117 વર્ષ જૂના કાયદાનો આવશે અંત, હવે ઘરે બેઠા જ થઇ જશે પ્રોપર્ટી રજિસ્ટ્રેશનનું કામ
Online Property Registration: હવે દેશમાં જમીન ખરીદ-વેચાણના નિયમોમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. આ અંતર્ગત હવે પ્રોપર્ટી રજીસ્ટ્રેશન પણ ઘરે બેઠા કરવામાં આવશે

Online Property Registration: નવો યુગ ઓનલાઈનનો છે. કોઈપણ કામ ઘરે બેઠા થઈ રહ્યું છે. આ ક્રમમાં હવે દેશમાં જમીન ખરીદ-વેચાણના નિયમોમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. આ અંતર્ગત હવે પ્રોપર્ટી રજીસ્ટ્રેશન પણ ઘરે બેઠા કરવામાં આવશે. આ માટે દોડાદોડ કરવાની જરૂર રહેશે નહીં. વાસ્તવમાં કેન્દ્ર સરકાર એક નવા બિલ હેઠળ એક નવો કાયદો બનાવી રહી છે, જેમાં ઓનલાઈન પ્રોપર્ટી રજીસ્ટ્રેશનની સુવિધા શરૂ કરવાનો પ્રસ્તાવ છે. આ સાથે 1908માં બનાવેલ 117 વર્ષ જૂનો રજીસ્ટ્રેશન એક્ટ સમાપ્ત થશે.
સરકારે ડ્રાફ્ટ પર લોકોના અભિપ્રાય માંગ્યા
'ધ રજીસ્ટ્રેશન બિલ' ના ટાઇટલ સાથે આ ડ્રાફ્ટ ગ્રામીણ વિકાસ મંત્રાલય હેઠળના ભૂમિ સંસાધન વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. તેનો હેતુ મિલકત રજીસ્ટ્રેશનની પ્રક્રિયાને આધુનિક બનાવવાનો છે. આનાથી કામમાં ઝડપ અને પારદર્શિતા આવશે, લોકોને સુવિધા પણ મળશે. દેશના લોકો 25 જૂન સુધી આ અંગે પોતાનો પ્રતિભાવ આપી શકે છે. પ્રોપર્ટી રજીસ્ટ્રેશનને સરળ બનાવવા માટે સરકાર ઇચ્છે છે કે તેનાથી સંબંધિત તમામ દસ્તાવેજો ડિજિટલી સુરક્ષિત હોય.
હવે બધા કામ ડિજિટલ રીતે થશે
સરકાર ઇચ્છે છે કે આગામી સમયમાં નોંધણી માટે કાગળના દસ્તાવેજોની જરૂર ન પડે, બધા કામ ડિજિટલ રીતે થાય. આનાથી છેતરપિંડી, ભ્રષ્ટાચાર, બોગસ નોંધણી રોકવામાં મદદ મળશે. આ નવા બિલમાં વેચાણ કરાર, પાવર ઓફ એટર્ની, વેચાણ પ્રમાણપત્ર અને ઇક્વિટેબલ મોર્ગેજ જેવા મહત્વપૂર્ણ દસ્તાવેજોની નોંધણી પણ ફરજિયાત બનાવવામાં આવી છે, જેમાંથી ઘણાને અગાઉ બાકાત રાખવામાં આવ્યા હતા. આ ઉપરાંત, હવે દરેક વેચનાર અને ખરીદનારને આધાર આધારિત વેરિફિકેશનમાંથી પસાર થવું પડશે. જો કે, જેઓ પોતાનો આધાર શેર કરવા માંગતા નથી તેઓ ચકાસણી માટે અન્ય વૈકલ્પિક ઓળખ પગલાં પસંદ કરી શકે છે.
દેશભરમાં નવો કાયદો લાગુ કરવામાં આવશે
સરકારે રજિસ્ટ્રેશન પ્રક્રિયાને વધુ સુધારવા માટે તેને અન્ય રેકોર્ડ-કીપિંગ એજન્સીઓ સાથે લિંક કરવાનું પણ સૂચન કર્યું છે જેથી માહિતીનું આદાન-પ્રદાન સરળતાથી થઈ શકે. જોકે ઘણા રાજ્યોમાં ઓનલાઈન નોંધણી પહેલાથી જ શરૂ થઈ ગઈ છે, પરંતુ હવે તેને દેશભરમાં લાગુ કરવા માટે એક નવો આધુનિક કાયદો લાવવામાં આવી રહ્યો છે.





















