દૂધ, ચિપ્સ, TV-ACથી લઈને કાર-બાઈક સુધી થશે સસ્તું, GST કાઉન્સિલની આજે બેઠક
નોંધનીય છે કે GST 1 જૂલાઈ 2017ના રોજ દેશમાં તમામ વિવિધ કરને નાબૂદ કરીને લાગુ કરવામાં આવ્યો હતો

15 ઓગસ્ટના રોજ લાલ કિલ્લા પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી જાહેરાત બાદ દેશમાં GST એટલે કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સમાં સુધારાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. હવે GST કાઉન્સિલની બેઠક આજથી શરૂ થઈ રહી છે અને આ બે દિવસીય બેઠકમાં GST દરોમાં ફેરફાર અને ચારને બદલે બે ટેક્સ સ્લેબ પર અંતિમ મંજૂરી આપવામાં આવશે. GST સુધારા દ્વારા સરકારનો ધ્યેય કર માળખાને સરળ બનાવવાનો અને ગ્રાહકોને સીધો લાભ આપવાનો છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે નવા ફેરફારો પછી દૂધ-ચીઝથી લઈને ટીવી-એસી અને કાર-બાઈક સુધીની રોજિંદા વસ્તુઓના ભાવમાં ઘટાડો થઈ શકે છે.
GST સુધારાઓ પર નાણામંત્રીએ શું કહ્યું?
નોંધનીય છે કે GST 1 જૂલાઈ 2017ના રોજ દેશમાં તમામ વિવિધ કરને નાબૂદ કરીને લાગુ કરવામાં આવ્યો હતો. જોકે વિપક્ષ હંમેશા આ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સને 'ગબ્બર સિંહ ટેક્સ' કહીને સરકાર પર નિશાન સાધતો રહ્યો છે, પરંતુ કેન્દ્ર સરકાર તેને આર્થિક સુધારાની દિશામાં લેવામાં આવેલું એક મોટું પગલું ગણાવે છે.
હવે તેને સરળ બનાવવાની તૈયારીના ભાગ રૂપે તેમાં સમાવિષ્ટ ટેક્સ સ્લેબની સંખ્યા ઘટાડવા અને તમામ દરોને તર્કસંગત બનાવવા માટે આજથી વિવિધ દરખાસ્તો પર વિચાર-વિમર્શ શરૂ થઈ રહ્યો છે. મંગળવારે બેઠક શરૂ થાય તે પહેલાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે GST સુધારાઓ વિશે મોટું નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે તેમનો ધ્યેય અર્થતંત્રને સંપૂર્ણપણે ખુલ્લું પાડવાનો અને પારદર્શિતા લાવવાનો છે, જે નાના ઉદ્યોગોને ખૂબ મદદ કરશે.
હવે ફક્ત બે સ્લેબ રહેશે, ચાર નહીં
કેન્દ્ર સરકારે GST હેઠળ ચાર ટેક્સ સ્લેબ (5 ટકા, 12 ટકા , 18 ટકા અને 28 ટકા ) ઘટાડવાની અને 12 ટકા અને 28 ટકા ટેક્સ દૂર કરવાની તૈયારી કરી છે. એટલે કે ફક્ત 5 ટકા અને 18 ટકા GST સ્લેબ જ રહેશે. PM નરેન્દ્ર મોદીની જાહેરાત પછી યોજાયેલી મંત્રીઓના જૂથ (GoM) ની બેઠકમાં 12 ટકા અને 28 ટકા સ્લેબ દૂર કરવાના પ્રસ્તાવને પણ મંજૂરી આપવામાં આવી છે. પ્રધાનમંત્રીએ આ GST સુધારાને દેશવાસીઓ માટે દિવાળી ભેટ તરીકે સંબોધિત કર્યો છે. જોકે, સરકારે GST દરોમાં આ ફેરફારોને કારણે લગભગ 40,000 કરોડ રૂપિયાના મહેસૂલ નુકસાનનો અંદાજ લગાવ્યો છે, પરંતુ આ દેશના સામાન્ય માણસ માટે મોટી રાહત સાબિત થશે.
કઈ વસ્તુઓ સસ્તી થઈ શકે છે?
જો GST સુધારા સંબંધિત દરખાસ્તો લાગુ કરવામાં આવે છે તો રોજિંદા જીવનમાં વપરાતી બધી વસ્તુઓ સસ્તી થઈ જશે, જેમાં દૂધ-ચીઝ, નમકીન, સાબુ, તેલ, કપડાંનો સમાવેશ થાય છે, આ સાથે, જો સ્લેબ બદલાય છે તો જૂતા, ટીવી, એસી, મોબાઇલ અને કાર-બાઇકના ભાવમાં પણ મોટો ઘટાડો જોવા મળી શકે છે. પ્રસ્તાવ હેઠળ જે વસ્તુઓ પર GST સ્લેબ 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરવાનો છે, એટલે કે તેમને સસ્તા કરવાની યોજના છે, તેમાં પેકેજ્ડ ખોરાકનો સમાવેશ થાય છે જેમ કે નમકીન, ચિપ્સ, પાસ્તા, નૂડલ્સ, જામ, કેચઅપ, પેકેજ્ડ જ્યુસ, કન્ડેન્સ્ડ મિલ્ક, ઘી, માખણ, ચીઝ અને દૂધમાંથી બનેલ બેવરેઝ છે.





















