પાકિસ્તાનની ફાયરિંગમાં એક સરકારી અધિકારીનું મોત, CM અબ્દુલ્લાએ કહ્યુ- 'મારી પાસે શબ્દ નથી...'
જમ્મુ અને કાશ્મીરના રાજૌરીમાં પાકિસ્તાન તરફથી થયેલા ગોળીબારમાં એક સરકારી અધિકારીનું મોત થયું છે

જમ્મુ અને કાશ્મીરના રાજૌરીમાં પાકિસ્તાન તરફથી થયેલા ગોળીબારમાં એક સરકારી અધિકારીનું મોત થયું છે. મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ આ માહિતી આપી છે. તેમણે ‘એક્સ’ પર પોસ્ટમાં લખ્યું હતું કે "રાજૌરીથી હૃદયદ્રાવક સમાચાર આવ્યા છે. આપણે જમ્મુ અને કાશ્મીર વહીવટી સેવાના એક સમર્પિત અધિકારી ગુમાવ્યા છે. ગઈકાલ સુધી તેઓ નાયબ મુખ્યમંત્રી સાથે જિલ્લાનો પ્રવાસ કરી રહ્યા હતા અને મારા દ્વારા આયોજિત ઓનલાઈન મીટિંગમાં પણ ભાગ લીધો હતો. આજે તેમના નિવાસસ્થાને પાકિસ્તાન તરફથી ગોળીબાર કરવામાં આવ્યો હતો, જેમાં આપણા એડિશનલ જિલ્લા વિકાસ કમિશનર રાજ કુમાર થપ્પા શહીદ થયા હતા. આ દુ:ખદ ઘટના પર શોક વ્યક્ત કરવા માટે મારી પાસે કોઈ શબ્દો નથી. ઇશ્વર તેમના આત્માને શાંતિ આપે."
Devastating news from Rajouri. We have lost a dedicated officer of the J&K Administration Services. Just yesterday he was accompanying the Deputy CM around the district & attended the online meeting I chaired. Today the residence of the officer was hit by Pak shelling as they…
— Omar Abdullah (@OmarAbdullah) May 10, 2025
પાકિસ્તાન તરફથી સતત ગોળીબાર
પાકિસ્તાન તરફથી સતત ગોળીબાર થઈ રહ્યો છે. સરહદે આવેલા જમ્મુ ક્ષેત્રના ઓછામાં ઓછા પાંચ જિલ્લાઓમાંથી લોકોને સુરક્ષિત સ્થળોએ મોકલવામાં આવી રહ્યા છે. પાકિસ્તાને નિયંત્રણ રેખા અને આંતરરાષ્ટ્રીય સરહદ પર સતત ગોળીબાર કર્યો છે, જેના કારણે પૂંછ, માનકોટ, મેંઢર, નૌશેરા, અખનૂર, આર.એસપુરા, અરનિયા, સાંબા અને કઠુઆ અને બીજા ઘણા વિસ્તારોમાં નુકસાન થયું છે. પાકિસ્તાન દ્વારા કરવામાં આવી રહેલા આ ઘૃણાસ્પદ કૃત્ય પર સીએમ ઓમર અબ્દુલ્લાએ કહ્યું, 'ભારત પોતાના લોકો અને પ્રદેશનું સંપૂર્ણ બળ સાથે રક્ષણ કરવાનો અધિકાર ધરાવે છે.
પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરના બારામુલ્લાથી ભુજ સુધીના 26 સ્થળોએ ડ્રોનથી હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. આમાં શંકાસ્પદ સશસ્ત્ર ડ્રોનનો સમાવેશ થાય છે જે નાગરિક અને લશ્કરી લક્ષ્યો માટે સંભવિત ખતરો હતા. ભારતીય એર ડિફેન્સ સિસ્ટમે ફરી એકવાર પાકિસ્તાનના ઇરાદાઓને નિષ્ફળ બનાવ્યા હતા.
આ સ્થળો પર ડ્રોન હુમલાનો નિષ્ફળ પ્રયાસ
પાકિસ્તાને જ્યાં નિષ્ફળ ડ્રોન હુમલા કર્યા તેમાં બારામુલ્લા, શ્રીનગર, અવંતીપોરા, નગરોટા, જમ્મુ, ફિરોઝપુર, પઠાણકોટ, ફાઝિલ્કા, લાલગઢ જટ્ટા, જેસલમેર, બાડમેર, ભુજ, કુઆરબેટ અને લાખી નાલાનો સમાવેશ થાય છે. ફિરોઝપુરમાં એક સશસ્ત્ર ડ્રોન દ્વારા નાગરિક વિસ્તારને નિશાન બનાવવામાં આવ્યો હતો, જેમાં એક સ્થાનિક પરિવારના ત્રણ સભ્યો ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.




















