Tesla Cars in India: અદાર પૂનાવાલાની ટેસ્લાના CEO એલન મસ્કને સલાહ, ભારતમાં રોકાણને લઈ કરી આ વાત
દુનિયાના સૌથી અમીર વ્યક્તિ અને ટેસ્લાના સીઈઓ એલન મસ્કની ભારતમાં કારના ઉત્પાદનને લઈ ઘણા દિવસોથી ચર્ચા ચાલી રહી છે. આ મુદ્દે દેશના પરિવહન મંત્રી નિતિન ગડકરીએ પણ મસ્કને ઓફર આપી હતી.
Adar Poonawalla Advice to Elon Musk: દુનિયાના સૌથી અમીર વ્યક્તિ અને ટેસ્લાના સીઈઓ એલન મસ્કની ભારતમાં કારના ઉત્પાદનને લઈ ઘણા દિવસોથી ચર્ચા ચાલી રહી છે. આ મુદ્દે દેશના પરિવહન મંત્રી નિતિન ગડકરીએ પણ મસ્કને ઓફર આપી હતી. ત્યાર બાદ હવે દુનિયાના સૌથી મોટી રસી ઉત્પાદન કરતી કંપની સીરમ ઈંસ્ટિટ્યુટ ઓફ ઈંડિયા (SII)ના સીઈઓ અદાર પૂનાવાલા તરફથી એલન મસ્કને સલાહ આપવામાં આવી છે.
પૂનાવાલાની એલન મસ્કને બિઝનેસ ટિપઃ
અદાર પૂનાવાલાએ એલન મસ્કને ટેગ કરતાં એક ટ્વીટ કર્યુ છે જેમાં પૂનાવાલએ એલન મસ્કને ટેસ્લાની ઈલેક્ટ્રિક કારોના ઉત્પાદન માટે ભારતમાં રોકાણ કરવાની ઓફર આપી અને સલાહ આપતાં કહ્યું કે, આ રોકાણ તેમનું અત્યાર સુધીનું સૌથી સારું રોકાણ હશે. પૂનાવાલએ લખ્યું. "જો કોઈ સ્થિતિમાં ટ્વિટરને સંપુર્ણ રીતે ખરીદવાનો તમારો સોદો નથી થતો, તો એમાંથી કેટલીક રકમ ટેસ્લા કારોની સારી ગુણવત્તા અને મોટા પ્રમાણમાં ઉત્પાદન માટે ભારતમાં રોકાણ કરવા માટે વિચાર કરો. હું તમને ભરોસો અપાવું છું કે, આ તમારું સર્વશ્રેષ્ઠ રોકાણ હશે."
Hey @elonmusk just in case you don't end up buying @Twitter, do look at investing some of that capital in INDIA for high-quality large-scale manufacturing of @Tesla cars. I assure you this will be the best investment you'll ever make.
— Adar Poonawalla (@adarpoonawalla) May 8, 2022
કેન્દ્રીય પરિવહન મંત્રીએ પણ મસ્કને સલાહ આપી હતીઃ
ઉલ્લેખનીય છે કે, એલન મસ્કે ટ્વિટરને ખરીદવા માટે 44 બિલિયન ડોલરની ડીલ કરી છે. તેમણે અગાઉ ટેસ્લા ઇલેક્ટ્રિક કારના વેચાણ માટે ભારતમાં આયાત ડ્યૂટી ઘટાડવાની માંગ કરી હતી, પરંતુ સરકાર સ્થાનિક ઉત્પાદન પર ભાર આપી રહી છે. ગયા મહિને કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું હતું કે, ટેસ્લા ભારતમાં ઇલેક્ટ્રિક કાર બનાવવા માટે તૈયાર હોય તો કોઈ સમસ્યા નથી, પરંતુ કંપનીએ ચીનમાંથી કાર આયાત ના કરવી જોઈએ નહીં.
મસ્કે ગયા વર્ષે ઑગસ્ટમાં કહ્યું હતું કે, ટેસ્લા ભારતમાં કારનું ઉત્પાદન એકમ સ્થાપી શકે છે જો ભારતમાં આયાત કરાયેલા વાહનો (ઈલેક્ટ્રિક કાર) દ્વારા સફળતા મળે. તેમણે કહ્યું હતું કે, ટેસ્લા ભારતમાં તેના વાહનો લોન્ચ કરવા માંગે છે પરંતુ અહીં આયાત ડ્યુટી અન્ય મોટા દેશની સરખામણીમાં સૌથી વધુ છે. દેશમાં સંપૂર્ણ આયાત કરાયેલી કાર પર કિંમત, વીમો અને નૂર (માલ ભાડું) સહિત 100% આયાત જકાત (ઈમ્પોર્ટ ડ્યુટી) લાગે છે. જો કે તે આ અંગે સરકાર સાથે વાતચીત કરી શકે છે.