દેશના આ રાજ્યમાં હટાવાશે કોરોના લોકડાઉન, રાજ્ય સરકારની કેબિનેટની બેઠકમાં લેવાયો નિર્ણય
દેશમાં કોરોનાની બીજી લહેર હવે ધીમે ધીમે નબળી પડી રહી છે. સતત 12માં દિવસે નવા કેસની સંખ્યા 1 લાખ કરતાં ઓછી આવી છે અને સતત પાંચમાં દિવસે 70 હજારથી ઓછા કેસ નોંધાયા છે.
તેલંગણા સરકારે નિર્ણય કર્યો છે કે રાજ્યમાં કોરોના સંક્રમણના કારણે લાગુ લોકડાઉન સંપૂર્ણ રીતે હટાવવામાં આવશે. રાજ્ય સરકારે કેબિનેટની બેઠકમાં આ નિર્ણય કર્યો છે. આ રીતે તેલંગણા દેશનું પ્રથમ એવું રાજ્ય બન્યું છે કે જેણે સંપૂર્ણ લોકડાઉન હટાવવાનો નિર્ણય કર્યો છે. આ પહેલા રાજ્ય સરકારે 19 જૂન સુધી લોકડાઉન લંબાવવાનો નિર્ણય કર્યો હતો, આ દરમિયાન લોકોને ઘણી છૂટછાટ આપવામાં આવી હતી.
તેલંગણામાં કોરોનાની હાલની સ્થિતિ
તેલંગણામાં શુક્રવારે કોવિડ 19ના 1417 નવા કેસ સામે આવ્યા બાદ કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 6,10,834 થઈ ગઈ જ્યારે 12 દર્દીઓના મોત બાદ મૃત્યુઆંક 3,546 પર પહોંચી ગયો છે. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા બુલેટિન જાહેર કરી આ જાણકારી આપવામાં આવી હતી.
છેલ્લા 24 કલાકમાં 1897 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી
બુલેટિન મુજબ ગ્રેટર હૈદરાબાદ નગર નિગમમાં સૌથી વધુ 149 કેસ નોંધાયા છે. બાદમાં રંગારેડ્ડીમાં 104 અને ખમ્મમમાં 93 નવા કેસ નોંધાયા છે. બુલેટિન અનુસાર 24 કલાકમાં 1897 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
દેશમાં કોરોનાની બીજી લહેર હવે ધીમે ધીમે નબળી પડી રહી છે. સતત 12માં દિવસે નવા કેસની સંખ્યા 1 લાખ કરતાં ઓછી આવી છે અને સતત પાંચમાં દિવસે 70 હજારથી ઓછા કેસ નોંધાયા છે. કોરોનાથી મોતનો આંકડો પણ ઘટ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના લેટેસ્ટ આંકડા અનુસાર, વિતેલા 24 કલાકમાં 60753 નવા કોરોનાના કેસ આવ્યા અને 1647 સંક્રમિતોના મોત થયા છે. 97,743 લોકો કોરોનાથી ઠીક થયા છે .
દેશમાં કોરોનાની સ્થિતિ
- કુલ કોરોના કેસ - બે કરોડ 98 લાખ 23 હજાર 546
- કુલ ડિસ્ચાર્જ - બે કરોડ 86 લાખ 78 હજાર 390
- કુલ એક્ટિવ કેસ - 7 લાખ 60 હજાર
- કુલ મોત - 3 લાખ 85 હજાર 137
દેશમાં સતત 37માં દિવસે કોરોના વાયરસના નવા કેસ કરતાં રિકવર થયેલ લોકોની સંખ્યા વધારે છે. 74 દિવસ બાદ કોરોનાના સૌથી ઓછા એક્ટિવ કેસ નોંધાયા છે. 18 જૂન સુધી દેશભરમાં 27 કરોડ 23 લાખ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે 33 લાખ રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. જ્યારે અત્યાર સુધીમાં અંદાજે 38 કરોડ 92 લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. ગઈકાલે અંદાજે 19 લાખ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેનો પોઝિટિવિટી રેટ 4 ટકાથી વધારે છે.