Sukhdev Singh Gogamedi Murder: કરણી સેનાના અધ્યક્ષની હત્યા મામલે બેની કરાઇ ધરપકડ, માર્યા ગયેલા સાથીના ફોનમાંથી મળ્યા પુરાવા
પોલીસે આ વાતનો ખુલાસો કર્યો નથી પરંતુ હત્યારાઓ સાથે આવેલા નવીનના મોબાઈલ ફોનમાંથી માહિતી મળી હતી.
Sukhdev Singh Gogamedi Murder: પોલીસે કરણી સેના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા કેસમાં હરિયાણામાંથી બે લોકોની ધરપકડ કરી છે. પોલીસે આ વાતનો ખુલાસો કર્યો નથી પરંતુ હત્યારાઓ સાથે આવેલા નવીનના મોબાઈલ ફોનમાંથી માહિતી મળી હતી. કહેવામાં આવી રહ્યું છે કે હત્યાનો આરોપી નવીનને પોતાની સાથે ગોગામેડીના ઘરે લઈ ગયો હતો. નવીનના મોત બાદ પોલીસે તેના પરિવારજનો પાસેથી માહિતી લઈને કાર્યવાહી હાથ ધરી હતી.
રાજસ્થાનના જયપુરમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવસિંહ ગોગામેડીની હત્યામાં પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. હત્યામાં સામેલ બે આરોપીઓની હરિયાણાથી પોલીસે ધરપકડ કરી લીધી હતી. ધરપકડ કરાયેલા રોહિત અને નીતિન નામના બે આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. ગોગામેડીની હત્યા બાદ સમર્થકોએ આરોપીઓની ધરપકડની માંગ સાથે જયપુર હોસ્પિટલની બહાર જામ કરી દીધો છે.
સુખદેવસિંહની હત્યાના સમાચાર મળતા જ તેમના સમર્થકો અને રાજપૂત સમાજના આગેવાનો તેમના ઘર અને હોસ્પિટલ પહોંચવા લાગ્યા હતા. જયપુરના માનસરોવર વિસ્તાર કે જ્યાં સુખદેવસિંહના પાર્થિવ દેહને રાખવામાં આવ્યો છે. ત્યાં અને હોસ્પિટલની બહાર મોટી સંખ્યામાં સમર્થકો, સમાજના આગેવાનો અને અલગ અલગ રાજકીય પક્ષો સાથે જોડાયેલા નેતાઓ પણ પહોંચ્યા હતા. હત્યાના પડધા સમગ્ર રાજસ્થાનમાં પડ્યા છે. જયપુરની સાથે ચુરૂ, ઉદયપુર, અલવર અને જોધપુરમાં પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ગોગામેડીના સમર્થકોને આજે જયપુર બંધનું એલાન આપ્યું છે.અને યોગ્ય કાર્યવાહી નહી કરતા રાજ્યવ્યાપી બંધની ચીમકી ઉચ્ચારી છે.
હત્યાનો સીસીટીવી વીડિયો થઇ રહ્યો છે વાયરલ
સુખદેવ સિંહ ગોગામેડી હત્યાકાંડ સાથે જોડાયેલા કેટલાક વીડિયો અત્યારે સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યાં છે. પહેલા સીસીટીવી વીડિયોમાં જોવા મળે છે કે સુખદેવ સિંહ ગોગામેડી તેમના ઘરે સોફા પર બેઠા છે. તેમની સામે ત્રણ લોકો બેઠા હતા. ત્યાં એક વ્યક્તિ ઉભો હતો. વાતચીત દરમિયાન અચાનક સામે બેઠેલા બંને લોકોએ પોતાની પિસ્તોલ કાઢી અને ફાયરિંગ કર્યું. ફાયરિંગ કરી રહેલા બે લોકોએ ગોગામેડી તેમજ ત્યાં હાજર અન્ય બે લોકો પર ગોળીબાર કર્યો હતો. પરંતુ વીડિયો જોતા સ્પષ્ટ થાય છે કે તેમનું નિશાન મુખ્યત્વે ગોગામેડી હતું. કુલ એક ડઝનથી વધુ ગોળીઓ ચલાવવામાં આવી હતી, જેમાંથી મોટાભાગની ગોગામેડીને નિશાન બનાવી હતી.