(Source: ECI/ABP News/ABP Majha)
ભારતમાં કોરોના અંગે UNના રીપોર્ટમાં અપાયેલી આ ચેતવણી દરેક ભારતીયે જાણવી છે જરૂરી, બીજી લહેર...........
સંયુક્ત રાષ્ટ્રના આર્થિક તથા સામાજિક બાબતો અંગેના વિભાગના સેક્રેટરી જનરલ લિયુ જેનમિને કહ્યું હતું કે કોવિડ 19ને નિયંત્રિત કરવા માટે એક સમન્વિત અને સાતત્યપૂર્ણ વૈશ્વિક દૃષ્ટિકોણ જરૂરી છે.
નવી દિલ્લીઃ ભારતમાં કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યા છે ત્યારે યુનાઈટેડ નેશન્સ સંયુક્ત રાષ્ટ્ર (UN)ના એક રિપોર્ટમાં દેશનાં લોકો ડરી જાય એવી ચેતવણી અપાઈ છે. UNના “યુનાઈટેડ નેશન્સ વર્લ્ડ ઈકોનોમિક સિચ્યુએશન એન્ડ પ્રોસ્પેક્ટસ (WESP) 2022માં ચેતવણી અપાઈ છે કે, ભારતમાં કોરોનાની બીજી લહેર જેવી જ ભયંકર સ્થિતી પેદા થશે.
રીપોર્ટમાં કહેવાયું છે કે, ભારતમાં એપ્રિલથી જૂન 2021 દરમિયાન કોવિડ 19ના ડેલ્ટા વેરિએન્ટની ઘાતક લહેર અઆવી હતી. આ લહેરમાં 2.40 લાખ લોકોનાં મોત થયાં હતાં તથા આર્થિક હાલત કથળી ગઈ હતી. ભારતમાં હવે નજીકના સમયમાં પણ આવી જ સ્થિતિ ઉત્પન્ન થઈ શકે છે. યુએનના રિપોર્ટમાં એમ પણ જણાવાયું છે કે કોવિડ 19ના વધુ ચેપી ઓમિક્રોન વેરિએન્ટની નવી લહેરોના કારણે મૃતકોની સંખ્યા અને આર્થિક નુકસાનમાં જંગી વધારો થવાનું અનુમાન છે.
સંયુક્ત રાષ્ટ્રના આર્થિક તથા સામાજિક બાબતો અંગેના વિભાગના સેક્રેટરી જનરલ લિયુ જેનમિને કહ્યું હતું કે કોવિડ 19ને નિયંત્રિત કરવા માટે એક સમન્વિત અને સાતત્યપૂર્ણ વૈશ્વિક દૃષ્ટિકોણ જરૂરી છે. તેના વિના આ મહામારી વૈશ્વિક અર્થવ્યવસ્થાના સમાવેશી અને સ્થાયી ગ્રોથ માટે સૌથી મોટું જોખમ બની રહેશે.
કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોનના વધતાં કેસો અંતે ચેતવણી આપતાં યુરોપિયન યુનિયનના નિષ્ણાતોએ પણ કહ્યું છે કે આ ફેલાવો કોવિડ મહામારીને એન્ડેમિક તરફ લઈ જઈ રહ્યો છે.
યુરોપિયન મેડિસીન એજન્સીના વેક્સિનેશન સ્ટ્રેટેજી ચીફ માર્કો કેવલેરીએ કહ્યું, આપણે કોવિડરૂપી આ સુરંગના અંતિમ છેડે ક્યારે પહોંચીશું એ ખબર નથી. તેમણે કહ્યું કે સામાન્ય જનતામાં ઈમ્યુનિટીમાં વધારો તથા ઓમિક્રોનની સાથે ખૂબ નેચરલ ઈમ્યુનિટી હાંસલ થશે. આપણે ઝડપથી એવી દિશામાં આગળ વધી રહ્યા છીએ કે જે રોગચાળાની નજીક હશે. અત્યારે મહામારીનો ફેલાવો તેની ચરમસીમાએ છે અને તેનાથી સાવધ રહેવું જરૂરી છે. અમેરિકન ચેપી રોગ નિષ્ણાત ડો. ફોસીએ કહ્યું કે સંક્રમિતોની રેકોર્ડ સંખ્યા પછી પણ દેશ કોરોનાની સાથે રહેવાની નજીક પહોંચી ગયો છે, જ્યાં કોવિડ 19 એક સંભાળી શકાય એવી બીમારી હશે.