Maharashtra : શિવસેનામાં હવે ઉદ્ધવ કહે એ જ થશે, પાર્ટીએ ઉદ્ધવના હાથમાં આપ્યો સમગ્ર પાવર
Maharashtra Political Crisis : શિવસેનાએ શિંદે જૂથનું નામ બદલીને બાલાસાહેબના નામ સામે ચૂંટણી પંચનો સંપર્ક કરવાનો નિર્ણય કર્યો છે.
Mumbai : શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) હવે એકનાથ શિંદે (Eknath Shinde)જૂથ સામે એકતરફી લડાઈમાં ઉતર્યા છે. શિવસેનાની રાષ્ટ્રીય કાર્યકારિણીમાં (Shiv Sena National Executive Meeting) ચાર ઠરાવ પસાર કરવામાં આવ્યા હતા. જેમાં શિંદે જૂથ પર કડક કાર્યવાહીનો માર્ગ ખુલી ગયો છે. બીજી તરફ ડેપ્યુટી સ્પીકર નરહરિ જીરવાલે શિંદે સહિત 16 બળવાખોરોને નોટિસ ફટકારી છે. ધારાસભ્યોનું સભ્યપદ રદ્દ કરતા પહેલા જવાબ આપવા માટે 27 જૂને સાંજે 5.30 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો છે. બીજી બાજુ, શિવસેનાએ શિંદે જૂથનું નામ બદલીને બાલાસાહેબના નામ સામે ચૂંટણી પંચનો સંપર્ક કરવાનો નિર્ણય કર્યો છે.તો પાર્ટીએ સમગ્ર પાવર ઉદ્ધવ ઠાકરેના હાથમાં આપ્યો છે. હવે શિવસેનામાં ઉદ્ધવ કહે એમ જ થશે.
એકનાથ શિંદે સહીત 16 ધારાસભ્યોને નોટિસ
મહારાષ્ટ્રમાં સીએમ ઉદ્ધવ ઠાકરે પર રાજકીય સંકટ ધીમે ધીમે વધી રહ્યું છે, પરંતુ ઉદ્ધવ હાર માનવા તૈયાર નથી. તેમણે હવે એકનાથ શિંદે જૂથ પર કાર્યવાહી કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. એક તરફ શિવસેનાએ રાષ્ટ્રીય કાર્યકારિણીમાં એકનાથ શિંદે વિરુદ્ધ ચાર ઠરાવ પસાર કર્યા. બીજી તરફ ડેપ્યુટી સ્પીકર નરહરિ જીરવાલે શિવસેનાના પત્રની નોંધ લીધી છે. બળવાખોરોનું સભ્ય પદ રદ્દ કરવા માટે ડેપ્યુટી સ્પીકરે શિંદે જૂથના 16 ધારાસભ્યોને નોટિસ પાઠવી છે અને 27 જૂન, સોમવારે સાંજે 5.30 વાગ્યા સુધીમાં તેમનો જવાબ માંગ્યો છે.
શિવસેનાએ ચાર ઠરાવ પસાર કર્યા
શિવસેનાની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં ચાર ઠરાવ પસાર કરવામાં આવ્યા છે. જેમાંથી શિવસેના પ્રથમ પ્રસ્તાવ હેઠળ ચૂંટણી પંચ પાસે જશે. શિવસેના પંચમાં અપીલ કરશે કે અન્ય કોઈ બાળાસાહેબના નામનો ઉપયોગ ન કરે. અન્ય પ્રસ્તાવોમાં ઉદ્ધવ બળવાખોરો પર કાર્યવાહી કરશે. હિન્દુત્વ અને મરાઠી ઓળખનો ઠરાવ પસાર કરવામાં આવ્યો. અંતિમ ઠરાવમાં ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે.
તમારા પિતાના નામ પર ચૂંટણી લડો: ઉદ્ધવ
શિવસેનાની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં ઉદ્ધવ ઠાકરેએ એકનાથ શિંદે પર સીધો પ્રહાર કર્યો હતો. શિંદે પોતાના જૂથને “શિવસેના બાલાસાહેબ”નું નામ આપતાં ઉદ્ધવે કહ્યું કે જો કોઈને ચૂંટણી લડવી હોય તો તમારા પિતાના નામ પર લડો. બાલાસાહેબ અમારા પિતા હતા અને તેમના નામનો અન્ય કોઈ ઉપયોગ કરી શકે નહીં.