'મફત રાશન અને રૂપિયા મળી રહ્યા છે, એટલા માટે લોકો કામ કરવા નથી માંગતા', સુપ્રીમ કોર્ટની ટિપ્પણી
જસ્ટિસ બીઆર ગવઈ અને ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચે એક અરજીની સુનાવણી દરમિયાન આ ટિપ્પણી કરી હતી

સુપ્રીમ કોર્ટે બુધવારે એક કેસની સુનાવણી દરમિયાન રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી દરમિયાન આપવામાં આવતા મફતના વચનો પર નારાજગી વ્યક્ત કરી અને કહ્યું કે જો લોકોને મફતમાં રાશન અને પૈસા મળતા રહેશે તો તેમને કામ કરવાની ઈચ્છા રહેશે નહીં. જસ્ટિસ બીઆર ગવઈ અને ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચે એક અરજીની સુનાવણી દરમિયાન આ ટિપ્પણી કરી હતી. અરજીમાં શહેરી વિસ્તારોમાં બેઘર લોકોને આશ્રય આપવાની માંગ કરવામાં આવી હતી.
SC deprecates practice of announcing freebies prior to elections, says people not willing to work as they get free ration and money
— Press Trust of India (@PTI_News) February 12, 2025
કોર્ટે કહ્યું કે ફ્રીબીઝના કારણે લોકો કામ કરવા માંગતા નથી. લોકોને કોઈ કામ કર્યા વિના પૈસા મળી રહ્યા છે. કોર્ટ શહેરી વિસ્તારોમાં બેઘર લોકો માટે આશ્રયના અધિકાર સંબંધિત અરજીની સુનાવણી કરી રહી હતી. જસ્ટિસ બીઆર ગવઈ અને ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચે જણાવ્યું હતું કે કમનસીબે આ મફત સુવિધાઓને કારણે લોકો કામ કરવાથી દૂર રહે છે. તેમને મફતમાં રાશન મળી રહ્યું છે. કોઈ પણ કામ કર્યા વિના પૈસા મળી રહ્યા છે. અમે લોકો પ્રત્યેની તમારી ચિંતાઓ સમજીએ છીએ પરંતુ શું લોકોને સમાજના મુખ્ય પ્રવાહમાં લાવવા અને તેમને રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપવા દેવાનું વધુ સારું નહીં હોય?
કેન્દ્ર તરફથી હાજર રહેલા એટોર્ની જનરલ આર વેંકટરામણીએ બેન્ચને જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર શહેરી વિસ્તારોમાં ગરીબી નાબૂદીની પ્રક્રિયાને અંતિમ સ્વરૂપ આપી રહી છે. જેમાં શહેરી વિસ્તારોમાં બેઘર લોકોને આશ્રય આપવાની પણ જોગવાઈ હશે. આના પર બેન્ચે તેમને કેન્દ્ર સરકારને પૂછીને એ સ્પષ્ટ કરવા કહ્યું હતું કે આ યોજના કેટલા દિવસમાં લાગુ કરવામાં આવશે. આ પછી સુપ્રીમ કોર્ટે કેસની સુનાવણી છ અઠવાડિયા માટે મુલતવી રાખી હતી.
જસ્ટિસ ગવઈએ કહ્યું કે એમ કહેતા દુઃખ થઇ રહ્યું છે પરંતુ શું બેઘર લોકોને સમાજના મુખ્ય પ્રવાહમાં સામેલ કરવા જોઇએ નહીં. જેથી તેઓ પણ દેશના વિકાસમાં યોગદાન આપી શકે. શું આપણે આ રીતે પરોપજીવીઓનો એક વર્ગ નથી બનાવી રહ્યા? મફત યોજનાઓને કારણે લોકો કામ કરવા માંગતા નથી. તેમને કોઈ કામ કર્યા વિના મફત રાશન મળી રહ્યું છે.





















