જૂન મહિનામાં આવશે દેશની બીજી સ્વદેશી કોરોના રસી, આ ગુજરાતી કંપનીએ બનાવી છે રસી
કંપનીની યોજના શરૂઆતમાં એક મહિનામાં વેક્સીનના એક કરોડ ડોઝ બનાવવાની છે.
જૂન મહિનામાં દેશવાસીઓને મળી શકે છે ઝાયડસ કેડિલાની વેક્સીન. ઝાયડસ કેડિલાની વેક્સીન ઝાયકોડ-Dનું ત્રીજા તબક્કાનું ટ્રાયલ અંતિમ તબક્કામાં છે. આરોગ્ય મંત્રાલયનું કહેવું છે કે ઝાયડસ કેડિલાની વેક્સીનને જલ્દી મંજૂરી મળી શકે છે. તે માટે કંપની વહેલી તકે અરજી કરશે. તો ઝાયડસ કેડિલા કંપનીનું પણ કહેવું છે કે આ મહિનાના અંત સુધીમાં તે ડેટા મોકલી દેવા માગે છે. જેથી જૂન મહિનામાં જ મંજૂરી મળી શકે.
ઝાયડસ કેડિલાની વેક્સીન જૂન સુધીમાં બજારમાં આવવાની સંભાવના છે. ભારત બાયોટેકની કોવેક્સીન બાદ ઝાયડસ કેડિલાની ઝાયકોડ-D વેક્સીન દેશમાં સ્વદેશી તરીકે વિકસિત બીજી વેક્સીન હશે. ઝાયડસ કેડિલાની યોજના શરૂઆતમાં એક મહિનામાં વેક્સીનના એક કરોડ ડોઝ બનાવવાની છે. તો બાદમાં દર મહિને 2 કરોડ ડોઝના ઉત્પાદનનો વિચાર છે. આમ દર વર્ષે વેક્સીનના 24 કરોડ ડોઝના ઉત્પાદનની યોજના છે.
સ્પુતનિક-5 રસી
નિતિ આયોગના સભ્ય (આરોગ્ય) વી.કે.પૌલે કહ્યું કે, સ્પુતનિક રસી ભારત પહોંચી ગઈ છે. મને કહેતા ખુશી થાય છે કે અમને આશા છે કે તે આવતા અઠવાડિયાથી બજારમાં ઉપલબ્ધ થશે. અમે એ પણ આશા રાખીએ છીએ કે રશિયા તરફથી મર્યાદિત માત્રાની રસી આવતા સપ્તાહથી વેચવાનું શરૂ કરશે.''
આરોગ્ય મંત્રાલયે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, આવતા અઠવાડિયાથી ભારતમાં સ્પુતનિક-વી (Sputnik V) ની રસીનું વેચાણ શરૂ થશે. આગામી પાંચ મહિનામાં ભારતમાં 2 અબજ ડોઝ મળશે. ઘરેલું અને વિદેશી બંને રસી ભારતમાં રજૂ કરવામાં આવશે. સ્પુતનિકનું ઉત્પાદન ભારતમાં ઓક્ટોબર સુધીમાં થવાનું શરૂ થઈ જશે.
બીજી કંપનીઓ પણ કોવેક્સિન બનાવશે
ભારત બાયોટેક ઉપરાંત બીજી કંપનીઓ પણ સ્વદેશી વેક્સિન ‘કોવેક્સિન’નું (Covaxin) નિર્માણ કરી શકશે તેવા સંકેત કેન્દ્ર સરકારે આપ્યા છે. જો આવું થશે તો ભારતની વેક્સિન ઉત્પાદનની ક્ષમતામાં વધારો થશે અને વેક્સિનની અછતને દૂર કરી શકાશે.
નીતિ સમિતિના સભ્ય વીકે પોલેને જણાવ્યું કે, બીજી કંપનીઓ દ્વારા કોવેક્સિન બનાવવાની વાતને ભારત બાયોટેકે (Bharat Biotech) સ્વાગત કર્યું છે. ભારત બાયોટેક જ કોવેક્સિનની નિર્માતા કંપની છે. કોવેક્સિન સ્વદેશી વેક્સિન છે અને તે દેશમાં ચાલી રહેલા રસીકરણમાં મહત્વની ભૂમિકામાં છે.
વીકે પોલે કહ્યું કે, "લોકોનું કહેવું છે કે, બીજી કંપનીઓને પણ કોવેક્સિન બનાવવા માટે આપવામાં આવે છે. મને તે કહેવામાં આનંદ થાય છે કે જ્યારે અમે આ વિશેની કોવેક્સિન નિર્માતા કંપની (ભારત બાયટેક) સાથે વાત કરી તો તેણે તેનું સ્વાગત કર્યું. આ વેક્સિન અંતર્ગત લાઈવ વાયરસ નિષ્ક્રિય થઈ જાય છે અને તે ફક્ત BSL 3 લેબમાં જ બને છે.