેમણે યોજના વિશે જણાવતાં કહ્યું કે, જે લોકો રોડ દ્વારા યુક્રેનથી પોલેન્ડ જવા માંગે છે, તો તે 9 કલાકનો રૂટ છે અને વિયેના જવા માટે 12 કલાકનો રૂટ છે, તે રૂટને પણ મેપ કરી દેવામાં આવ્યો છે. લ્વિવ, ચેર્નિવત્સી જેવા માર્ગમાં આવતા સ્થળો પર અમે અમારી ટીમો પણ મોકલી છે જેથી ત્યાંથી નાગરિકોને જે પણ મદદ આપી શકતા હોઈએ તે આપી શકીએ.